26th January selfie contest

સુરત ટ્રાફિક બ્રિગેડના જવાનોની ઉદારતા, સાથી મૃતક કર્મીઓ માટે ફંડ ભેગું કર્યું

PC: khabarchhe.com

આજથી 15 વર્ષ પૂર્વે સુરતમાં ટ્રાફિક બ્રિગેડની વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી. પ્રથમ તબક્કામાં 100 યુવાનોને ટ્રાફિક પોલીસની મદદમાં રહી ટ્રાફિક નિયમનમાં કાર્યરત રાખવામાં આવ્યા હતા. આજે આ સંખ્યા 1,400 થઈ છે. એટલે કે ટ્રાફિક બ્રિગેડમાં 1,400 જેટલા યુવક-યુવતીઓ સેવા બજાવી રહ્યા છે.

જે તમામે નાના માણસે મોટી ઉદારતા દાખવી હોય તેમ એક એક દિવસનું માનદ્ વેતન દાનમાં આપવાનો ઉત્કૃષ્ટ નિર્ણય કર્યો. પરિણામે ટ્રાફિક બ્રિગેડનાં મૃત્યુ પામેલા યુવાન-યુવતીઓના પરિવારજનોને રૂ. સાત સાત લાખની સહાય આપવામાં આવી હતી. આવી રીતે સહાય આપવામાં આવી હોય તેવો આ ભારતનો પ્રથમ કિસ્સો છે.

વાત કાંઈક એમ છે કે કોરોનાના કપરા કાળામાં સેવારત ટ્રાફિક બ્રિગેડના બે યુવાનો અલીમુદ્દીન શેખ અને સુનીલ ચૌધરી મોતના મુખમાં ધકેલાયા. ત્યાર પછી વાહન અકસ્માતમાં પ્રીતિ ચૌધરી અને અકસ્માતે કૂવામાં પડી જતાં સંદીપ ગરાસિયાનું મોત થયું હતું.

આ કરુણ ઘટનાને કારણે કેટલાક ટ્રાફિક બ્રિગેડના યુવાનોના મનમાં વિચાર સ્ફૂર્યો કે વર્ષોથી ટ્રાફિક બ્રિગેડમાં સેવા આપનારા યુવાનોના પરિવારજનોને મદદરૂપ બનવું એ આપણી નૈતિક ફરજ છે. આ વિચાર ટ્રાફિક બ્રિગેડના હેડસુપર વાઇઝર મહમદ ટીનવાલા મારફતે રજૂ કરવામાં આવ્યો.

ટ્રાફિક બ્રિગેડના હોદ્દેદારોને આ વિચાર ગમ્યો. તેમણે સ્વીકારી લીધો. વાત પોલીસ કમિશનર અજયકુમાર તોમર સુધી પહોંચી. તેમને પણ આ વિચાર સ્પર્શી ગયો. તેમણે તમામ ટ્રાફિક બ્રિગેડના યુવાનોને અભિનંદન આપ્યા અને આર્થિક સહાય માટે યોગ્ય નિર્ણય લઈ વ્યવસ્થા ગોઠવવાનું ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટના હોદ્દેદારોને કહ્યું.

આ અંગે ટ્રાફિક બ્રિગેડના માનદ્ સેક્રેટરી અશોક કાનુન્ગોનો સંપર્ક કરતા તેમણે કહ્યું કે સુરતમાં ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટના સંચાલન તળે કુલ 1,400 યુવાન-યુવતીઓ સેવા આપી રહ્યા છે. જેમાંથી કોરોનામાં બે યુવાનોનાં, અકસ્માતમાં એક યુવતીનું અને અખસ્માતે કૂવામાં પડીજતાં એક યુવાનનું મોત થયું તેમના પરિવારજનોને આજે પોલીસ સંભારણા દિન નિમિત્તે આર્થિક સહાય આપવામાં આવી છે. જેમાં ટીઆરબીના તમામ યુવાન-યુવતીઓનો એક એક દિવસનો પગાર, બે ટ્રસ્ટીનું યોગદાન અને ટ્રસ્ટની રકમ મળી કુલ રૂ. સાત સાત લાખ સહાય આપવામાં આવી છે.

ત્રણ જણાના પરિવારજનોને આ રકમનો ચેક પોલીસ કમિશનર અજયકિમાર તોમરના હસ્તે એનાયત કરવામાં આવ્યો. જ્યારે અકસ્માતે કૂવામાં પડી જતાં જેમનું મોત થયું તે યુવાનના પરિવારજનોને વીમાની રકમ રૂ. પાંચ લાખ આપવામાં આવી હતી. આ રીતે ટ્રાફિક બ્રિગેડના યુવાનોની ઉદારતા, દાતા-ટ્રસ્ટીની ઉદારતા અને ટ્રસ્ટના માનવતાવાદી અભિગમથી આ સહાય એનાયત કરવામાં આવી હોય તેવો આ ગુજરાતનો પ્રથમ કિસ્સો છે તેમ અશોક કાનુન્ગોએ કહ્યું હતું.

અત્રે એ ઉલ્લેખનીય છે કે ગુજરાત ઉપરાંત રાજસ્થાનના જયપુરમાં અને ઉત્તરપ્રદેશના વારણસીમાં ટ્રાફિક બ્રિગેડની વ્યવસ્થા કાર્યરત છે. એટેલે કે ટ્રાફિક બ્રિગેડની દૃષ્ટિએ જોઇએ તો આ રીતે રૂ. સાત લાખની સહાય આપી હોય તેવો આ ભારતનો પ્રથમ કિસ્સો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp