જે ઘરમાં સ્ત્રીનું સન્માન થાય છે ત્યાં લક્ષ્મીજી નિવાસ કરે છેઃ CM ભૂપેન્દ્ર પટેલ

PC: khabarchhe.com

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિવિધ ક્ષેત્રે સફળતાનાં શિખરો સર કરનારી રાજ્યની 18 નારીશક્તિને ગાંધીનગર સ્થિત પોતાના નિવાસસ્થાને આમંત્રીત કરીને ‘નારાયણી નમોસ્તુતે’ કાર્યક્રમમાં અભિવાદન કર્યું હતું.

આદ્યશક્તિની આરાધનાના આ નવરાત્રિ પર્વના નવમા નોરતે મુખ્યમંત્રી નિવાસ સ્થાનનું પ્રાંગણ માતૃશક્તિ-નારીશક્તિના અભિવાદનનું આંગણ બન્યુ હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કાર્યક્રમમાં જણાવ્યું કે, ભારતીય સંસ્કૃતિ ‘નારી તું નારાયણી’માં માને છે. નારી એ શક્તિનું સ્વરૂપ અને પ્રતિક પણ છે.

મુખ્યમંત્રીએ નવરાત્રિમાં શક્તિનાં સ્વરૂપને વંદન કરી વિવિધ ક્ષેત્રે નારિશક્તિના યોગદાનને બિરદાવતાં કહ્યું કે, જે ઘરમાં સ્ત્રીઓનું સન્માન કરવામાં આવે છે ત્યાં લક્ષ્મીજી નિવાસ કરે છે. દરેક ક્ષેત્રમાં મહિલાઓ પોતાનું યોગદાન આપી રહી છે. જો મહિલાઓને યોગ્ય તક મળે તો દરેક ક્ષેત્રમાં સફળતાનાં સર્વોચ્ચ શિખરો સર કરી શકે છે તેમ તેમણે ઉમેર્યું હતું.

સામાજિક બંધનોમાંથી મુક્ત થઈને મહિલાઓને આગળ વઘવા માટે મુખ્યમંત્રીએ આહ્વાન કર્યું હતું. દરેક સમસ્યાનો નીડર બનીને સામનો કરવા પણ તેમણે અનુરોધ કર્યો હતો. મહિલાઓ જાગૃત થશે ત્યારે તેમના પ્રત્યેના સામાજિક દ્રષ્ટિકોણમાં ચોક્કસપણે બદલાવ આવશે તેવો વિશ્વાસ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો. મહિલાઓને વિવિધ ક્ષેત્રમાં પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર મહિલા ઉત્કર્ષની યોજનાઓ દ્વારા પ્રતિબદ્ધ છે તેમ પણ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. અને આવી યોજનાઓના લાભ મેળવવામાં રાજ્ય સરકાર તેમને પુર્ણ સહયોગ આપશે તેમ ઉમેર્યું હતું.

મુખ્યમંત્રી આ કાર્યક્રમ અંતર્ગત વિવિધ ક્ષેત્ર સાથે જોડાયેલી 18 જેટલી નારીશક્તિ સાથે સંવાદ કરી તેમની જીવન યાત્રા અને કાર્યોથી પરિચિત પણ થયા હતા.

મુખ્યમંત્રીએ ‘નારાયણી નમોસ્તુતે’ અન્વયે જે 18 બહેનોનું સન્માન કર્યું તેમાં ટોક્યો પેરા-ઓલમ્પિકમાં ટેબલ ટેનિસની રમતમાં સિલ્વર મેડલ વિજેતા ભાવિના પટેલ, ગુજરાતના પ્રથમ અને દેશના ચોથા મહિલા સ્કાય ડાઈવર શ્વેતા પરમાર, માત્ર 19 વર્ષની નાની વયે કમર્શિયલ પાયલટ બનનાર મૈત્રી પટેલ, કચ્છી મહિલા એન્ટરપ્રેન્યોર પાબીબેન રબારી, મેંગો જંક્શન સ્વીટશોપના સ્થાપક એવા મહિલા એન્ટરપ્રેન્યોર ડૉ. ધરા કાપડિયા, સ્ટેચ્યૂ ઑફ યુનિટી ખાતે મહિલા સ્વસહાયજૂથના પ્રમુખ પ્રેમીલાબેન તડવી, વિચરતી-વિમુક્ત જાતિના ઉત્કર્ષ માટે સમાજિક કાર્યકર મિત્તલ પટેલ, કોરોના દરમિયાન મૃત્યુ પામનાર દર્દીઓની અંતિમવિધિ કરનાર હિનાબેન વેલાણી, કોરાનાકાળમાં ટ્રક રાઈડ દ્વારા ગામડાઓમાં માસ્ક અને સેનિટાઈઝરનું વિતરણ કરનાર દુરૈયા તપિયા, દિવ્યાંગ સામાજિક કાર્યકર શોભના સપન શાહ, સામાજિક કાર્યકર રસીલાબેન પંડ્યા, આર.જે અને યુ-ટ્યુબર અદિતી રાવલ, સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે રેડિયો જોકી ડૉ. નીલમ તડવી, સંગીત કલાકાર સ્તુતિ કારાણી, ભરત નાટ્યમના કલાકાર માનસી પી. કારાણી, લેખિકા, એન્કર પાર્મીબેન દેસાઈ, પ્રગતિશીલ ખેડૂત ભારતીબેન રામદેવ ખૂંટી તેમજ રાજ્યકક્ષાના શ્રેષ્ઠ પશુપાલક પુરસ્કારથી સન્માનિત દેમાબેન ચૌધરીનો સમાવેશ થાય છે.

કલાગુરૂ ચંદન ઠાકોર દ્વારા સંચાલિત અમદાવાદની જાણીતી નૃત્યભારતી સંસ્થાના કલાકારોએ મહિષાસુરમર્દિની સ્ત્રોત પર ભરતનાટ્યમ નૃત્ય પ્રસ્તુત કર્યું હતું.

આ પ્રસંગે મહિલા અને બાળ કલ્યાણ મંત્રી મનિષાબેન વકીલ, આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી નિમિષાબેન સુથાર, મુખ્યમંત્રીના સચિવ અવંતિકા સિંઘ, ભાજપ મહિલા મોરચાના પ્રમુખ દિપીકાબેન સરવડા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp