- National
- દીકરી આર્મી યુનિફોર્મ પહેરીને ગામમાં આવી, સરઘસ કાઢ્યું, ઉજવણી થઇ; પરંતુ સત્ય હકીકત ખબર પડતા FIR દાખલ...
દીકરી આર્મી યુનિફોર્મ પહેરીને ગામમાં આવી, સરઘસ કાઢ્યું, ઉજવણી થઇ; પરંતુ સત્ય હકીકત ખબર પડતા FIR દાખલ કરવામાં આવી!
ઉત્તર પ્રદેશના મહારાજગંજ જિલ્લાનું ડોમાકાટી ગામ થોડા દિવસો પહેલા ખુશીની ઉજવણીમાં ડૂબી ગયું હતું. વાત હતી, ગામની છોકરી નગ્માની જે સેનામાં જોડાઈ ગઈ હતી. ઢોલ વાગ્યા, દેશભક્તિના ગીતો ગુંજી ઉઠ્યા, અને બધાએ ગર્વથી તેને ફૂલોથી માળા પહેરાવી. આખો પરિવાર અને ગામ આનંદમાં આવીને નાચી ઉઠ્યું હતું. પરંતુ આ ઉજવણી ટૂંક સમયમાં જ એક દુઃસ્વપ્નમાં ફેરવાઈ ગઈ. નગ્માને ખ્યાલ આવ્યો કે, સેના ભરતીના નામે તેની સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. આ મામલો હવે પોલીસ સુધી પહોંચ્યો છે, અને તપાસ ચાલી રહી છે.
મીડિયા સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર, આખો મામલો 10 ઓગસ્ટથી શરૂ થાય છે. ડોમાકાટી ગામ જે મહારાજગંજ જિલ્લામાં આવેલું છે. નગ્મા આ ગામની રહેવાસી છે. તે 12મા ધોરણની વિદ્યાર્થીની છે. નગ્મા NCCમાં જોડાઈ હતી. 10 ઓગસ્ટના રોજ સલેમપુર જિલ્લામાં જ ફાયરિંગની તાલીમ લેવામાં આવી હતી. નગ્મા અહીં તાલીમ માટે આવી. ત્યાં તેને ધીરજ કુમાર નામનો એક વ્યક્તિ મળ્યો હતો. તેણે પોતાને સેના સાથે જોડાયેલો હોવાનું બતાવ્યું હતું. તેણે નગ્માની પ્રશંસા કરતા કહ્યું, 'તું સારું કરી રહી છે. મારી સેનામાં ઓળખાણ છે. હું તને ભરતી કરાવી દઈશ.' ધીરજ નામના આ માણસે નગ્માને પોતાનો ફોન નંબર આપ્યો અને નગ્માનો ફોન નંબર પણ લઇ લીધો.
તારીખ આવી 23 સપ્ટેમ્બર, 2025. નગ્માનો એક ફોન આવે છે. તે માણસ પોતાનો પરિચય ધીરજ તરીકે કરાવે છે, જે તેને NCC ફાયરિંગ તાલીમ દરમિયાન મળ્યો હતો. તે નગ્માને 24 સપ્ટેમ્બરે ગોરખપુર એમ કહીને બોલાવી હતી કે, ત્યાં સેના ભરતી કાર્યક્રમ છે. તેના કહ્યા મુજબ નગ્મા 24 સપ્ટેમ્બરે ગોરખપુર પહોંચી જાય છે. ધીરજ નામનો આ માણસ તેને બસ સ્ટેન્ડ પર લેવા માટે આવે છે. ત્યાં જ તે તેને આર્મી યુનિફોર્મ આપે છે અને કહે છે કે બીજા દિવસે ફિજિકલ તાલીમ છે.
25 સપ્ટેમ્બરે, તે નગ્માને મેદાનમાં લઈ જાય છે. પોલીસને આપેલી ફરિયાદમાં, છોકરીએ જણાવ્યું હતું કે, મેદાનમાં પહેલેથી જ પાંચ છોકરીઓ અને છ છોકરાઓ હતા. તે બધાને દોડવા, કસરત કરવા અને કૂચ કરવા માટે કહેવામાં આવ્યું હતું. તેઓ તેમને ગોરખપુર મેડિકલ કોલેજ લઈ ગયા અને ત્યાં બ્લડ ટેસ્ટ પણ કરાવ્યો.
આ પછી, તેઓએ રૂ. 2,70,000ની માંગણી કરી. ધીરજ તેમને કહ્યું કે, આટલા પૈસા ચૂકવો અને પછી તે તેમને જોઈનિંગ લેટર આપશે. પરંતુ છેતરપિંડીનો આ ખેલ હજુ પૂરો થયો ન હતો. પૈસા માંગ્યા પછી, ધીરજ નગમા સહિત બધા છોકરાઓ અને છોકરીઓને રાજસ્થાનના પુષ્કર લઈ ગયો. તેણે તેમને કહ્યું કે, મુખ્ય તબીબી અધિકારી ત્યાં રહે છે. તેમને મળ્યા પછી, તમે પૈસા આપશો અને પછી નોકરી કન્ફર્મ થશે.
ત્યાં, તેણે નગમાનો પરિચય અંગદ મિશ્રા નામના વ્યક્તિ સાથે કરાવ્યો. આ વ્યક્તિએ કહ્યું કે પૈસા જમા કરાવી દો, માર્ચમાં જોઈનિંગ લેટર આવી જશે. આ પછી, તેણે બધાને ઘરે મોકલી દીધા. નગમા ઘરે પરત ફરી ત્યાં સુધીમાં, આખા ગામમાં વાત ફેલાઈ ગઈ હતી કે, તે સેનામાં જોડાઈ ગઈ છે. ઉજવણીઓ અને સરઘસો કાઢવામાં આવ્યા હતા. પરંતુ પૈસાની વાતથી નગમા અને તેના પરિવારને અહેસાસ થયો કે, તેમની સાથે છેતરપિંડી થઈ છે. હવે ફરિયાદના આધારે, પોલીસે FIR દાખલ કરી છે અને તપાસ ચાલી રહી છે.
જોકે, આ પહેલી વાર નથી જ્યારે સેના, પોલીસ કે અન્ય કોઈ સરકારી નોકરીમાં આ પ્રકારની છેતરપિંડી થઈ હોય. આ કૌભાંડમાં લોકો ઘણીવાર લાખો રૂપિયા ગુમાવે છે. ત્યારે જ તેમને ખ્યાલ આવે છે કે, તેમની સાથે છેતરપિંડી થઈ છે. છેલ્લા કેટલાક મહિનામાં જ આવા ઘણા કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. ગેંગ પણ પકડાઈ છે અને તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે.
જૂનમાં, UPના મૈનપુરીમાં પોલીસે એક નકલી સેના ભરતી કેન્દ્રનો પર્દાફાશ કર્યો હતો. UPના લખનઉમાં, સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF)એ ટેરિટોરિયલ આર્મીમાં ભરતીના નામે લાખો રૂપિયાની છેતરપિંડી કરનારી ગેંગનો પર્દાફાશ કર્યો હતો. જુલાઈમાં, બિહારમાં, સેના ભરતીના નામે એક વ્યક્તિ સાથે 5 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી. 9 ઓક્ટોબરે, હરિયાણાના સોનીપતમાં, સેના ભરતીના નામે 7.80 લાખ રૂપિયાની છેતરપિંડીનો કેસ નોંધવામાં આવ્યો હતો.

