5 વર્ષમાં જાણો ગુજરાતના કેટલા વિદ્યાર્થીઓએ ખાનગીમાંથી સરકારી શાળામાં પ્રવેશ લીધો

PC: theprint.in

વિધાનસભા ગૃહમાં પ્રાથમિક શાળાનાં બાળકોને કોમ્પ્યુટર શિક્ષણ આપવા અંગે પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતા શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં ગુણવત્તાયુક્ત પ્રાથમિક શિક્ષણનાં પરિણામે છેલ્લા પાંચ વર્ષમાં 2.25 લાખ વિદ્યાર્થીઓએ ખાનગી શાળામાંથી સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવ્યો છે, જે સરકારી પ્રાથમિક શાળાઓમાં અપાતા ગુણવત્તાયુક્ત શિક્ષણનું ઉત્તમ ઉદાહરણ છે. ઓનલાઇન શિક્ષણ આપતાં ‘જ્ઞાનકુંજ’ પ્રોજેક્ટ અંતર્ગત પ્રથમ તબક્કામાં 4000 વર્ગોની તેમજ બીજા તબક્કામાં 5000 વર્ગોને આવરી લેવામાં આવ્યા છે.

રાજ્યમાં તબક્કાવાર ધોરણ 6 થી 8ની તમામ સરકારી પ્રાથમિક શાળામાં કોમ્પ્યુટર લેબ બનાવવામાં આવશે. જે અંતર્ગત હાલમાં તા.31/10/19ની સ્થિતિએ આણંદ જિલ્લાની ધોરણ 6 થી 8 ની 699 પ્રાથમિક શાળાઓમાં કોમ્પ્યુટર લેબની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા માત્ર ધોરણ 6 થી 8ની પ્રાથમિક શાળાઓમાં જ કોમ્પ્યુટર લેબ ઉપલબ્ધ કરાવવામાં આવે છે તેમ, વિધાનસભા ગૃહમાં ધારાસભ્ય દ્વારા આણંદ જિલ્લાની પ્રાથમિક શાળાઓના કોમ્પ્યુટર લેબ અંગે પુછાયેલા પ્રશ્નનો પ્રત્યુત્તર આપતા શિક્ષણ રાજ્ય મંત્રી વિભાવરીબહેન દવેએ જણાવ્યું હતું.

મુખ્યમંત્રી વિજય રૂપાણીના માર્ગદર્શનમાં વડાપ્રધાનના ‘ડિજિટલ ઇન્ડિયા’ અભિયાનને વધુ બળ આપવા વર્ષ 2017માં રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ‘જ્ઞાનકુંજ પ્રોજેક્ટ’નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ‘જ્ઞાનકુંજ પ્રોજેક્ટ’ હેઠળ વર્ચ્યુઅલ ક્લાસના માધ્યમથી બાળકોને વર્ગોમાં આજે ઓનસ્ક્રીન સચિત્ર અભ્યાસક્રમ ભણાવવામાં આવે છે. જેનાથી તેમના તમામ પ્રશ્નો ઉકેલીને વિષય વધુ સમજણપૂર્વક શિખવવામાં આવે છે તેમ પણ તેમણે ઉમેર્યુ હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp