- National
- સરકારે સુપ્રીમ કોર્ટ કોલેજિયમને વિનંતી કરી અને જજ અતુલ શ્રીધરનની બદલી રોકાઈ ગઈ, જાણો આખો મામલો
સરકારે સુપ્રીમ કોર્ટ કોલેજિયમને વિનંતી કરી અને જજ અતુલ શ્રીધરનની બદલી રોકાઈ ગઈ, જાણો આખો મામલો
સરકારની વિનંતી પર સુપ્રીમ કોર્ટ કોલેજિયમે એક જજની બદલી છત્તીસગઢને બદલે અલ્હાબાદ હાઇકોર્ટમાં કરવાની ભલામણ કરી છે. કોલેજિયમે એક નિવેદનમાં ખુદ આ વાતની પુષ્ટિ કરી છે. મધ્યપ્રદેશ હાઇકોર્ટના ન્યાયાધીશ અતુલ શ્રીધરનને શરૂઆતમાં છત્તીસગઢ હાઇકોર્ટમાં ટ્રાન્સફર માટે ભલામણ કરવામાં આવી હતી. ત્યાર પછી, સરકારની વિનંતી પર, તેમના અલ્હાબાદ હાઇકોર્ટમાં ટ્રાન્સફરની ભલામણ કરવામાં આવી હતી.
મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, કોલેજિયમે 14 ઓક્ટોબરના રોજ યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લીધો હતો. ન્યાયાધીશ અતુલ શ્રીધરનને અગાઉ 25 ઓગસ્ટના રોજ છત્તીસગઢ હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવાની ભલામણ કરવામાં આવી હતી. બુધવાર, 15 ઓક્ટોબરના રોજ તેની ભલામણ બદલવાના નિર્ણયની જાહેરાત કરતા કોલેજિયમે જણાવ્યું હતું કે, 'સરકારની પુનર્વિચારણાની વિનંતીને પગલે, સુપ્રીમ કોર્ટ કોલેજિયમે 14 ઓક્ટોબર, 2025ના રોજ યોજાયેલી તેની બેઠકમાં મધ્યપ્રદેશ હાઈકોર્ટના ન્યાયાધીશ અતુલ શ્રીધરનને છત્તીસગઢ હાઈકોર્ટને બદલે અલ્હાબાદ હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવાની ભલામણ કરવાનો નિર્ણય લીધો હતો.'
અહેવાલ મુજબ, એપ્રિલ 2023માં જસ્ટિસ શ્રીધરનને મધ્યપ્રદેશથી જમ્મુ અને કાશ્મીર ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. તેમણે વ્યક્તિગત રીતે આ ટ્રાન્સફરની વિનંતી કરી હતી, એમ કહીને કે તેમની પુત્રી મધ્યપ્રદેશમાં પોતાની કાનૂની પ્રેક્ટિસ શરૂ કરી રહી છે. ત્યારપછી, માર્ચ 2025માં તેમને ફરીથી મધ્યપ્રદેશ ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.
મીડિયા સૂત્રોના અહેવાલ અનુસાર, આ એક અસામાન્ય ઘટના છે, જ્યાં કોલેજિયમે પોતે પોતાના નિવેદનમાં સ્વીકાર્યું હતું કે, તેણે સરકારની વિનંતી પર તેની ભલામણ બદલી છે. જો જસ્ટિસ શ્રીધરનને છત્તીસગઢ હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હોત, તો તેઓ ત્યાં બીજા સૌથી વરિષ્ઠ ન્યાયાધીશ હોતે. અત્યારે અલ્હાબાદ હાઈકોર્ટમાં, તેઓ વરિષ્ઠતામાં સાતમા ક્રમે છે.
રિપોર્ટમાં જણાવાયું છે કે, જસ્ટિસ શ્રીધરન મધ્યપ્રદેશ હાઈકોર્ટની એ બેન્ચનો ભાગ હતા, જેણે રાજ્યના મંત્રી વિજય શાહ વિરુદ્ધ મીડિયા રિપોર્ટ્સની સુઓમોટો નોંધ લીધી હતી. શાહે ભારતીય સેનાના અધિકારી કર્નલ સોફિયા કુરેશી વિરુદ્ધ કથિત રીતે ભડકાઉ ટિપ્પણી કરી હતી. કોર્ટે પોલીસને આ મામલે FIR નોંધવાનો નિર્દેશ આપ્યો હતો.
મીડિયા સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર, જસ્ટિસ શ્રીધરન 1992માં દિલ્હીમાં સિનિયર એડવોકેટ ગોપાલ સુબ્રમણ્યમની ટીમમાં જોડાયા હતા. ત્યારપછી તેમણે 1997થી 2000 સુધી દિલ્હીમાં સ્વતંત્ર રીતે પ્રેક્ટિસ કરી હતી. ત્યારપછી તેઓ 2001માં ઈન્દોર ગયા હતા, જ્યાં તેમણે સિનિયર એડવોકેટ સત્યેન્દ્ર કુમાર વ્યાસ સાથે મળીને કામ કર્યું હતું. તેમણે મધ્યપ્રદેશ હાઈકોર્ટની ઈન્દોર બેન્ચમાં રાજ્ય માટે પેનલ એડવોકેટ અને સરકારી વકીલ તરીકે પણ સેવા આપી હતી. 7 એપ્રિલ, 2016ના રોજ, તેમને મધ્યપ્રદેશ હાઈકોર્ટના વધારાના ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ત્યારપછી 17 માર્ચ, 2018ના રોજ તેમને કાયમી ન્યાયાધીશ બનાવવામાં આવ્યા.

