- National
- તડકામાં બીમાર પુત્રને સ્ટ્રેચર પર લઈ જવા મા-બાપ મજબુર થયા; વીડિયો વાયરલ થતા કાર્યવાહી કરાઈ
તડકામાં બીમાર પુત્રને સ્ટ્રેચર પર લઈ જવા મા-બાપ મજબુર થયા; વીડિયો વાયરલ થતા કાર્યવાહી કરાઈ
મધ્યપ્રદેશની સૌથી મોટી સરકારી હોસ્પિટલોમાંની એક, ઇન્દોરમાં મહારાજા યશવંતરાવ (MY) હોસ્પિટલ હાલ વિવાદમાં ફસાઈ ગઈ છે. વાત એમ છે કે, થોડા દિવસ પહેલા બપોરની કાળઝાળ ગરમીમાં માતાપિતા દ્વારા 11 વર્ષના બાળકને સ્ટ્રેચર પર લઈ જવામાં આવતો હોવાનો વીડિયો વાયરલ થયો હતો. બેદરકારીનો વાયરલ વીડિયો સામે આવ્યા પછી, હોસ્પિટલ વહીવટીતંત્રે ઘણા સ્ટાફ સભ્યો સામે શિસ્તભંગની કાર્યવાહી શરૂ કરી હતી.
સોશિયલ મીડિયા પર ફરતા થયેલા વીડિયોમાં બાળકના માતા-પિતા તેને સ્ટ્રેચર પર MY હોસ્પિટલથી લગભગ એક કિલોમીટર દૂર સ્થિત સુપર-સ્પેશિયાલિટી હોસ્પિટલમાં લઈ જતા જોવા મળે છે. આ ઘટનાએ દર્દીની સંભાળ અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.
હોસ્પિટલ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ઘટનામાં બેદરકારી દાખવનારા કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. બાળકની સારવાર કરતા ડૉક્ટરનો 7 દિવસનો પગાર કાપવામાં આવ્યો છે, જ્યારે 3 નર્સોનો એક દિવસનો પગાર કાપવામાં આવ્યો છે. જ્યારે હોસ્પિટલના સુરક્ષા અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ અને ન્યુરોસર્જન સહિત અનેક અધિકારીઓને કારણદર્શક નોટિસ પણ મોકલી આપવામાં આવી છે. હોસ્પિટલે હાઉસકીપિંગ અને સુરક્ષા માટે જવાબદાર એજન્સી પર એક લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.
6 જૂનના રોજ રેકોર્ડ કરાયેલા એક વીડિયોમાં બાળકના માતા-પિતા તેને સ્ટ્રેચર પર આકરા તડકામાં ધકેલીને બે હોસ્પિટલોની વચ્ચેના રોડ પરથી લઇ જઈ રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેનાથી ભારે રોષ ફેલાયો હતો. જોકે, હોસ્પિટલ વહીવટીતંત્રે બાળકને કોઈપણ જાતની મદદ કે સુવિધાઓ વગર ત્યાં છોડી દીધો હોવાનો ઇનકાર કર્યો હતો.
હોસ્પિટલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. અશોક યાદવે જણાવ્યું હતું કે, બાળક લાંબા સમયથી ન્યુરોલોજીકલ ગૂંચવણો ધરાવતી બીમારી માટે સારવાર લઈ રહ્યું હતું અને તે ન્યુરો-ઇન્ટરવેન્શનલ પ્રક્રિયામાંથી પસાર પણ થઇ ગયો હતો. ડૉ. યાદવના જણાવ્યા મુજબ, પરિવાર બાળકની સ્થિતિ અંગે ખૂબ જ ચિંતિત હતો અને વિવિધ ડોકટરો અને વિભાગો પાસેથી સલાહ લેવા માંગતો હતો. તેમણે જણાવ્યું હતું કે બે હોસ્પિટલો વચ્ચે ફક્ત દસ્તાવેજો અને કાગળકામ જરૂરી હતું, પરંતુ તેના માં-બાપ બાળકને પોતાની સાથે લઈ ગયા.
તેમણે એમ પણ કહ્યું કે, ત્યાં જવા માટે ઉપયોગમાં લેવાતું સ્ટ્રેચર પણ હોસ્પિટલ સ્ટાફ દ્વારા પૂરું પાડવામાં આવ્યું હતું, જેને તેમણે ભૂલ ગણાવી હતી. તેમના મતે, તે સમયે દર્દીને બીજી હોસ્પિટલમાં શારીરિક રીતે લઈ જવાની કોઈ તબીબી જરૂર નહોતી, અને રેફરલ અને દસ્તાવેજીકરણ પ્રક્રિયા અંગે મૂંઝવણને કારણે આવું થયું હતું.
જોકે, બાળકના પરિવારનો દ્રષ્ટિકોણ અલગ છે. માતાપિતા કહે છે કે તેમને ખાસ સારવાર મેળવવામાં વિલંબ અને અનિશ્ચિતતાનો સામનો કરવો પડ્યો હતો, જેના કારણે તેઓ તેમના પુત્રને બીજી હોસ્પિટલમાં લઈ જવા મજબૂર થયા હતા. પરિવારના જણાવ્યા મુજબ, ડોકટરોએ તેમને આગળની વધારાની તપાસ અને સ્પાઈનલ બ્રેસ લગાવવા માટે સુપર-સ્પેશિયાલિટી હોસ્પિટલમાં જવાની સલાહ આપી હતી, પરંતુ ત્યાં સુધી જવા માટે કોઈ મદદ આપી ન હતી.
પરિવારે જણાવ્યું હતું કે બાળક લગભગ 15 દિવસથી સારવાર લઈ રહ્યો હતો. કરોડરજ્જુ સંબંધિત સમસ્યાને કારણે તેને MY હોસ્પિટલમાંથી સુપર-સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. જોકે, ત્યાં પહોંચ્યા પછી, તેમને કહેવામાં આવ્યું હતું કે બાળકને દાખલ કરવાની જરૂર નથી અને ફક્ત તેની ફાઇલ અને તબીબી દસ્તાવેજોની સમીક્ષા કરવાની જરૂર છે. પરિણામે, પરિવારે બાળકને એ જ સ્ટ્રેચર પર MY હોસ્પિટલમાં પાછું લાવવું પડ્યું હતું.
પરિવાર કહે છે કે બાળકને ગરમીના કારણે ખૂબ પરેશાની થઇ રહી હતી. રસ્તામાં, તેની માતા રાહત આપવા માટે વારંવાર તેના શરીર પર પાણીમાં પલાળેલો પોતાનો દુપટ્ટો મુકતી હતી.
આ પહેલીવાર નથી જ્યારે MY હોસ્પિટલ વિવાદમાં ફસાઈ હોય. આ વર્ષના જાન્યુઆરીમાં, દોઢ મહિનાના બાળકનો અંગૂઠો કથિત રીતે કાપી નાખવામાં આવ્યો હતો જ્યારે એક નર્સ નસમાંથી કેન્યુલા કાઢી રહી હતી. ત્યારપછી સુપર-સ્પેશિયાલિટી હોસ્પિટલમાં બાળકની આંગળી ફરીથી જોડવા માટે ઇમરજન્સી માઇક્રોસર્જરી કરવામાં આવી હતી. આ ઘટના પછી, હોસ્પિટલ વહીવટીતંત્રની ટીકા થઈ હતી, અને સંડોવાયેલા સ્ટાફ સામે કાર્યવાહી કરવામાં આવી હતી.
થોડા મહિના પહેલા, હોસ્પિટલના નિયોનેટલ ઇન્ટેન્સિવ કેર યુનિટ (NICU) પણ તપાસના દાયરામાં આવ્યું હતું જ્યારે નવજાત શિશુઓને ઉંદર કરડવાના આરોપો સામે આવ્યા હતા. હોસ્પિટલ વહીવટીતંત્રે પાછળથી પરિસરમાં ઉંદરોની સમસ્યા હોવાનું સ્વીકાર્યું હતું અને પેસ્ટ કંટ્રોલ અભિયાન પણ શરૂ કર્યું હતું. જ્યારે કેટલાક પરિવારોએ નવજાત શિશુઓના મૃત્યુઓને ઉંદરોના હુમલાઓ સાથે જોડી દીધું ત્યારે મામલો વધુ ગંભીર બન્યો હતો.
જોકે, હોસ્પિટલે આ આરોપોને નકારી કાઢ્યા હતા અને કહ્યું હતું કે બાળકોના મૃત્યુ પહેલાથી જ અસ્તિત્વમાં રહેલી ગંભીર તબીબી સમસ્યાઓને કારણે થયા છે, ઉંદર કરડવાથી નહીં.

