26th January selfie contest

સ્ટેજ શૉ ક્યારેય બંધ નહીં થાયઃ વિક્રમ ઠાકોર

આઠ-દસ વર્ષ અગાઉ ગુજરાતી ફિલ્મો જોવા ભાગ્યે જ દર્શકો આવતા. એ સમયે મોટાભાગની ફિલ્મોને ફ્લોપનું લેબલ લાગતું હતું. અને આવા સમયે જો કોઈ ફિલ્મ અચાનક હિટ નીવડે અને ચારેકોર એની ચર્ચા થઈ જાય તો સ્વાભાવિક છે કે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા લોકોને આ વાતની નવાઈ લાગે. એ ફિલ્મ હતી ‘એકવાર પિયુને મળવા આવજે’, જેના રિલીઝ થતાં જ બોક્સ ઓફિસ પર સુનામી સર્જાઈ હતી. ફિલ્મ જેટલા થિયેટરમાં રિલીઝ થઈ એ દરેક થિયેટર્સની બહાર હાઉસફૂલના પાટિયા ઝુલવા માંડ્યા હતા. આ ફિલ્મને કારણે લાંબા અરસા બાદ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીએ આવો દિવસ જોયો હતો. એટલું જ નહીં, ફિલ્મના સામાન્ય દેખાવ ધરાવતા હીરોએ પણ ઈતિહાસ સર્જી દીધો.

જી હા, આ હીરો - સ્ટાર છે વિક્રમ રાઠોડ. દસ વર્ષની ઉંમરથી સ્ટેજ પર પરફોર્મ કરી રહેલા વિક્રમ ઠાકોર આજે લાખો દિલોની ધડકન બની ગયા છે. ‘દેશની કોઈ સરહદ પ્રેમને રોકી શકતી નથી’ ફિલ્મના શૂટિંગ દરમિયાન થયેલી અમારી વાતચીત દરમિયાન અભિનેતાએ અમારી સાથે એમની કારકિર્દીની શરૂઆતથી લઈને તેમના ભાવિ આયોજન સુધીની તમામ વાત કરી હતી.

વાતની માંડણી કરતા વિક્રમ કહે છે કે, 'જાહેર જીવનમાં મેં પહેલો શૉ દસ વરસની ઉંમરે કર્યો હતો.' વિક્રમના પિતા મેલાજી ઠાકોર સંતવાણીના કાર્યક્રમો કરતા. એમના કાર્યક્રમમાં વાંસળી વગાડવાની સાથે વિક્રમે કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેમણે કી-બોર્ડ વગાડવાનું શરૂ કર્યું. જો કે સ્ટેજ શૉમાં ગાવાની શરૂઆત તો વિક્રમે દસેક વર્ષના હતા ત્યારે જ કરી હતી પરંતુ સ્ટેજ પર પરફોર્મ કરવાનું એમણે છેક વીસ વરસના થયા ત્યારે શરૂ કર્યું.

આ સમયગાળમાં વિક્રમે પરંપરાગત ડાયરા કે સંતવાણીને બદલે પોતાની આગવી સ્ટાઈલ વિકસાવી. અને સ્ટેજ પર યુવાનોને પસંદ પડે એવાં ગીતો, શેરો-શાયરી વગેરે રજૂ કરવાનું શરૂ કર્યું. એટલું જ નહીં, યંગસ્ટર્સને પસંદ પડે એવાં ગીતો પણ એમણે રચ્યાં. પોતાની મહેનત અને લગનને કારણે વિક્રમના કાર્યક્રમોને ભારે સફળતા મળી અને આ કારણે ગુજરાતભરમાં વિક્રમનો જબરદસ્ત ચાહકવર્ગ ઊભો થયો. પૂરા ગુજરાતમાં એના કાર્યક્રમોને ભારે આવકાર મળતો.

વિક્રમની સફળતા અને લોકપ્રિયતાને જોઈને જ કલા પારખુ નિર્માતા હરીશ પટેલ, હસમુખ પટેલ અને આત્મારામ ઠાકોરે વિક્રમને ફિલ્મની ઓફર કરી. જો કે વિક્રમે શરૂઆતમાં, 'અભિનય મારું કામ નથી' એમ કહીને એમને મળેલી ઑફર્સ નકારી દીધી. પણ નિર્માતાઓએ એને સમજાવવાનું ચાલુ રાખ્યું. તેમણે સનેડાને લોકપ્રિય કરનાર જાણીતા ગાયક સ્વર્ગસ્થ મણિરાજ બારોટનું ઉદાહરણ આપ્યું. લોકગાયકમાંથી મણિરાજ બારોટ લોકપ્રિય અભિનેતા બન્યા જ હતા. જો કે પાછળથી ઘણી સમજાવટ બાદ વિક્રમે ફિલ્મ કરવાની હા પાડી. અને ત્યારબાદ વિક્રમની પહેલી ફિલ્મ ‘એકવાર પિયુને મળવા આવજે’ રિલીઝ થઈ અને પછી જે ઈતિહાસ સર્જાયો એની વાત ઉપર વિગતે કરાઈ છે!

એ દિવસોમાં ગુજરાતી ફિલ્મ બે-ત્રણ અઠવાડિયા ચાલે તો પણ મોટી વાત ગણાતી. પણ વિક્રમની ફિલ્મે અનેક થિયેટર્સમાં જ્યુબિલી ઉજવી. આ કારણે વિક્રમ ઠાકોર રાતોરાત ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો સ્ટાર બની ગયો. આ તો માત્ર પહેલી ફિલ્મની વાત હતી પણ ત્યારબાદ આવેલી ઓગણીસ ફિલ્મોના નિર્માતાને પણ વિક્રમે તારી દીધા હતા. ગુજરાતી ફિલ્મોનો સુવર્ણકાળ હતો ત્યારે થિયેટર માલિકો નિર્માતા-વિતરકને મિનિમમ ગેરન્ટી (એમજી) ઓફર કરતા એ વિક્રમની ફિલ્મોને મળતી હતી.

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવી અપ્રતિમ સફળતા મેળવનાર અને ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સૌથી વધુ મહેનતાણું મેળવતા કલાકાર હોવા છતાં વિક્રમ કહે છે કે, તેઓ ક્યારેય શૉ બંધ નહીં કરે. કારણ કે, સ્ટેજ શૉ દરમિયાન દર્શકો સાથે સીધો સંપર્ક થાય છે અને એના થકી તેને ઘણી સારી-નરસી બાબતોની જાણકારી મળે છે.

ગુજરાતી ફિલ્મોમાં લાંબા અરસા બાદ વિક્રમ-મમતાની જોડીને દર્શકોએ આવકારી છે તો કેવું ફિલ થાય છે? એ પૂછતા વિક્રમ કહે છે કે, 'સ્વાભાવિક છે આનંદ તો થાય જ. બીજું અમારી જોડી માત્ર ફિલ્મમાં જ નહીં, શૉ માં પણ હિટ રહી છે. મારા શૉમાં મમતા શાયરી-ડાન્સ પરફોર્મ કરતી હોય છે.'

‘દેશની કોઈ સરહદ પ્રેમને રોકી શકતી નથી’ ફિલ્મમાં તેનું પાત્ર કેવા પ્રકારનું છે? પૂછતા વિક્રમ કહે છે કે, 'ફિલ્મમાં તે કચ્છની સરહદને અડીને આવેલા એક ગામડાના યુવાનનું કેરેક્ટર ભજવે છે, જે એની પ્રેમિકાને પામવા સરહદ ઓળંગતા પણ અચકાતો નથી.'

પોતાના આગામી પ્રોજેક્ટ્સ વિશે વિક્રમ જણાવે છે કે, 'આગામી ફિલ્મોમાં હું હોમ પ્રોડકશનની એક ફિલ્મ ઉપરાંત હસમુખ પટેલની એક ફિલ્મ કરી રહ્યો છું, આ સાથે જ શૉની તારીખો પણ એડજસ્ટ કરવાની હોવાથી એક સાથે અનેક ફિલ્મો સાઈન કરતો નથી. મેં એક ફિલ્મ પૂરી થયા બાદ જ બીજી ફિલ્મ કરવાનો નિયમ રાખ્યો છે.'

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp