- National
- એક યુવાને 1638 ક્રેડિટ કાર્ડ ખરીદીને 'વર્લ્ડ રેકોર્ડ' બનાવ્યો, જીવી રહ્યો છે વૈભવી જીવન!
એક યુવાને 1638 ક્રેડિટ કાર્ડ ખરીદીને 'વર્લ્ડ રેકોર્ડ' બનાવ્યો, જીવી રહ્યો છે વૈભવી જીવન!
જો તમને લાગે છે કે ક્રેડિટ કાર્ડ ફક્ત ખરીદી અને બિલ ચૂકવવા પૂરતો મર્યાદિત છે, તો અહીં તમે મનીષ ધમેજાની વાર્તા સાંભળીને ચોંકી જશો, જેમણે ક્રેડિટ કાર્ડને રોજિંદા ઉપયોગથી આગળ વધારીને પોતાની આવકના સ્ત્રોતમાં ફેરવી નાંખ્યા છે. એટલું જ નહીં, પોતાની આ જોરદાર આઈડિયાથી મનીષ ધમેજાએ 30 એપ્રિલ, 2021ના રોજ ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવવામાં સફળ થયા હતા.
હકીકતમાં, મનીષ ધમેજા પાસે એવા 1638 કાર્ડ છે, જે બધા સંપૂર્ણપણે માન્ય છે. એવું નથી કે મનીષ આ કાર્ડ ફક્ત પોતાની પાસે ફક્ત એકઠા કરીને રાખી મૂકે છે. તે હાલમાં કોઈપણ જાતનું દેવું કર્યા વગર તેનો ઉપયોગ રિવોર્ડ પોઈન્ટ્સ, કેશબેક, ટ્રિપ્સ અને હોટેલ રોકાણ માટે કરે છે. આ જ કારણ છે કે તે કોઈપણ પ્રકારના દેવા વગર આ કાર્ડ્સનું સંચાલન કરી રહ્યો છે. મનીષની વાર્તા ખરેખર એ અહેસાસ કરાવે છે કે, ફક્ત ખર્ચ કરવા માટે બનાવાયેલા ક્રેડિટ કાર્ડને આવકના સ્ત્રોતમાં ફેરવી શકાય છે.
જ્યારે મનીષનું નામ ગિનીસ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સમાં સામેલ થયું, ત્યારે તેમણે કહ્યું, 'ક્રેડિટ કાર્ડ વિના જીવન અધૂરું છે, મને ક્રેડિટ કાર્ડ ખૂબ ગમે છે.' મનીષે આગળ કહ્યું, 'ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને, હું તેમાંથી મળતા કેશબેકનો લાભ લઈને મફત મુસાફરી, રેલ્વે લાઉન્જ, એરપોર્ટ લાઉન્જ, ખાવાનું, સ્પા અને હોટેલ વાઉચર્સનો ફાયદો ઉઠાવીને આરામદાયક જીવનનો આનંદ માણી રહ્યો છું.'
'ક્રેડિટ કાર્ડ્સ અને સિક્કાઓના રાજા' તરીકે ઓળખાતા મનીષ ધામેજા ક્રેડિટ કાર્ડ્સ અને સિક્કાઓના સંગ્રહ માટે જાણીતા છે. તેઓ હાલમાં દિલ્હી, ભારતમાં રહે છે, પરંતુ મૂળ ઉત્તર પ્રદેશના લખનઉના રહેવાસી છે. મનીષે તેમના શિક્ષણ દરમિયાન વિવિધ ક્ષેત્રોમાં ઝંપલાવ્યું છે.
2016માં, ભારત સરકારે અચાનક 500 અને 1000 રૂપિયાની નોટો બંધ કરી દીધી, જેના કારણે બેંકો અને ATMની બહાર ભારે ભીડ જોવા મળી. પરંતુ તે વખતે પણ મનીષ તેમના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને આરામથી પૈસાની લેવડદેવડ કરી રહ્યો હતો. જો કે, મનીષની ઉત્તમ શૈક્ષણિક પૃષ્ઠભૂમિ પણ તેમની સમજદારીનું કારણ ગણી શકાય. મનીષે કાનપુરની CSJM યુનિવર્સિટીમાંથી FCMમાં BCA, લખનઉ યુનિવર્સિટીમાંથી સોશિયલ વર્કમાં માસ્ટર્સ અને IGNOUમાંથી સોશિયલ વર્કમાં ડિગ્રી મેળવી છે. તે હાલમાં ભારત સરકારના ટેલિકોમ્યુનિકેશન વિભાગમાં કામ કરે છે અને ધ ન્યુમિસ્મેટિક સોસાયટી ઓફ ઈન્ડિયા સાથે પણ સંકળાયેલા છે. પોતાના અભ્યાસ અને કારકિર્દીની સાથે સાથે, તેમણે ઘણા ક્ષેત્રોમાં નામના મેળવી છે, જે તેમની મહેનત અને સમર્પણ દર્શાવે છે.
ભારતમાં ક્રેડિટ કાર્ડના વપરાશકર્તાઓ વધી રહ્યા છે, પરંતુ મોટાભાગના દેવાની માયાજાળમાં ફસાઈ જાય છે. મનીષે સાબિત કર્યું કે, સ્માર્ટ મૂવ્સથી ક્રેડિટ કાર્ડ ફાયદાકારક બની શકે છે. કોઈ દેવું નહીં, ફક્ત ફાયદો જ. મુસાફરી પ્રેમીઓ માટે મફત ટિકિટ, ખરીદદારો માટે કેશબેક, તેમણે બધું જ મેનેજ કર્યું. પરંતુ નિષ્ણાતો કહે છે કે, આટલા બધા કાર્ડ રાખવા સરળ નથી. તે તમારા ક્રેડિટ સ્કોરને અસર કરી શકે છે અને મેનેજમેન્ટને મુશ્કેલ બનાવી શકે છે. મનીષે સમજાવ્યું કે, તે દરેક કાર્ડને સક્રિય રાખે છે, પરંતુ તેનો ઉપયોગ સમજદારીપૂર્વક કરે છે. મનીષ ધમેજાએ દર્શાવ્યું કે, જુસ્સા અને સ્માર્ટનેસથી કંઈપણ પ્રાપ્ત કરી શકાય છે.

