- National
- પ્રયાગરાજમાં એક વાંદરો બાઇકની ડિક્કીમાંથી 500ની નોટોની થેલી લઈને ભાગ્યો...
પ્રયાગરાજમાં એક વાંદરો બાઇકની ડિક્કીમાંથી 500ની નોટોની થેલી લઈને ભાગ્યો...
પ્રયાગરાજ સ્થિત સોરાંવ તાલુકામાં, એક વાંદરો બાઇકની ડીક્કીમાંથી 500 રૂપિયાની નોટોનું બંડલ ભરેલી બેગ લઈને ઝાડ પર ચઢી ગયો. ત્યાં બેસીને વાંદરાએ તે પેકેટ ફાડી નાખ્યું અને નોટો નીચે ફેંકવાનું શરૂ કર્યું, જેના કારણે ઝાડ પરથી 'નોટોનો વરસાદ' શરુ થયો. આ ઘટના સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. એક વાંદરો એક યુવાનના બાઇકની ડીક્કીમાંથી 500 રૂપિયાની નોટોનું બંડલ ભરેલી બેગ લઈને ઝાડ પર ચઢી ગયો. તેણે પેકેટ ફાડી નાખ્યું અને નોટોને નીચે ફેંકવાનું શરૂ કર્યું, જેના કારણે રસ્તા પર 'નોટોનો વરસાદ' થયો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ નોટોનું બંડલ 50,000 રૂપિયા જેટલું હતું.
https://www.instagram.com/reel/DPxyOLaAYRO/
આ ઘટના પ્રયાગરાજના સોરાંવ તાલુકામાં આઝાદ સભાગારની સામે બની હતી. તે યુવક ત્યાં પોતાની બાઇક પાર્ક કરીને જમીનનો દસ્તાવેજ નોંધાવવા માટે થોડે દૂર ગયો હતો. બાઇકની ડીક્કીમાં એક પ્લાસ્ટિકની થેલીમાં 500 રૂપિયાની નોટોનું બંડલ રાખવામાં આવ્યું હતું. અચાનક, એક વાંદરાએ બાઈકની ડીક્કીમાંથી તે થેલી નીકાળી લીધી. લોકોએ તેનો પીછો કર્યો, પરંતુ તે થેલી લઈને ઝાડ પર ચઢી ગયો.
લોકોએ થેલી પાછી મેળવવાનો ખૂબ પ્રયાસ કર્યો, પરંતુ વાંદરાએ તેને ફાડી નાખી હતી. પ્લાસ્ટિકની થેલી ફાડીને, તેણે 500 રૂપિયાની નોટોનું બંડલ બહાર કાઢ્યું અને તેને નીચે ફેંકવાનું શરૂ કર્યું. તાલુકા મુખ્યાલયમાં હાજર લોકો આશ્ચર્યચકિત થઈ ગયા અને બૂમો પાડવા લાગ્યા. વાંદરાએ નોટો ફેંકવાનું ચાલુ રાખ્યું, જેને લોકોએ જમીન પરથી એકઠી કરવાનું શરૂ કર્યું. પૈસા ઉડતા જોઈને બાઇક માલિક સ્તબ્ધ થઈ ગયો. તેણે વાંદરાને ડરાવવા માટે ઘણા પ્રયાસો કર્યા, અન્ય લોકો સાથે બૂમો પણ પાડી, અને કેટલાકે ઇંટો અને પથ્થરો ફેંકીને તેને ડરાવવાનો પણ પ્રયાસ કર્યો. પરંતુ વાંદરાએ હાર માની નહીં. તે આનંદથી નોટો ફેંકવાનું ચાલુ રાખ્યું, અને લોકોએ તેને એકત્રિત કરવાનું ચાલુ રાખ્યું.
બાઇક માલિકને ખબર પડે કે શું થયું છે, ત્યાં સુધીમાં તો વાંદરો આખું બંડલ વેરવિખેર કરી ચૂક્યો હતો. લોકો કહે છે કે, વાંદરો પૈસા રમકડાની જેમ ઉછાળી રહ્યો હતો અને મસ્તીમાં આવીને નોટો ફેંકી રહ્યો હતો. કોઈએ આખી ઘટનાનો વીડિયો ઉતારી લીધો હતો.
લોકોએ પડી ગયેલી બધી 500 રૂપિયાની નોટો એકઠી કરી અને દસ્તાવેજ નોંધાવવા આવેલા યુવાનને પરત કરી. પૈસા પાછા મળતાં યુવકે રાહતનો શ્વાસ લીધો. આ સમગ્ર ઘટનાનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

