- National
- આ સરકારી અધિકારી નિવૃત્તિના એક દિવસ અગાઉ જ થઈ ગયો સસ્પેન્ડ, ભાઈએ કામ જ કંઈક એવું કરેલું
આ સરકારી અધિકારી નિવૃત્તિના એક દિવસ અગાઉ જ થઈ ગયો સસ્પેન્ડ, ભાઈએ કામ જ કંઈક એવું કરેલું
ઉત્તર પ્રદેશના ઉન્નાવ જિલ્લામાં એક વરિષ્ઠ અધિકારીને નિવૃત્તિના બરાબર એક દિવસ અગાઉ જ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો. મહાવીર પ્રસાદ જિલ્લામાં મુખ્ય પશુચિકિત્સા અધિકારી (CVO) તરીકે કાર્યરત હતો. તે 31 ઓક્ટોબરે નિવૃત્ત થવાનો હતો. જોકે, તેના વિભાગમાં નાણાકીય ગેરરીતિના આરોપસર તેને એક દિવસ અગાઉ જ જ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો.

આજ તકના અહેવાલ મુજબ, આ પૈસા પશુ ચિકિત્સાલયો અને પશુ સેવા કેન્દ્રોના નવીનીકરણ માટે ફાળવવામાં આવ્યા હતા. એવો આરોપ છે કે મહાવીર પ્રસાદે ખરીદીની રકમ વધારીને છેતરપિંડી કરી. આ મામલો ગયા વર્ષે સામે આવ્યો હતો. ઉન્નાવના પશુપાલન વિભાગે જિલ્લામાં 12 પશુ ચિકિત્સાલયો અને બે પશુ કેન્દ્રો માટે સમારકામ અને રંગકામ માટે સામગ્રી ખરીદવા માટે 13.80 લાખ રૂપિયા ફાળવ્યા હતા. જોકે, ચૂકવણીની રસીદો કથિત રીતે વાસ્તવિક રકમ કરતા 10 ગણા વધુ બિલ માટે બતાવવામાં આવી હતી. તેની પશુપાલન વિભાગના સચિવ દેવેન્દ્ર પાંડે સમક્ષ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
ત્યારબાદ, ઉન્નાવ જિલ્લા મેજિસ્ટ્રેટ (DM) ગૌરાંગ રાઠીને એક પત્ર મોકલવામાં આવ્યો હતો અને આ મામલાની તપાસનો આદેશ આપવામાં આવ્યો હતો. 18 જુલાઈના રોજ DMએ જિલ્લા વિકાસ અધિકારીની આગેવાની હેઠળ 3 સભ્યોની ટીમની રચના કરી. તપાસ બાદ ટીમે વહીવટીતંત્રને એક અહેવાલ મોકલવામાં આવ્યો, જેમાં ભારે ગેરરીતિઓની પુષ્ટિ થઈ છે.

દૈનિક ભાસ્કરના અહેવાલ મુજબ, તપાસમાં એ પણ જાણવા મળ્યું છે કે ઘણી જગ્યાએ ન તો ફ્લોરનું સમારકામ કરવામાં આવ્યું હતું કે ન તો બારીના કાચ બદલવામાં આવ્યા હતા. મોટાભાગની ઇમારતોને સંપૂર્ણ ચૂકવણી કરવામાં આવી હોવા છતા રંગકામ પણ કરવામાં આવ્યો નહોતો. અહેવાલમાં સ્પષ્ટપણે જણાવાયું હતું કે કાયાકલ્પની આડમાં સરકારી ભંડોળનો દુરુપયોગ અને ઉચાપત કરવામાં આવી હતી.

