ચાલુ સીરિઝની વચ્ચે જ લગ્નના બંધનમાં બંધાયા શ્રીલંકાના આ ત્રણ પ્લેયર્સ

PC: twitter.com/OfficialSLC

શ્રીલંકા ક્રિકેટ ટીમ અફઘાનિસ્તાન સામે 3 વનડે મેચોની સીરિઝ રમી રહી છે. આ સીરિઝની પહેલી બે મેચ રમાઈ ગઈ છે. પહેલી મેચ અફઘાનિસ્તાને જીતી હતી, તો બીજી મેચ વરસાદના કારણે રદ્દ થઈ હતી. હવે ત્રીજી મેચ 30 નવેમ્બરના રોજ પલ્લેકલમાં રમાવાની છે. આ મેચ પહેલા જ શ્રીલંકાની ટીમને ઘણી મોટી ખુશખબરી મળી છે. અસલમાં અફઘાનિસ્તાન વિરુદ્ધની વનડે સીરિઝમાં રમી રહેલા 3 શ્રીલંકન ખેલાડીઓને તેમના હમસફર મળી ગયા છે.

ત્રણેએ સીરિઝની વચ્ચે જ કોલંબોમાં લગ્ન કરી લીધા હતા. શ્રીલંકા ક્રિકેટ બોર્ડે આ ત્રણેય ખેલાડીઓના તેમની પત્ની સાથેના ફોટા ટ્વીટ કરીને તેમને લગ્ન જીવનની શુભેચ્છાઓ પાઠવી છે. બોર્ડે લખ્યું છે- ચરિથ અસાલંકા, પાથુમ નિસંકા અને કસુન રજિતાને શુભેચ્છા.  

પાથુમ નિસંકા માટે અફઘાનિસ્તાન સામેની આ વનડે સીરિઝ હજુ સુધી સારી રહી છે. તેણે 2 મેચમાં 88ની સરેરાશથી 88 રન બનાવ્યા છે. તેણે પહેલી વનડેમાં 85 રનની દમદાર ઈનિંગ રમી હતી. જોકે તેની આ દમદાર ઈનિંગ શ્રીલંકાને જીત અપાવી શકી ન હતી અને અફઘાનિસ્તાને પહેલી વનડે 60 રનોથી જીતી લીધી હતી.

કસુન રજિતાનું પણ આ સીરિઝમાં પ્રદર્શન ઘણું સારું રહ્યું છે. તેણે 2 મેચમાં 4.57ના ઈકોનોમી રેટથી કુલ 4 વિકેટ લીધી છે. તેણે વરસાદના કારણે રદ્દ થયેલી છેલ્લી મેચમાં 9 ઓવરમાં 31 રન આપીને 3 વિકેટ લીધી હતી. તે સીરિઝ દરમિયાન લગ્ન કરનારો બીજો શ્રીલંકન ખેલાડી છે. કસુનનું એક વર્ષ પછી શ્રીલંકન ટીમમાં કમબેક થયું છે. તેણે આ સીરિઝ પહેલા ગયા વર્ષે જુલાઈ મહિનામાં ભારત વિરુદ્ધ વનડે રમી હતી.

અફઘાનિસ્તાન વિરુદ્ધની આ વનડે સીરિઝ દરમિયાન લગ્ન કરનારો ત્રીજો શ્રીલંકન ખેલાડી છે ચરિત અસાલંકા. તેણે અફઘાનિસ્તાન વિરુદ્ધની પહેલી બે મેચમાં 10 રન જ બનાવ્યા છે. તે 30 નવેમ્બરના રોજ થનારી ત્રીજી વનડેમાં જરૂરથી મોટી ઈનિંગ રમવા ઈચ્છશે. શ્રીલંકાએ 2023ના વનડે વર્લ્ડ કપમાં સીધા ક્વોલિફાઈ થવા માટે વિશ્વ કપ સુપર લીગમાં પોતાની બાકીની ચારેય મેચ જીતવી પડશે. તેમાંથી એક મુકાબલો બુધવારે એટલે કે આવતીકાલે અફઘાનિસ્તાન સામે રમાવાનો છે. ભારતીય ટીમની વાત કરીએ તો ભારતીય ટીમે પોતાની સતત જીતના લીધે વર્લ્ડ કપની સુપર લીગમાં પ્રથમ ક્રમે રહીને વર્લ્ડ કપ 2023 માટે પોતાને ક્વોલિફાઈ કરી લીધું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp