26th January selfie contest

ભોજનનો મહાથાળઃ બકાસૂર થાળના નામે ફરતી તસવીરની ભીતરમાં

છેલ્લા એક વર્ષથી ઈન્ટરનેટ પર વાનગીઓના રસથાળ સમી એક થાળીની તસવીર ફરવા માંડી હતી. બધા તેને અલગ અલગ નામથી શેર કરતાં જતાં હતા, પણ ખરેખર એ થાળી ક્યાંની છે અને OAV  કોઈ રેસ્ટોરન્ટ છે ખરી કે જેના નામે આવી તસવીર ફરે છે તેની દરકાર લેવાની તસદી પણ કોઈએ ના લીધી.

ઘણાં સમયથી નેટ પર આમથી તેમ ફરતી આ તસવીરને જોઈ કોઈએ તેને બકાસુરની થાળી નામ આપી દીધું. વળી આગળ જઈને કોઈએ તેને મહારાજા થાળી નામ આપ્યું. સુરતીઓ ખાવાના શોખીન છે એ બધા જ જાણે છે અને એના કારણે કેટલાક લોકોએ તો આ થાળીને સુરતની એક રેસ્ટોરન્ટમાં મળતી થાળી તરીકે ગણાવી દીધી, એકાદ બે જણાએ તો તેને સુરતની પિકાલો રેસ્ટોરન્ટમાં આ થાળી મળે છે એવું લખી નાંખ્યું.

જો કે આ લખનારા એ વાતની ખાતરી કરવાના રહી ગયા કે સુરતમાં આવી કોઈ રેસ્ટોરન્ટ છે ખરી? સુરતમાં તો શું આખા ગુજરાતમાં ક્યાંય નથી, હા એવી રેસ્ટોરન્ટ મુંબઈમાં છે, પણ ત્યાં આવી થાળી મળતી હોવાનો કોઈ પુરાવો નથી.

ઈન્ટરનેટ પર એક યૂઝરે તો આ થાળી મેંગ્લોરની ઓશન પર્લ રેસ્ટોરન્ટની હોવાનું જણાવીને એ થાળી 1500 રૂપિયાની છે એવું પણ ગપગોળું ચલાવી દીધું. આ થાળીને કોઈકે રાજકોટની ઠાકર લોજની થાળી ગણાવી તો કોઈકે અમદાવાદની ગોરધન થાળની, કે પછી અમદાવાદના અતિથિ રેસ્ટોરન્ટની અને કોઈકે આણંદની પુરોહિતની થાળી ગણાવી. એક યૂઝરે તેને વડોદરામાં ખુલેલી એક નવી હોટલમાં આવી થાળી મળતી હોવાનો દાવો કરી નાંખ્યો.

આ ફોટો કોઈએ reddit.com પર મુકીને તેમાં લખ્યું છે કે આ થાળી સુરતની પીકોલો રેસ્ટોરન્ટમાં મળે છે, જેમાં 7 પ્રકારના સલાડ, 55 પ્રકારની વાનગીઓ, 12 પ્રકારની મિઠાઈ, 15 પ્રકારની રોટલીઓ, સાથે આઈસક્રીમ અને છાસ મળતી હોવાનું કહીને મુક્યો હતો અને એ ફોટોને ત્યાંથી કેટલાય લોકોએ ટ્વીટર, ફેસબૂક સહિતની સોશિયલ સાઈટો પર રમતો કરી દીધો, એક પછી એક લોકો તેને શેર કરતા રહ્યા પણ કોઈએ તેની ખરાઈ કરવાની તસદી ના લીધી

હદ તો ત્યારે થઈ જ્યારે ઈન્ડિયા ટાઈમ્સમાં નેહા બોરકર નામક યુવા લેખિકાએ ભારતીય રેસ્ટોરાં બાબતે લખેલા આર્ટીકલમાં તેનો સમાવેશ કરી લીધો, નેહા બોરકરે પણ પોતાના આર્ટીકલમાં તેનો ઉલ્લેખ સુરતની પીકોલો રેસ્ટોરન્ટમાં મળતી થાળી તરીકે જ કર્યો હતો. જો કે આ બાબતે વિનય ખત્રી નામક એક બ્લોગરે આ થાળી ખરેખર શું છે અને તે ક્યાંથી આવી તેના ઈન્ટરનેટ પર ખરા અર્થમાં ખાંખાખોળા કર્યા અને અંતે તેમણે એ શોધી કાઢ્યું કે આ થાળીનો ભોગ તો મુબંઈના જુહુ વિસ્તારમાં આવેલા ઈસ્કોન મંદિરમાં 29 ઓગષ્ટ 2013ના દિવસે ઈસ્કોન મંદિરના સ્થાપક ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદને ધરાવવામાં આવ્યો હતો.

જે તે સમયે આ થાળીના તસવીર ઈસ્કોન મંદિરના નામ સાથે નેટ પર ફરી હતી, જો કે તે પછી કોઈ ભેજાબાજે તેમાંથી ઈસ્કોનનું નામ ફોટોશોપની કરામતથી કાઢી નાખીને એ તસવીર બકાસૂરની થાળીના નામે ફરતી કરી દીધી અને તે પછી એ થાળીના નામે એક પછી એક રેસ્ટોરન્ટના નામ જોડાતા ગયા. આ માહિતી અમને http://funngyan.com/2015/02/10/thali/ બ્લોગ પરથી મળી છે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp