26th January selfie contest
BazarBit

‘શહેરી વન’નું ઉદ્ઘાટન કરી જાવડેકરે કહ્યુ- આ શહેરોના ફેફસા છે

PC: PIB

વર્ષોવર્ષ દિલ્હીમાં વાયુની ગુણવત્તાનો સૂચકાંક (AQI) એકધારો ચિંતાનો વિષય બની રહ્યો છે. વધુમાં, નવી દિલ્હીનું ITO ક્રોસિંગ ખાસ કરીને વાયુના પ્રદૂષણના સ્તરમાં ખૂબ જ ઊંચુ નોંધાયું છે. આ તમામ બાબતોના પ્રતિભાવરૂપે અને પોતાની સામુદાયિક જવાબદારીને ધ્યાનમાં રાખીને, કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયાએ બહાદુરશાહ ઝફર માર્ગ પર આવેલી પોતાની કચેરી ખાતે ઓફિસના પાર્કમાં જ શહેરી વન તૈયાર કરવાનું પગલું લીધું છે.

મર્યાદિત વિસ્તારને ધ્યાનમાં રાખીને ગીચ વનીકરણ થઇ શકે તે માટે સ્થાનિક સ્તરે ઉપલબ્ધ સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ જંગલ એવા વૃક્ષોથી તૈયાર કરવામાં આવ્યું છે મૂળભૂત રીતે આ વિસ્તારના છે અને તે ત્રિ-પરિમાણીય, બહુ સ્તરીય વનસ્પતિ સમુદાયના છે જે એકસ્તરીય લોન (ઘાસનું સ્તર)ની સરખામણીએ હરિયાળીનો 30 ગણો વધુ સપાટી વિસ્તાર ધરાવે છે. અને કુદરતી આપત્તિઓ સામે રક્ષણ આપવાની તેમજ પર્યાવરણનું રક્ષણ કરવાની 30 ગણી ક્ષમતા ધરાવે છે.

શહેરી વનનું ઉદ્ઘાટન કરતા કેન્દ્રીય પર્યાવરણ મંત્રી શ્રી પ્રકાશ જાવડેકરે ઘણી ખુશી વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે, આના કારણે શહેરી વિસ્તારમાં બહુ સ્તરીય વૃક્ષો સાથે વનની ગીચતા વધશે જેમાં એક વર્ષ અને તેથી પછીના સમયમાં 59 સ્વદેશી પ્રજાતિઓના 12000 જેટલા રોપા હશે. શહેરી વનોના મહત્વ પર પ્રકાશ પાડતા શ્રી જાવડેકરે જણાવ્યું હતું કે, આવા જંગલો શહેરોના ફેફસા છે અને તે ઓક્સિજનની બેંક તેમજ કાર્બનના શોષકો તરીકે કામ કરે છે. પર્યાવરણ મંત્રીએ પ્રશંસા કરતા કહ્યું હતું કે, વનીકરણના સર્જન માટે મિયાવાકી પદ્ધતિ અપનાવવામાં આવી છે તેનાથી તાપમાનમાં લગભગ 14 ડિગ્રી જેટલો ઘટાડો કરવામાં મદદ મળશે અને ભેજનું પ્રમાણ 40% જેટલું વધી જશે.

સિંચન અને નિંદણ જેવી પ્રવૃત્તિઓ સહિત અલગ અલગ કાર્યોમાં ઓછામાં ઓછી જાળવણી સાથે, શહેરી વન ઓક્ટોબર 2021 સુધીમાં સ્વ-ટકાઉક્ષમ થઇ જશે. શહેરી વનમાં એવી ઇકો સિસ્ટમ છે જે પક્ષીઓ, માંખીઓ, પતંગિયા અને માઇક્રોફૌના માટે ફરી વસાહતો સ્થાપવા માટે સક્ષમ છે. પાક અને ફળોના પરાગાધાન માટે તે જરૂરી છે અને તેનાથી ઇકોસિસ્ટમનું સંતુલન જાળવવામાં પણ મદદ મળી રહે છે.

ગીચ જંગલ ઇકોસિસ્ટમ એવા વિસ્તારમાં તૈયાર કરવામાં આવી જ્યાં ક્ષેત્રફળ માત્ર એક એકર કરતા પણ ઓછા કદનું છે. બહુ સ્તરીય જંગલોમાં ક્ષુપો, નાના અને મધ્યમ કદના વૃક્ષો અને લાંબા વૃક્ષો છે જેને પરીઘીય અને મૂળભૂત છોડ સમુદાયો તરીકે કાળજીપૂર્વક ગોઠવવામાં આવ્યા છે.

કેટલાક દુર્લભ મૂળ પ્રજાતિના છોડ પણ અહીં ઉછેરવામાં આવ્યા છે જેમાં એનોજેઇસસ પેન્ડુલ (ધોંક), ડાયોસ્પાયરોસ કોર્ડિફોલિયા (બિસ્ટેન્દુ), એહરેટિયા લાઇવસ (ચામરોદ), રિગ્ટિઆ ટિનક્ટોરિઆ (દુધી), મિટ્રાગ્યાના પર્વિફોલિઆ (કૈમ), બુટિઆ મોનો સ્પેર્મા (પલાશ), પ્રોસોપીસ સીનેરારીઆ (ખેજરી), ક્લેરોડેન્ડ્રમ ફ્લોમીડિસ (આર્ની), ગ્રેવીઆ એસિઆટિકા (ફાલસા), ફોનિક્સ સેલ્વેસ્ટ્રિસ (ખજૂર) અને હેલિક્ટેરેસ આઇસોરા (મરુદફળી) સહિતની પ્રજાતિઓ સમાવવામાં આવી છે. પસંદ કરવામાં આવેલી આ પ્રજાતિઓ દિલ્હીના સંભવિત પ્રાકૃતિક વનસ્પતિકરણનો હિસ્સો છે અને આ ભૌગોલિક પ્રદેશ, આબોહવા તેમજ જમીન માટે સૌથી શ્રેષ્ઠ અનુકૂળ છે.

શહેરી વનના કારણે જંગલો દ્વારા ગુમાવી દીધેલી પર્યાવરણીય સુરક્ષા પાછી લાવવાનો ક્રિયાલક્ષી સંદેશો લોકોમાં પહોંચ્યો છે. સંભવિત પ્રાકૃતિક વનસ્પતિકરણના ઊંડાણપૂર્વકના સર્વે, ખૂબ સારી રીતે આયોજિત મૂળભૂત પ્રજાતિઓનો પ્રસાર અને આના જેવી પુનઃસ્થાપન પરિયોજનાઓ વર્તમાન સમયની માંગ છે. ભારતના CAGની કચેરી માને છે કે, આના જેવી પહેલથી રાજ્યને બહેતર પર્યાવરણીય સંતુલનની દિશામાં આગળ વધવામાં ઘણી મદદ મળશે જેમાં ખાસ કરીને શહેરોમાં વધુ મદદ થશે. દિલ્હીની ઇકોસિસ્ટમમાં આ ઘણું નાનું છતાં મહત્વપૂર્ણ યોગદાન છે, આ એવું યોગદાન છે જે લોકોને પોતાની આસપાસની પ્રકૃતિ ફરી વિકસાવવા અને પુનઃસ્થાપિત કરવા માટે પ્રેરણા આપી શકે છે.

અહીં નોંધવું જરૂરી છે કે, તાજેતરમાં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સરકારે દેશમાં આગામી પાંચ વર્ષમાં 200 શહેરી વનીકરણના વિકાસની યોજનાની જાહેરાત કરી હતી જેમાં લોકોની સહભાગીતા અને જંગલ વિભાગ, મ્યુનિસિપલ સંગઠનો, વિવિધ NGO, કોર્પોરેટ્સ અને સ્થાનિક લોકોની સહભાગીતા પર નવેસરથી વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp