- National
- જેલના સરકારી ખાતામાંથી કેદીઓએ 52 લાખ ઉડાવ્યા, બહેનના લગ્ન કર્યા અને બુલેટ પણ ખરીદી; SPને સસ્પેન્ડ કર...
જેલના સરકારી ખાતામાંથી કેદીઓએ 52 લાખ ઉડાવ્યા, બહેનના લગ્ન કર્યા અને બુલેટ પણ ખરીદી; SPને સસ્પેન્ડ કરાયા!
આઝમગઢ જેલમાં, કેદીઓએ સરકારી ખાતામાંથી લાખો રૂપિયાની ઉચાપત કરી, કોઈને એની ખબર સુધ્ધાં ન પડી. તેમણે જેલના એકાઉન્ટ્સ ઓફિસમાં સહાયક અને ગાર્ડ સાથે મળીને સમગ્ર કૌભાંડને અંજામ આપ્યો. આ ઘટના સામે આવ્યા પછી, જેલ અધિક્ષક આદિત્ય કુમાર સિંહને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તેમના પર યોગ્ય રીતે નજર ન રાખવા બદલ અને તેમની ફરજોમાં બેદરકારી દાખવવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
મીડિયા સૂત્રોના એક અહેવાલ મુજબ, જેલ DIG શૈલેન્દ્ર કુમાર મૈત્રેયએ 11 ઓક્ટોબરે જેલની મુલાકાત લીધી હતી અને આ મામલાની તપાસ કરી હતી. ત્યારપછી સરકારને એક રિપોર્ટ સુપરત કરવામાં આવ્યો હતો. તપાસમાં એવું બહાર આવ્યું છે કે, જેલમાંથી છૂટેલા કેદીઓ રામજીત યાદવ અને શિવશંકર યાદવે સહાયક મુશીર અહેમદ અને ગાર્ડ અવધેશ કુમાર સાથે મળીને આ છેતરપિંડી કરી હતી.
અહેવાલમાં સિટી સુપરિન્ટેન્ડેન્ટ મધુબન કુમાર સિંહનો ઉલ્લેખ કરીને કહેવામાં આવ્યું છે કે, કેદી રામજીત યાદવને મુશીર અહેમદના રેકોર્ડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો, જ્યારે કેદી શિવશંકર યાદવ પણ ત્યાં કામ કરતો હતો. આ પછી, તે બંનેએ મુશીર અને અવધેશ સાથે મળીને જેલ સુપરિન્ટેન્ડેન્ટની સત્તાવાર એકાઉન્ટ ચેકબુક મેળવી. ત્યારપછી તેઓએ તેમની બનાવટી સહી કરીને બેંકમાંથી પૈસા ઉપાડી લેતા હતા. ત્યારપછી આરોપીઓ પૈસા એકબીજાની સાથે વહેંચી દેતા હતા.
માહિતી અનુસાર, આરોપીએ જેલના ખાતામાંથી એક પછી એક રૂ. 52.85 લાખ ઉપાડી લીધા હતા. રામજીત યાદવે આ પૈસાનો ઉપયોગ તેની બહેનના લગ્ન માટે કર્યો, જેના પર રૂ 25 લાખથી વધુનો ખર્ચ થયો. તેણે રૂ. 3.75 લાખની બુલેટ બાઇક પણ ખરીદી. એટલું જ નહીં, તેણે જેલમાં જામીન અને અન્ય ખર્ચ માટે રૂ. 10 લાખ ઉધાર લીધા હતા તે પણ ચૂકવી દીધા હતા. હવે, તેના ખાતામાં રૂ. 23,000 બાકી હતા, જે પોલીસે ફ્રીઝ કરી દીધા છે.
એકાઉન્ટ આસિસ્ટન્ટ મુશીર અહેમદને પણ રૂ. 7 લાખ મળ્યા અને તેને તેણે વ્યક્તિગત ખર્ચ પર ઉડાવ્યા હતા. બીજો કેદી, શિવશંકર યાદવ પણ આ પૈસા તેના ઐયાશીઓ પર ખર્ચ કરી રહ્યો હતો. ગાર્ડ અવધેશ કુમાર પાંડેને પણ રૂ. 1.5 લાખ મળ્યા હતા. આરોપી રામજીત યાદવે પોલીસને જણાવ્યું હતું કે, તેના સાથીઓ જિલ્લા જેલમાંથી ખાલી ચેક મેળવતા હતા. ત્યારપછી તેઓ નકલી સ્ટેમ્પ લગાવતા હતા અને જેલ સુપરિન્ટેન્ડેન્ટની બનાવટી સહી કરીને પૈસા ઉપાડી લેતા હતા. ત્યારપછી તેઓ પૈસા એકબીજાને વહેંચી દેતા હતા. હાલમાં ચારેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

