મોંઘવારી પર અંકુશ મેળવવા બીજી કવાયત, RBIની મોનિટરી કમિટી કરશે વિચારમંથન

PC: telegraphindia.com

ઊંચો ફુગાવો અને આંતરરાષ્ટ્રીય બજારમાં ડૉલરની સતત મજબૂતાઈના કારણે રૂપિયા પરના દબાણ વચ્ચે આજે RBIની મોનિટરી કમિટીની બેઠક શરૂ થઈ રહી છે. મોનિટરી પોલિસી કમિટી (MPC)ની આ ત્રણ દિવસીય બેઠકમાં ઘણા મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવે તેવી અપેક્ષા છે. RBI ગવર્નર શક્તિકાંત દાસની અધ્યક્ષતામાં MPCની બેઠક 28 થી 30 સપ્ટેમ્બર દરમિયાન યોજાવાની છે. બેઠકના પરિણામો 30 સપ્ટેમ્બરે જાહેર કરવામાં આવશે.  

28-30 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મોનિટરી પોલિસી કમિટીની બેઠક પર બજારોની નજર છે. જણાવી દઈએ કે, મોંઘવારી પર અંકુશ મેળવવા માટે કેન્દ્રીય બેંકે ચાલુ નાણાકીય વર્ષમાં રેપો રેટમાં 140 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. યુએસ ફેડ દ્વારા દરમાં વધારો અને ફુગાવો 7 ટકાથી ઉપર રહેવાને કારણે, એવું માનવામાં આવે છે કે કેન્દ્રીય બેંક ફરી એકવાર મુખ્ય નીતિ દરોમાં વધારો કરી શકે છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ મે મહિનામાં રેપો રેટમાં 40 બેસિસ પોઈન્ટ, જૂનમાં 50 બેસિસ પોઈન્ટ અને ઓગસ્ટમાં 50 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. આ ધ્યાનમાં રાખીને, એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે MPC મોનિટરી પોલિસી રિવ્યુમાં ફરીથી દરોમાં વધારો કરી શકે છે.

એવું માનવામાં આવે છે કે, RBI ફરીથી દરોમાં 50-બીપીએસનો વધારો કરી શકે છે. જો આ વધારો થશે તો વ્યાજ દર 5.9 ટકાની ત્રણ વર્ષની ટોચે પહોંચી જશે. વર્તમાન દર 5.4 ટકા છે. રિટેલ ફુગાવા પર આધારિત કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ (CPI) જે મે મહિનામાં સાધારણ થવાના સંકેતો દર્શાવવાનું શરૂ થયું હતું, તે ઓગસ્ટમાં ફરી મજબૂત થઈને 7 ટકા થઈ ગયું છે. RBI તેની દ્વિ-માસિક નાણાકીય નીતિ ઘડતી વખતે રિટેલ ફુગાવાને ધ્યાનમાં લે છે. યુએસ ફેડએ સતત ત્રીજી વખત દરમાં વધારો કર્યો છે. યુકે અને યુરોપિયન યુનિયનની સેન્ટ્રલ બેંકોએ પણ ફુગાવાને કાબૂમાં રાખવા દરમાં વધારો કર્યો છે. રિટેલ ફુગાવો 4 ટકા પર રહે તેની ખાતરી કરવા માટે સરકારે RBIને કામ સોંપ્યું છે.

નાણાકીય નીતિમાં ફેરફારની સામાન્ય માણસ પર શું અસર?

બેંકો તેમના રોજિંદા કામકાજ માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) પાસેથી લોન લે છે. રિઝર્વ બેંક તેમની પાસેથી આ લોન પર જે દરે વ્યાજ વસૂલે છે તેને રેપો રેટ કહેવામાં આવે છે. જ્યારે રેપો રેટ ઓછો હોય છે, ત્યારે બેંકોને ઓછા વ્યાજ દરે લોન મળે છે અને તેઓ તેમના ગ્રાહકોને સસ્તી લોન પણ આપે છે. પરંતુ તેનાથી વિપરિત, જો રિઝર્વ બેંક રેપો રેટ વધારશે તો બેંકો માટે લોન લેવી મોંઘી થશે અને તેઓ તેમના ગ્રાહકોને મોંઘી લોન આપશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp