26th January selfie contest

અમરેલી જિલ્‍લાનું નિરાળું અને ન્‍યારું શિયાળબેટ

અમરેલી

અમરેલી જિલ્‍લાની દક્ષિણે ઘૂઘવતો અરબી સમુદ્રકાંઠો છે, અંદાજે ૬૦ થી ૬૨ કિ.મી. લંબાઇ ધરાવતા અરબી સમુદ્રને કાંઠે જાફરાબાદ શહેરથી ૨૫ કિ.મી. અને જિલ્લા મથક અમરેલીથી ૮૫ કિ.મી. દૂર શિયાળબેટ વસેલું છે.
અનેક ભૌગોલિક પ્રતિકૂળતાઓ છતાં આ પ્રદેશ આખાય અમરેલી જિલ્‍લામાં જુદી જ ભાત પાડનારું શિયાળબેટ ૯૮ એકરમાં વિસ્‍તારમાં ચારેબાજુ સમુદ્રથી ઘેરાયેલું છે. આથી જ ત્‍યાં દરિયાઇ માર્ગે અવરજવર થઇ શકે છે. નાનકડાં એવા શિયાળબેટની માફક જ તેનો ઇતિહાસ પણ એવો જ આગવો અને અનેરો છે.

આપણે એના ઇતિહાસની વાત વાગોળીએ તો, 'કાઠિયાવાડ ગેઝેટીયર'માં નોંધ્‍યું છે કે, ઇ.સ.૧૨૧૬માં શિયાળબેટ ચાવડા-મહેરોને હસ્‍તકનો પ્રદેશ હતો. ત્યારબાદ ઇ.સ.૧૬૬૪ થી ૧૬૮૪ દરમિયાન જુનાગઢ રાજયમાં ફોજદાર સરદારખાને અહીં ચુસ્‍ત બંદબસ્‍ત મૂકી ચાવડાઓ-મહેરો દ્વારા થતી ચાંચીયાગીરી ખતમ કરી. પરંતુ પોર્ટુગીઝોએ દીવ સર કર્યુ હતુ ત્‍યારે તેમની નજર શિયાળબેટ પર પણ પડી હતી.

મુસ્‍લિમોના શાસન દરમિયાન અહીં સવાઇપીર અને ગેબનશાહની દરગાહો બની હતી. અને ફરી 'કાઠિયાવાડ ગેઝેટીયર' તથા ગુજરાત રાજય ગેઝેટીયરનો સંદર્ભ ટાંકીએ તો પોર્ટુગીઝો અથવા મુસ્‍લિમ શાસકોએ અહીંના જૈન તથા હિન્‍દુ મંદિરોને તોડી પાડ્યા હોવા જોઇએ. ઠેરઠેર હિંદુ મંદિરોના ભગ્ન અવશેષો પણ જોવા મળે છે.

ઇ.સ.૧૭૩૯માં પોર્ટુગીઝશાસનના પતનની શરૂઆત થઇ આથી તેમણે સત્તા વિસ્‍તારવાનો વિચાર માંડવાળ કરી દીવ બચાવવાનો નિર્ણય કર્યો. ત્‍યારબાદ શિયાળ કોમના કોળીઓએ શિયાળબેટ પર વર્ચસ્‍વ જમાવ્‍યું, અને ત્‍યારથી આજ સુધી શિયાળબેટ પર આ પ્રજા મોટા પ્રમાણમાં અહીં વસવાટ કરી સ્‍થાયી થઇ છે. શિયાળબેટમાં શિયાળ અટક પણ સામાન્‍ય છે.
શિયાળબેટની અન્‍ય એક ઓળખ આપીએ તો, શેઠ શગળશા અને રાણી ચંગાવતીએ પ્રભુને રાજી રાખવા પોતાના વાહલસોયા પુત્ર ચેલૈયાનું માથું ખાંડણિયામાં ખાંડ્યું એ સ્‍થળ એટલે શિયાળબેટ. આ કરૂણા અને ભક્તિસભર ઘટનાના પુરાવા પત્‍થરસ્‍વરૂપે આજે પણ અહીં મોજુદ છે.

શિયાળબેટમાં એક એવી લોકવાયકા પ્રચલિત છે કે, જો કોઇ સ્‍ત્રી પોતાના સ્‍તનોમાંથી બાળકને દૂધ ન આપી શકતી હોય તો આવી સ્‍ત્રીઓ પોતાનું ઉપવસ્‍ત્ર ઉતારી અહીંની થાન વાવમાં ઝભોળે તો તેના સ્‍તનોમાં પુનઃ દૂધ પ્રાપ્‍ત થાય છે. અહીંના લોકોની આ આસ્‍થાનો ઉલ્‍લેખ ગુજરાત ગેઝેટીયરમાં પણ છે.

ગુરૂ ગોરખનાથની પૌરાણિક ગુફાનું પણ આગવું મહત્‍વ છે. પૂજારી તરીકે અહીં સેવા આપતા નાથજીબાપુએ ગુફાનું મહત્‍વ સમજાવ્‍યું કે, રૂક્ષ્‍મણીજીને બંગડીઓ બાંધી ગોરખનાથ અહીં શિયાળબેટ સાધના કરવા આવેલા તેનું સ્‍થાનક છે. શિયાળબેટની દીવાદાંડી પાસે આવેલું સવાઇપીરનું ધાર્મિક સ્‍થળ વિખ્‍યાત છે. ૨૨ ફુટની લંબાઇની સવાઇપીરની ૧૩૦૦ વર્ષ પુરાણી દરગાહને આગવું મહત્‍વ આપી ગુજરાત પ્રવાસન નિગમે પણ તેની યાદીમાં સમાવ્‍યું છે. દરિયાની લાંબી મજલો કાપીને પણ હિંદુ-મુસ્‍લિમ યાત્રિકો નયનરમ્‍ય એવા સ્‍થળે આવે છે. સવાઇપીરથી થોડે દૂર ઉંડા દરિયામાં ભેંસલાપીરની દુર્ગમ દરગાહ પણ છે. અબુપીર અને સવાઇદુલા નામના ઓલીયાઓની કબરો પર દરિયાઇ સાહસિકોને અખૂટ શ્રધ્ધા છે.

શિયાળબેટમાં કેટલાક અમૂલ્‍ય સ્‍થાપત્‍યો જળવાયા છે. જે-તે સમયે અનંત ચાવડાએ ચાર દરવાજા અને બે ડોકાબારી સહિત કિલ્‍લો બંધાવેલો હતો. આ ઉપરાંત પ્રાચીન કહી શકીએ તેવા થાનવાવ અને ગંગાવાવ નામના તળાવો પણ શિયાળબેટમાં છે. તળાવના કાંઠા પરના મંદિરમાં નરિજવરની શ્યામપાષાણની પ્રતિમા આવેલી છે. વળી ગોરખનાથ, ગણપતિ અને હનુમાન દાદાની પ્રાચીન મૂર્તિઓ પણ આસ્‍થાના કેન્‍દ્ર સમું છે. જૈન ધર્મને લગતા અવશેષોમાં નેમિનાથ અને પાર્શ્વનાથની પ્રતિમાઓ આવેલી છે.

શિયાળબેટ ચારેતરફ દરિયાથી ભલે ઘેરાયેલ પ્રદેશ હોય પણ અહીંના કુવા અને વાવના પાણી નારિયેળના પાણી જેવા મીઠાં છે. આવું જોઇએ ત્યારે એમ થાય કે કુદરતની આ કરામત આગળ આપણે માનવો કેવા વામણા છીએ. પરંતુ અહીં પણ ઉનાળાના સમય દરમિયાન અને દુકાળ વખતે પાણીની ખેંચ વર્તાય છે.

ચોતરફ દરિયો હોવાથી અહીં ખેતીની જમીન ખૂબ ઓછી છે, ચોમાસાના સમયને બાદ કરતા દરિયાખેડુ પ્રજા માછીમારી કરી પોતાનું ગુજરાન ચલાવે છે. પરંતુ સામાન્‍ય જનજીવનથી અહીંનું જીવન હાડમારીભર્યુ છે. ચોમાસા દરમિયાન માછીમારીનો અવકાશ ન રહેવાને કારણે જ શિયાળબેટમાં વરસાદ વખતે માનવમહેરામણથી ધમધમાટ રહે છે. શિયાળબેટની પૂર્વ દિશાએથી દરિયાઇ માર્ગે મુંબઇ અને વલસાડ બાજુ અને બાકીની દિશાએથી વેરાવળના દરિયાકાંઠાઓ સુધી જવાય છે. શિયાળબેટની નજીક પીપાવાવ અને સિમેન્‍ટ ઉદ્યોગની જેટીઓ આવેલી છે.  

શિયાળબેટ અને ચાંચ બંદર તથા પીપાવાવ પોર્ટ નજીકના વિસ્‍તારોમાં ઔદ્યોગિક વિકાસ થતા આધુનિક ઇમારતો પણ આ વિસ્‍તારમાં નિર્માણ પામી છે. આ ઇમારતોનું રચના કૌશલ્‍ય અનેરૂં આકર્ષણ ઉભું કરે છે. આમ, પ્રાચીન અને આધુનિક સ્‍થાપત્‍યનો સુભગ સમન્‍વય વિકાસની નવી ક્ષિતિજોનું ચિત્ર તાદ્રશ્ય કરે છે.

શિયાળબેટમાંથી મહિષાસુર-મર્દિનીની સપરિકર પ્રતિમા પ્રાપ્‍ત થયેલ છે જે નોંધનીય શિલ્પ છે. આ પ્રતિમાની વિશેષતા એ છે કે તે પરિકરના બંને બાજુ ઉભાપાટમાં મુખ્‍ય પ્રતિમાની નાની એવી ત્રણ પ્રતિકૃત્તિઓ મૂકવામાં આવી છે. જેમાં જમણી બાજુના પાટની નીચેની એક આકૃત્તિ ખંડિત છે. મુખ્‍ય પ્રતિમામાં દેવી જમણો પગ મહિષની પીઠ પર મૂકીને અલિગઢમાં ઉભેલ છે. દેવી ચર્તુભુજ છે, તેમના મસ્તકે જત્રમુકુટ છે. દેવીનો સપ્રમાણ પાતળો દેહ અને સંપૂર્ણ આલેખનની દ્રષ્‍ટિએ આ પ્રતિમા ૧૧મી સદીની હોવાનું જણાય છે. 

આ ઉપરાંત જાફરાબાદના બલાણા ખાતે સરકેશ્વર મહાદેવ બિરાજે છે. હજારો દર્શનાર્થીઓ ત્‍યાં દાદાના દર્શન કરી પાવન થાય છે. આ સ્‍થળ રમણીય છે અને આ જગ્યાને બીચ તરીકે વિકસાવવામાં પ્રવાસનની તકો વધી જાય તેમ છે. જાફરાબાદ અને રાજુલા તાલુકામાં દરિયાઇ વિસ્‍તાર આવેલ હોવાને કારણે માછીમારી અને મીઠાના ઉત્‍પાદન મેળવી શકાય છે. સાગરકાંઠા મંડળ વિસ્‍તારમાં દરિયાઇ પાણી ફરી વળતા કુદરતી રીતે જ મીઠું પાકે છે. આ વિસ્‍તારમાં પાકતા મીઠામાંથી સુરોખાર, સોડા અને સોડિયમ સલ્‍ફેટ બને છે. જાફરાબાદ તાલુકામાં બાબરકોટ, શિયાળ બેટ અને જાફરાબાદમાં મત્‍સ્‍યોદ્યોગનો ઝડપથી વિકાસ પામ્યો છે.

જાફરાબાદ વિસ્‍તારમાં બૂમલા નામની માછલી મોટા પ્રમાણમાં મળી આવે છે. આ ઉપરાંત જીંગા, ધોલ, દારા, મેદલી, બગા પાટાપાટી અને ખાગા નામની માછલીની મુખ્‍ય જાતો જોવા મળે છે. ઓક્ટોબર થી જાન્‍યુઆરીના સમયગાળા દરમિયાન સારા એવા પ્રમાણમાં આ માછલીઓ મળી રહે છે. આથી બહારના માછીમારો પણ અહીં માછીમારી કરવા આવે છે. આ માછલીઓને ત્‍યાં જ સૂકવીને મહારાષ્‍ટ્ર, મધ્‍યપ્રદેશ, આંધ્રપ્રદેશ, આસામ અને શ્રીલંકા ખાતે નિકાસ કરવામાં આવે છે. આથી જ વ્‍પાપાર અને આર્થિક પાસાથી વિચારીએ તો અહીં માછલીની પ્રક્રિયા સંબંધિત ફીશીંગ પ્‍લાન્‍ટ, શીતાગાર, બરફના કારખાના, ફીશમીલ, નાયલોનના દોરડા, દરિયાઇ એન્જિન રીપેરીંગના કામકાજની તકો પણ વધુ છે. માછીમારીની પ્રવૃત્તિ સાથે મુખ્‍યત્‍વે કોળી, ખારવા, ખલાસી, ટંડેલ અને નાવિકો સંકળાયેલ છે. તેઓ રણછોડરાય, મેલડી, વહાણવટી, શિકોતર, મોમાઇ, કાળકા, ભવાની, આશાપુરા દેવ-દેવીઓને અને પીરને પૂજે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp