ન અલી, ન બાહુબલી, માત્ર બજરંગબલી- ભાજપ નેતાએ કરી ચૂંટણી પંચના નોટિસની ઐસી તૈસી

PC: patrika.com

ચૂંટણી ટાળે ચૂંટણી પંચના નિયમોને ગોળીને પી જવા માટે જાડી ચામડીના રાજનેતાઓ જાણીતા છે. ચૂંટણી પંચ ગમે તેટલી નોટિસો આપે કે તેમની સામે  અનેક ગુનાઓ નોંધવામાં આવે, પણ સત્તાના મદમાં રાચતા નેતાઓને કોઇ ફરક પડતો નથી.

ઉત્તર પ્રદેશની વિધાનસભાની ચૂંટણીમાં ચૂંટણી પંચના નિયમોની તો નેતાઓ જાણે ધજિયાં ઉડાવી રહ્યા છે. જે નારા માટે ચૂંટણી પંચે ભાજપના ધારાસભ્યને નોટિસ આપી હતી તે જ નારો આ નેતા જયારે પોતાના વિસ્તાર લોનીમાંથી ઉમેદવારી કરવા માટે ગયા ત્યારે બોલતા નજરે પડ્યા હતા.

લોનીના ભાજપના ધારાસભ્ય નંદકિશોર ગુર્જર  અનેક વખત વિવાદાસ્પદ નિવેદનોને કારણે ચર્ચામાં રહેતા હોય છે. તેમણે ચૂંટણી પંચના આદેશને અવગણીને કેમેરા સામે વિવાદાસ્પદ સુત્રોચ્ચાર કર્યા હતા. પોતાનું નોમિનેશન ફાઇલ કરવા પહોંચેલા નંદકિશોર ગુર્જરે કહ્યું કે ના અલી, ન બાહુબલી માત્ર બજરંગ બલી. આ દરમ્યાન તેમના સમર્થકો પણ પાછળથી હસતાં નજરે પડ્યા હતા.

હજુ તો બે દિવસ પહેલાં જ આ નારાને કારણે ચૂંટણી પંચે ભાજપના ધારાસભ્ય નંદકિશોરને નોટીસ મોકલી હતી. ચૂંટણી પંચે તેમની પર ધાર્મિક નફરત ફેલાવવાનો આરોપ મુકીને નોટીસ મોકલી હતી. ભાજપના વર્તમાન ધારાસભ્ય નંદકિશોર ગુર્જરને ફરી લોની બેઠક પરથી ભાજપે ટિકીટ આપી છે. ઉમેદવાર તરીકેની જાહેરાત પછી ગુર્જર પોતાના સમર્થકો સાથે નોમીનેશન ભરવા ગયા હતા.

ચૂંટણી પંચે નંદકિશોરને 3 દિવસમાં નોટિસનો જવાબ આપવા કહ્યું હતું. પંચે કારણ દર્શક નોટિસમાં તેની પાસે ખુલાસો માંગ્યો છે કે વિવાદિત સુત્રોચ્ચાર શું કામ કર્યા?. પંચની નોટિસનો  ભાજપના ધારાસભ્યએ જવાબ આપ્યો કે નહીં તેની જાણકારી મળી નથી.

લોનીના ધારાસભ્ય ઉપરાંત બુઢાના ધારાસભ્ય ઉમેશ મલિક સામે પણ રોડ શો કરવા માટે ગુનો નોંધાયો છે. ચૂંટણી પંચે કોરોનાને ધ્યાનમાં રાખીને રેલી અને રોડ શો પર પ્રતિબંધ મુકેલો છે, છતા  આ જાડી ચામડીના નેતાઓ સુધરવાનું નામ લેતા નથી.

એવું નથી કે માત્ર ભાજપના નેતાઓ જ આ લિસ્ટમાં સામેલ છે. સપા, કોંગ્રેસના નેતાઓ સામે પણ ગુનાઓ નોંધાયા છે. સમાજવાદી પાર્ટીની મુખ્ય ઓફિસમાં આયોજિત એક કાર્યક્રમમાં હાજર 2500 લોકો સામે ગુનો નોંધાયો છે. તો નોઇડામાં ડોર ટૂ ડોર કેમ્પેઇન માટે છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલની સામે પણ ગુનો દાખલ થયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp