- National
- DyCM શિંદેની સામે જ તેમની પાર્ટીના MLAએ કહ્યું- ગયા વર્ષે હું મહારાષ્ટ્ર ચૂંટણીમાં બહારથી 20 હજાર મત...
DyCM શિંદેની સામે જ તેમની પાર્ટીના MLAએ કહ્યું- ગયા વર્ષે હું મહારાષ્ટ્ર ચૂંટણીમાં બહારથી 20 હજાર મતદારો લાવ્યો હતો અને પછી...
કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી મહારાષ્ટ્રમાં ગેરકાયદેસર મતદાન અને મતદાર યાદીમાં છેડછાડનો આરોપ લગાવી રહ્યા છે. આ દરમિયાન, પૈઠણના શિવસેનાના ધારાસભ્ય વિલાસ ભૂમરેએ ગયા વર્ષે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી દરમિયાન રાજ્યની બહારથી 20,000 મતદારો લાવ્યા હોવાનો દાવો કરીને રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચાવ્યો છે.
તેમણે કહ્યું, 'વિધાનસભા ચૂંટણી દરમિયાન, હું આશરે 20,000 મતદારો બહારથી લઈને આવ્યો હતો. આ મતદારોએ મને 100 ટકા ફાયદો પહોંચાડ્યો.' ધારાસભ્ય છત્રપતિ સંભાજી નગરમાં સંત એકનાથ મંદિરમાં પાર્ટીની રેલીને સંબોધિત કરી રહ્યા હતા. ભૂમરેએ આ નિવેદન આપ્યું ત્યારે DyCM એકનાથ શિંદે પણ ત્યાં હાજર હતા. તરત જ DyCM શિંદેએ તેમને અટકાવીને પૂછ્યું કે, તેઓ મતદારો ક્યાંથી લાવ્યા છે. ભૂમરેએ પછી સ્પષ્ટતા કરી કે, તેમના મતવિસ્તારના જે મતદારો બહાર કામ કરી રહ્યા હતા ત્યાંથી તેમને મતદાનના દિવસે મતદાન કરવા માટે લાવવામાં આવ્યા હતા.
તેમણે કહ્યું, 'આપણે મતદાર યાદી પર કામ કરવું જોઈએ. DyCM શિંદે સાહેબ અમને મતદાર યાદી પર કામ કેવી રીતે કરવું તે અંગે માર્ગદર્શન આપે છે. આગામી જિલ્લા પરિષદ અને ગ્રામ પંચાયતની ચૂંટણીઓ દરમિયાન, પક્ષના કાર્યકરોએ એક થઈને કામ કરવું જોઈએ. મારા મતવિસ્તારના 20,000 મતદારો બીજી જગ્યાએ કામ કરવા માટે ગયા હતા. તેમને હું મતદાનના દિવસે મતદાન કરાવવા માટે લાવ્યો હતો.'
શનિવારે મીડિયા સૂત્રો સાથે વાત કરતા, ભૂમરેએ સ્પષ્ટતા કરી કે, તેમનો મતલબ એ હતો કે, તેઓ તેમના મતવિસ્તારની બહારથી 20,000 મતદારોને લઈને આવ્યો હતો, જે અલગ અલગ જગ્યાએ કામ કરી રહ્યા હતા. તેમણે આગળ કહ્યું, 'આ મતદારો કાં તો મારા મતવિસ્તારની બહાર કામ કરી રહ્યા હતા અથવા અમારા પક્ષના કાર્યકરોએ તેમને ફોન કરીને મતદાન કરવા અને તેમના લોકશાહી અધિકારનો ઉપયોગ કરવા વિનંતી કરી હતી. DyCM શિંદે સાહેબે દરમિયાનગીરી કરી, અને તેમણે મને સ્પષ્ટતા કરવા કહ્યું કે આ મતદારો કોણ હતા.'
મહારાષ્ટ્ર કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા અતુલ લોંધેએ કહ્યું, 'વિલાસ ભૂમરેએ મત ચોરીની કબૂલાત કરી હતી. તેમણે પોતાનો ગુનો કબૂલ કર્યો હતો, અને DyCM એકનાથ શિંદેએ તેમને સુધારવાનો પ્રયાસ કર્યો હતો કે, તેમણે કહેવું જોઈતું હતું કે મતદારો તેમના મતવિસ્તારના છે અને તેઓ તેમને મતદાન કરવા માટે લઈને આવ્યા છે. ચૂંટણી પંચે આ કબૂલાત માટે પોલીસ કેસ દાખલ કરવો જોઈએ.' શિવસેના UBTના પ્રવક્તા સુષ્મા અંધારેએ કહ્યું, 'વિલાસ ભૂમરેએ મત ચોરીની કબૂલાત કરી અને જ્યારે તેમના નેતાએ તેમને અટકાવ્યા ત્યારે તેમણે પોતાની ભૂલ સુધારી. સ્ટેજ પર બેસેલા લોકો બેશરમીથી હસી રહ્યા હતા. તેઓ બંધારણની મજાક ઉડાવી રહ્યા હતા.'

