- National
- 2 ગામના લોકોએ લીધો નિર્ણય, લગ્નમાં ત્રણથી વધુ દાગીના પહેરવા પર થશે રૂ. 50000નો દંડ
2 ગામના લોકોએ લીધો નિર્ણય, લગ્નમાં ત્રણથી વધુ દાગીના પહેરવા પર થશે રૂ. 50000નો દંડ
ઉત્તરાખંડના જૌનસર-બાબર પ્રદેશના કંદહાર અને ઇન્દ્રૌલી ગામોની સ્થાનિક પંચાયતોએ સમાજમાં વધતી જતી આર્થિક અસમાનતા અને દેખાડાની સંસ્કૃતિનો અંત લાવવા માટે એક મહત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો છે. હવે આ ગામોની મહિલાઓને હવે લગ્ન સમારોહ દરમિયાન વધુ પડતા દાગીના પહેરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
સ્થાનિક પંચાયત દ્વારા લેવામાં આવેલા આ ઐતિહાસિક નિર્ણય હેઠળ, મહિલાઓને હવે લગ્ન સમારોહમાં ફક્ત જરૂરી દાગીના પહેરવાની જ મંજૂરી આપવામાં આવશે. આમાં મુખ્યત્વે કાનની બુટ્ટી, નાકની વીંટી અને મંગળસૂત્રનો સમાવેશ થાય છે. આ જરૂરી દાગીના સિવાય કોઈપણ દાગીના પ્રદર્શિત કરવા પર પ્રતિબંધ લાંબાવાવામાં આવ્યો છે.

સમાજમાં વધતો જતો દેખાડો કરવાની સ્પર્ધા અને સામાજિક સ્પર્ધાને ઓછી કરવાના ઉદ્દેશ માટે પંચાયતે આ નિર્ણય લીધો છે. સ્થાનિક લોકો માને છે કે, સામાજિક દબાણને કારણે ઘણા પરિવારો ઘણી વખત લગ્નમાં પોતાની ક્ષમતા કરતાં વધુ ખર્ચ કરે છે, જેના કારણે, ખાસ કરીને ગરીબ અને સામાન્ય પરિવારો પર ભારે નાણાકીય બોજ પડતો હોય છે.
ઇન્દ્રાલી ગામના અતર સિંહ ચૌહાણે મીડિયા સૂત્રને જણાવ્યું હતું કે, 'સોનાનો ભાવ ખુબ વધીને આસમાને પહોંચી ગયો છે, અને સામાન્ય લોકો તેને ખરીદવું પરવડી શકે તેમ નથી. શ્રીમંત લોકો તો તે ખરીદી શકે છે, પરંતુ ગામમાં ઘણા સામાન્ય અને ગરીબ લોકોના ઘર છે, તેથી તેઓ વધારે ઘરેણાં બનાવી શકતા નથી.' તેમણે આગળ કહ્યું, 'અમે ફક્ત કાનની બુટ્ટી, મંગળસૂત્ર અને નાકની નથ જ બનાવી શકીએ છીએ; તેનાથી વધુ કોઈ નથી બનાવી શકતું.'

જ્યારે મીડિયા સૂત્રોની ટીમે ગામની મહિલાઓ સાથે વાત કરી, ત્યારે તેઓએ આ નિર્ણયને જોરદાર ટેકો આપ્યો. ઉમા દેવી નામની ગામની એક વૃદ્ધ મહિલાએ કહ્યું, 'સોનું ખૂબ મોંઘુ થઈ ગયું છે. અમારી પાસે અમારા બાળકોના લગ્ન માટે સોનું ખરીદવા માટે પૂરતા પૈસા નથી. આ નિર્ણય ખૂબ જ સારો છે.' અતર સિંહ ચૌહાણે ઉમેર્યું, 'અમે બધા આ નિયમથી ખુશ છીએ. હવે કોઈ સરખામણી થશે નહીં કે, કોણે કેટલા ઘરેણાં પહેર્યા છે આનાથી લગ્ન સાદગીથી સંપન્ન થશે.'

હકીકતમાં, સોનાના ભાવ હાલમાં રેકોર્ડ ઊંચાઈ પર છે. 10 ગ્રામ સોનાની કિંમત રૂ. 1, 22,000ની આસપાસ પહોંચી ગઈ છે, જેના કારણે તે સામાન્ય લોકો માટે તેની પહોંચની બહાર જઈ રહ્યું છે. ગામના વડીલો અને પંચાયત સભ્યોએ સમજાવ્યું કે, આ નિર્ણયનો હેતુ સામાજિક એકતા જાળવવા અને બિનજરૂરી ખર્ચ અટકાવવાનો છે, જેથી લગ્ન માટે ઘરેણાં બનાવવાનું હવે મુશ્કેલ કાર્ય ન રહે. જૌનસર-બાબરના આ ગામડાઓનું આ પગલું દેશભરના અન્ય ગ્રામીણ સમુદાયો માટે એક ઉદાહરણ સ્થાપિત કરી શકે છે, જેઓ દેખાડા અને સામાજિક દબાણને કારણે બિનજરૂરી નાણાકીય મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

