રાધાનેસડા ગામ દેશના સોલાર નકશામાં અંકિત

PC: indianexpress.com

ગુજરાત સોલાર પાવર થકી ગ્રીન ઉર્જાનું હબ બનવા જઇ રહ્યું છે ત્યારે વાવ તાલુકામાં 700 મેગાવોટની ક્ષમતા સાથેના અલ્ટ્રા મેગા સોલાર પાવર પ્રોજેક્ટનું આજે ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો આવતા વર્ષે જ્યારે ખુલ્લો મૂકાશે ત્યારે ગુજરાત રાષ્ટ્ર્ને આ પ્રોજેક્ટ થકી 250 મેગાવોટની ક્લિન ઉર્જા સમર્પિત કરશે.

ગુજરાતના ઉર્જા અને કૃષિ કલ્યાણ મંત્રી ચીમન સાપરિયા અને રાજ્યકક્ષાના આરોગ્ય તેમજ શહેરી વિકાસ મંત્રી શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકામાં અલ્ટ્રા મેગા સોલાર પાર્કનું આજે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટમાં અંદાજે 259 કરોડનો ખર્ચ થશે અને 2800 કરોડનું મૂડીરોકાણ થવાની સંભાવના છે.

આ પ્રસંગે ઉર્જામંત્રી ચીમન સાપરિયાએ કહ્યું હતું કે ગુજરાત સરકારે સમગ્ર એશિયાખંડમાં પાટણ તાલુકાના ચારણકા પછી બનાસકાંઠાના રાધાનેસડામાં અલ્ટ્રા મેગા સોલાર પાવર પ્રોજેક્ટનું આયોજન કરી ઉત્તર ગુજરાતને રાષ્ટ્રીય કક્ષાએ સોલારના નકશામાં મૂક્યું છે. આ પાવર પ્રોજેક્ટ માટે સરકારે 1407 હેક્ટર જમીન સંપાદન કરી છે અને તેનો પ્રથમ તબક્કો માર્ચ 2018 સુધીમાં પૂર્ણ કરવાનો સરકારે લક્ષ્યાંક રાખ્યો છે. દિલ્હી-મુંબઇ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર- ડીએમઆઇસી-માં સ્થપાનારા વિવિધ ઇન્ડસ્ટ્રીયલ પ્રોજેક્ટ અને શહેરોના નિર્માણમાં રાધાનેસડાનો આ પ્રોજેક્ટ અત્યંત મહત્વનો સાબિત થવાનો છે. આ પ્રોજેક્ટથી સ્થાનિક રોજગારીની તકો પણ સર્જાવાની છે.

ચીમન સાપરિયાએ જણાવ્યું હતું કે રાજ્યની હાલની સૌર ઉર્જા ક્ષમતા 1265 મેગાવોટ, પવન ઉર્જા ક્ષેત્રે 5407 મેગાવોટ, બાયોમાસ ક્ષેત્રે 41.20 મેગાવોટ અને સ્મોલ હાઇડ્રો પ્રોજેક્ટ ક્ષેત્રે 9.6 મેગાવોટ સાથે કુલ 6723 મેગાવોટ થવા જાય છે. હાલમાં ગુજરાતની કુલ સ્થાપિત વીજક્ષમતા 26611 મેગાવોટ જેટલી થાય છે. ગુજરાતે 2022 સુધીમાં 8 ગીગાવોટ એટલે કે 8000 મેગાવોટ સૌર ઉર્જા પ્રાપ્ત કરવાનો લક્ષ્યાંક રાખેલો છે. રાધાનેસડાનો આ પ્રોજેક્ટ એનટીપીસી દ્વારા હાથ ધરવામાં આવી રહ્યો છે જેમાં કેન્દ્ર સરકાર પ્રતિ મેગાવોટ રૂપિયા 20 લાખની સહાય સાથે ગુજરાત પાવર કોર્પોરેશનને કુલ 140 કરોડ રૂપિયાની સહાય આપશે. રાધાનેસડાનો આ પ્રોજેક્ટ ત્રણ તબક્કે પૂર્ણ કરવાનું આયોજન છે.

આ સિવાય રાજ્ય સરકાર બીજી 500 મેગાવોટ વીજળીનો સોલાર પાર્ક સૂઇગામના હરસડમાં સ્થાપી રહી છે. આ સોલાર પાર્ક માટે 689 હેક્ટર જમીન સંપાદન કરવામાં આવી છે. આ પાર્કમાં સરકાર 185 કરોડનો ખર્ચ કરશે અને 2000 કરોડનું મૂડીરોકાણ આવવાની શક્યતા છે. આ બન્ને પ્રોજેકટમાં ફક્ત સરકારી ખરાબાની જમીનનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

આ પ્રસંગે રાજ્યકક્ષાના આરોગ્ય અને શહેરી વિકાસ મંત્રી શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે ગુજરાતની જનતાને અંધકારમાંથી ઉજાસ તરફ લઇ જતી ભાજપની સરકારે છેલ્લા 16 વર્ષમાં ઉર્જા ક્ષેત્રે કરેલી કામગીરીની ચોમેર પ્રસંશા થઇ રહી છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ રાજ્યના બોર્ડર વિસ્તારમાં સોલાર પાર્કને ઉત્તેજન આપ્યું છે તેનો ગુજરાત સરકાર વતી હું આભાર માનું છું. ગુજરાત આજે દેશમાં સરપ્લસ વીજળી ઉત્પન્ન કરતું પ્રથમ રાજ્ય બનેલું છે. ખાસ કરીને પ્રદૂષણનો ખ્યાલ રાખીને ગુજરાતે ગ્રીન એનર્જીમાં સૌથી વિશાળ નેટવર્ક સ્થાપિત કર્યું છે જે બીજા રાજ્યો માટે મોડલ બન્યું છે. સોલાર પાર્કના કારણે સ્થાનિક રોજગારીની તકો પણ સર્જાવાની છે તેથી આપણને બેરોજગારીની સમસ્યામાંથી પણ રાહત મળી શકશે.

ચૌધરીએ કહ્યું હતું કે રાજકીય દૂરંદેશી, રાજકીય સ્થિરત અને રાજકીય ઇચ્છાશક્તિ એ ત્રણેય બાબતો ગુજરાતમાં મોજૂદ હોવાથી રાજ્યએ આજે અંધકાર માંથી ઉજાસ તરફ પ્રયાણ કર્યું છે. કોંગ્રેસના શાસકોએ ગુજરાતની જનતાને અંધારામાં રાખીને અવિરત પોલ્યુટેડ કોબબેઝ વીજ પ્રોજેક્ટોને પ્રોત્સાહન આપ્યા હતા પરિણામે વીજ ઉત્પાદન ક્ષમતા તેઓ વધારી શક્યા ન હતા. રાજ્યમાં 1995 પહેલાં માત્ર 6000 મેગાવોટ વીજળી ઉત્પાદિત થતી હતી, જેની સામે જરૂરિયાત 7500 થી 8000 મેગાવોટ હોવાથી લોકો અંધારામાં રાત પસાર કરતાં હતા. આજે ગુજરાતની સ્થાપિત વીજ ઉત્પાદન ક્ષમતા 26611 મેગાવોટની છે જેમાં 2020 સુધીમાં 2540 મેગાવોટની ક્ષમતાનો વધારો થવાની સંભાવના છે.

શંકર ચૌધરીએ કહ્યું હતું કે ગુજરાતના ચારણકામાં એશિયાનો પ્રથમ સોલાર પાર્ક કે જેને સ્વર્ણિમ સૂર્યતિર્થ તરીકે ઓળખવામાં આવે છે તેમાં 3000 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરવાની સુવિધા છે. આ સ્થળે અત્યાર સુધીમાં 600 મેગાવોટની ક્ષમતાના સોલાર પ્રોજેક્ટ્સ 34 કંપનીઓએ સ્થાપ્યા છે અને બીજી 150 મેગાવોટની ક્ષમતાનો ઉમેરો કરવાનું આયોજન છે. આ પ્રોજેક્ટનું ભૂમિપૂજન ભાજપની સરકાર કરે છે અને તેનું ઉદ્દઘાટન પણ ભાજપની જ સરકાર કરશે તેવી અમને શ્રદ્ધા છે.

એક અભ્યાસ પ્રમાણે રાજ્યમાં 40000 મેગાવોટ વિન્ડ અને 69000 મેગાવોટ સોલાર વીજળી ઉત્પાદનની શક્યતા રહેલી છે. ગુજરાત એ એશિયાનું સૌથી મોટા સોલાર પાર્કનું હાઉસ છે. ગુજરાત પાસે 1600 કિલોમીટરનો દરયાકિનારો છે તેથી ટાઇડલ આધારિત વીજ પ્રોજેક્ટ માટેની ક્ષમતા ધરાવે છે. ગુજરાત એ રાજસ્થાન પછી સૌથી વધુ સોલાર રેડિયેશન ધરાવતો પ્રદેશ છે. બીજી તરફ ગુજરાત પાસે 2.60 મિલિયન હેક્ટર બિનઉપજાઉ જમીન છે કે જેમાં ભારત સરકારનું સોલાર ઉર્જાનું સપનું પૂર્ણ થઇ શકે તેમ છે.
-------------

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp