- National
- ખેડૂતે દેવા માફીનો મુદ્દો ઉઠાવતા DyCM પવાર ગરમ થઈને કહે- ‘અમે અહીં લખોટા રમવા નથી આવ્યા..’
ખેડૂતે દેવા માફીનો મુદ્દો ઉઠાવતા DyCM પવાર ગરમ થઈને કહે- ‘અમે અહીં લખોટા રમવા નથી આવ્યા..’
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારના વધુ એક વિવાદાસ્પદ નિવેદનનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. નાયબ મુખ્યમંત્રી ધારાશિવમાં પૂરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કરવા ગયા હતા, આ દરમિયાન ખેડૂતો સાથે વાત કરી રહ્યા હતા. ત્યારે એક ખેડૂતે પવાર સામે દેવા માફીનો મુદ્દો ઉઠાવ્યો. પીડિત ખેડૂતની આ માગ સાંભળીને અજીત પવાર અચાનક ગુસ્સે થઈ ગયા.
લોન માફીની માગ કરી રહેલા ખેડૂત તરફ જોઈને પવારે ગુસ્સામાં કહ્યું- ‘તેને મુખ્યમંત્રી પદ આપી દો! શું તમને લાગે છે કે અમે અહીં લખોટા રમવા માટે આવ્યા છીએ? મેં મારા દિવસની શરૂઆત સવારે 6:00 વાગ્યે કરમાળાથી કરી. તમે માત્ર કામ કરનારાઓની ટીકા કરો છો. અમે અમારી પ્રિય બહેનોને ખૂબ મદદ કરી છે. આજે પણ અમે વાર્ષિક 45,000 કરોડ રૂપિયાની સહાય પૂરી પાડીએ છીએ. અમે ખેડૂતોના વીજ બિલ માફ કર્યા છે અને તેના માટે 20,000 કરોડ રૂપિયા ચૂકવીએ છીએ.’
https://twitter.com/PriaINC/status/1971266346479767676
પવારે આગળ કહ્યું કે, ‘હું તમને એક વાત કહી દઉં કે, તમે કોઈ પણ બીજી વસ્તુ માટે દેખાડો કરી શકો છો, પરંતુ જ્યારે પૈસાની વાત આવે છે ત્યારે તમે દેખાડો કરી શકતા નથી. હું એ જ કહું છું, જે સાચું છે. હું રાજનીતિ કરવા માગતો નથી, પરંતુ અમે જરૂરિયાતમંદોને મદદ કરવામાં પાછળ હટવાના નથી.’
https://twitter.com/abpmajhatv/status/1971181330328322422
પવારે ભારપૂર્વક જણાવ્યું હતું કે રાજ્ય સરકાર પૂરગ્રસ્ત ખેડૂતો માટે કેન્દ્રની સહાય માગશે અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને ઔપચારિક પત્ર સોંપશે. આ સમગ્ર ઘટના ત્યારે બની જ્યારે પવાર પૂરથી થયેલા નુકસાનનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા. અજીત પવારે બીડ અને આસપાસના જિલ્લાઓમાં પાકના નુકસાનનું મૂલ્યાંકન કર્યું, કારણ કે મરાઠવાડા પ્રદેશ ભારે વરસાદને કારણે પૂરનો સામનો કરી રહ્યો છે.
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રીનો આ વીડિયો સામે આવ્યા બાદ, વિપક્ષે તેમની આકરી ટીકા કરી અને તેમના પર અહંકારનો આરોપ લગાવ્યો. જોકે, તેમણે વિપક્ષના આરોપને ગેરસમજ ગણાવીને ફગાવી દીધો. શિવસેના (UBT)એ પણ નાયબ મુખ્યમંત્રી અજીત પવાર પર નિશાન સાધ્યું છે. શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું કે આ અજીત પવારની શૈલી નથી, પરંતુ અહંકાર છે!
મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓ હાલમાં પૂરથી પ્રભાવિત છે. મરાઠવાડામાં, છત્રપતિ સંભાજીનગર, જાલના, લાતુર, પરભણી, નાંદેડ, હિંગોલી, બીડ અને ધારાશિવ જિલ્લાઓ હાલમાં પૂરની ઝપેટમાં છે. નોંધનીય છે કે 20 સપ્ટેમ્બરના રોજ મરાઠવાડામાં ભારે વરસાદ અને સહાયક નદીઓના કારણે વ્યાપક નુકસાન થયું છે. મહારાષ્ટ્રમાં આવેલા પૂરમાં ઓછામાં ઓછા 9 લોકોએ જીવ ગુમાવ્યા છે.

