- National
- સાસરે જમાઈને તેની સાસૂ-પત્ની સાથે મળીને જ પતાવી દીધો, 15 પેકેટ મીઠું નાખી ખાડામાં દાટી દીધો
સાસરે જમાઈને તેની સાસૂ-પત્ની સાથે મળીને જ પતાવી દીધો, 15 પેકેટ મીઠું નાખી ખાડામાં દાટી દીધો
બિહારના જમુઈમાંથી સંબંધોને શરમજનક બનાવતો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મોહનપુર પોલીસ સ્ટેશન વિસ્તારના કાલા ગામમાં પોતાના સાસરિયાઓ સાથે રહેતા 35 વર્ષીય જમાઈ જિતેન્દ્ર પંડિતનું શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું હતું. એવો આરોપ છે કે તેમના મૃત્યુ પછી, મૃતદેહને ઘરની પાછળ લગભગ 3 ફૂટ ઊંડા ખાડામાં દાટી દેવામાં આવ્યો હતો. એટલું જ નહીં, મૃતદેહ જલ્દીથી ગળી જાય તે માટે ખાડામાં લગભગ મીઠા (નમક)ના 15 પેકેટ પણ નાખવામાં આવ્યા હતા. આ ઘટનાનો ખુલાસો થતા આજુ બાજુના વિસ્તારમાં સનસનાટી મચી ગઈ હતી.
પોલીસને ખાનગી માહિતી મળ્યા પછી, પોલીસની એક ટીમ શુક્રવારે ઘટનાસ્થળે પહોંચી અને ઘરની પાછળ ખોદીને લાશ કાઢી હતી. લાશ મળી આવ્યા પછી, તેને પોસ્ટમોર્ટમ માટે જમુઈ સદર હોસ્પિટલમાં મોકલવામાં આવી હતી. આ કેસમાં ઝડપી કાર્યવાહી કરતા, પોલીસે મૃતકની પત્ની, સાસુ, સાળી અને સાળાની પત્નીની ધરપકડ કરી છે. આ બધાની પૂછપરછ કરવામાં આવી રહી છે.
મૃતક જીતેન્દ્ર પંડિત ઝારખંડના મધુપુરનો રહેવાસી હતો. તેના લગ્ન લગભગ 10 વર્ષ પહેલા કાલા ગામની રહેવાસી રજની સાથે થયા હતા. તે લગ્નના બે-ત્રણ મહિના પછીથી તેના સાસરિયાઓ સાથે ઘરજમાઈ તરીકે રહેતો હતો. તેને બે નાના બાળકો, પાંચ વર્ષની પુત્રી અને બે વર્ષનો પુત્ર છે.
અહેવાલો અનુસાર, બુધવારે કોઈ એક વાતને લઈને કૌટુંબિક વિવાદ થયો હતો. ગામલોકોનું કહેવું છે કે, આ ઝઘડાને કારણે મારપીટ પણ થઇ હતી, જેના પરિણામે જીતેન્દ્ર ગંભીર રીતે ઘાયલ થઇ ગયો હતો અને તેનું મૃત્યુ થયું. એવો આરોપ છે કે, પોલીસને જાણ કરવાને બદલે, પરિવારના સભ્યોએ ઘરની પાછળ ખાડો ખોદીને તેના મૃતદેહને દાટી દીધો.
ગ્રામજનોના મતે, જીતેન્દ્ર દારૂડિયો હતો અને પરિવારમાં વારંવાર ઝઘડો કરતો હતો. કેટલાક લોકોએ તેના પર સાસરિયા પરિવારની મહિલાઓ સાથે ગેરકાયદેસર સંબંધો હોવાનો આરોપ પણ લગાવ્યો છે, જોકે આ આરોપોની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
મૃતકની પત્ની રજનીએ જણાવ્યું હતું કે, તેનો પતિ દરરોજ દારૂ પીને ઘરે આવતો હતો અને તેના પર મારપીટ કરતો હતો. ઘટનાના દિવસે પણ તે દારૂ પીને ઘરે આવ્યો હતો અને અગાસી પરથી પડી જવાને કારણે તેનું મૃત્યુ થયું હતું. પત્નીએ પરિવારની મહિલાઓ સાથે ગેરકાયદેસર સંબંધોના આરોપોને સ્પષ્ટપણે નકારી કાઢ્યા છે.
મૃતકની માતા માલતી દેવીએ આ ઘટનાને હત્યા ગણાવી હતી અને કહ્યું હતું કે, તેનો પુત્ર છેલ્લા 10 વર્ષથી તેના સાસરિયાઓ સાથે રહેતો હતો અને પરિવાર સામાન્ય રીતે જીવી રહ્યો હતો. તેણે આરોપ લગાવ્યો હતો કે, તેના પુત્રની હત્યા કૌટુંબિક વિવાદને કારણે કરવામાં આવી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, જીતેન્દ્ર પંડિત તેની પત્નીની ભાભી સાથે ગેરકાયદેસર સંબંધ રાખવા માંગતો હતો, જેનો તેની સાસુએ વિરોધ કર્યો હતો. વિવાદ વધુ આગળ વધતા જીતેન્દ્રએ તેની સાસુની એક આંગળી દાંતથી કાપી હતી, જેનાથી તે ઘાયલ થઈ હતી. પોલીસે એમ પણ જણાવ્યું હતું કે, જીતેન્દ્ર બે વખત જેલ પણ જઈ ચુક્યો હતો.
સદર SDPO સતીશ સુમને જણાવ્યું હતું કે, માહિતી મળ્યા બાદ, પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને લાશ કબજે કરી હતી. પ્રથમ દ્રષ્ટિએ, આ કેસ કૌટુંબિક ઝઘડા અને પુરાવા છુપાવવાનું પરિણામ લાગે છે. પુરાવા એકત્રિત કરવા માટે FSL ટીમને બોલાવવામાં આવી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા પછી મૃત્યુનું કારણ સ્પષ્ટ થશે.

