- National
- બિહારમાં BJP 3 મુદ્દાના ફોર્મ્યૂલાનો ઉપયોગ કરીને ઉમેદવારો નક્કી કરશે, ગુજરાત મોડેલ નહીં અપનાવે
બિહારમાં BJP 3 મુદ્દાના ફોર્મ્યૂલાનો ઉપયોગ કરીને ઉમેદવારો નક્કી કરશે, ગુજરાત મોડેલ નહીં અપનાવે
બિહાર વિધાનસભા ચૂંટણી માટે શાસક NDA ગઠબંધન વચ્ચે બેઠક વહેંચણીની સમજૂતી જાહેર થયા પછી, હવે ઉમેદવારોની જાહેરાત કરવાનો સમય આવી ગયો છે. આ દરમિયાન, સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે કે, BJPએ ગઠબંધન હેઠળ ફાળવવામાં આવેલી તમામ 101 બેઠકો માટે ઉમેદવારોના નામોને અંતિમ સ્વરૂપ આપી દીધું છે, અને તેની જાહેરાત ગમે ત્યારે થઈ શકે છે. સૂત્રોએ એમ પણ જણાવ્યું છે કે, પાર્ટી બિહારમાં ટિકિટ વિતરણમાં ગુજરાત મોડેલ અપનાવશે નહીં. આનો અર્થ એ છે કે, તે 30 ટકા વર્તમાન ધારાસભ્યોની ટિકિટ રદ કરશે નહીં. BJP ઘણી વાર બધી ચૂંટણીઓમાં આ મોડેલનો ઉપયોગ કરીને લગભગ 30 ટકા વર્તમાન ધારાસભ્યોની ટિકિટ રદ કરતી આવી છે અને તેમની જગ્યાએ યુવા ઉમેદવારોને મુક્યા છે, પરંતુ આ વખતે બિહારમાં આ મોડેલ અપનાવવામાં આવશે નહીં.
જોકે, સૂત્રો કહી રહ્યા છે કે, પાર્ટી 16 વર્તમાન ધારાસભ્યોની ટિકિટ રદ કરી શકે છે. આ ઉપરાંત, 75 વર્ષથી વધુ ઉંમરના લોકોને પણ ટિકિટ મળી શકે છે. BJPએ જે લોકોની ટિકિટ કાપી છે, તેમની બેઠકો પર મહિલાઓ અને યુવાનોને મેદાનમાં ઉતારવાની રણનીતિ બનાવી છે. સૂત્રો બતાવી રહ્યા છે કે, BJP ત્રણ મુદ્દાના ફોર્મ્યુલાના આધારે ગઠબંધનને ફાળવવામાં આવેલી તમામ 101 બેઠકો માટે ઉમેદવારો ઉતારી રહ્યું છે. આની અંદર, જાતિ સમીકરણો, જીતી શકે તેવા ઉમેદવારો અને યુવાનોની ભાગીદારી પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
એક અંગ્રેજી અખબારમાં છપાયેલા અહેવાલમાં જણાવાયું છે કે, પાર્ટી મોટાભાગે વર્તમાન ધારાસભ્યોને એટલા માટે મેદાનમાં ઉતારી રહી છે, કારણ કે તેમાંના ઘણા 2020માં નવા હતા. પાર્ટી માને છે કે, પહેલી વાર ચૂંટાયેલા ધારાસભ્યો અને સરકાર સામે કોઈ એન્ટિ-ઈન્કમ્બન્સી નથી, તેથી અન્ય રાજ્યોમાં થયું છે તેમ અહીં પણ સરેરાશ 30 ટકા ધારાસભ્યોની ટિકિટ કાપવામાં આવશે નહીં. પાર્ટી આ વખતે ઘણી મહિલા ઉમેદવારોને પણ મેદાનમાં ઉતારવાની રણનીતિ પર પણ કામ કરી રહી છે. એવી ચર્ચા છે કે, પાર્ટી વિધાનસભા ચૂંટણીમાં કેટલાક કેન્દ્રીય નેતાઓને પણ મેદાનમાં ઉતારી શકે છે. પાર્ટી મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં પણ આવું કરી ચૂકી છે.
અહીં તમને બતાવી દઈએ કે, રવિવારે સાંજે દિલ્હીમાં BJPની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળી હતી, જ્યાં પાર્ટીના ઉમેદવારોની પ્રથમ યાદીને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું. આ બેઠકમાં PM નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, BJPના રાષ્ટ્રીય અધ્યક્ષ JP નડ્ડા, BJPના મહાસચિવ (સંગઠન) BL સંતોષ, કેન્દ્રીય ચૂંટણી સમિતિના અન્ય સભ્યો અને બિહારના વરિષ્ઠ પક્ષના નેતાઓ હાજર રહ્યા હતા. બિહાર BJP પ્રમુખ દિલીપ જયસ્વાલે જણાવ્યું હતું કે, તેઓ સોમવાર સાંજથી ઉમેદવારોની જાહેરાત શરૂ કરશે.
આ દરમિયાન, બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં થનારા મતદાન માટે 122 બેઠકો માટે નામાંકન પ્રક્રિયા સોમવારે શરૂ થઈ હતી. ચૂંટણી પંચે 11 નવેમ્બરે આ બેઠકો પર મતદાન માટે સૂચના બહાર પાડીને નામાંકન પ્રક્રિયા શરૂ કરી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ બેઠકો માટે ઉમેદવારો 20 ઓક્ટોબર સુધી નામાંકન પત્રો દાખલ કરી શકે છે, જ્યારે નામ પાછા ખેંચવાની છેલ્લી તારીખ 23 ઓક્ટોબર નક્કી કરવામાં આવી છે. પ્રથમ તબક્કાની 121 બેઠકો માટે નામાંકન પ્રક્રિયા શુક્રવારે શરૂ થઈ ગઈ હતી. આ બેઠકો માટે મતદાન 6 નવેમ્બરે થશે. પ્રથમ તબક્કા માટે ઉમેદવારો ફક્ત 17 ઓક્ટોબર સુધી જ નામાંકન દાખલ કરી શકશે. રાજ્યની તમામ 243 વિધાનસભા બેઠકો માટે મત ગણતરી 14 નવેમ્બરે થશે.

