હાર્દિક તથા અન્ય પાટીદાર નેતાઓએ કોર્ટમાં રાજદ્રોહનો ગુનો કબૂલવાનો કર્યો ઇનકાર

PC: twitter.com/hardikpatel_

રાજદ્રોહના ગુનાનો સામનો કરતા પાટીદાર નેતા હાર્દિક પટેલ, ચિરાગ પટેલ અને દિનેશ બાંભણિયા આજે કોર્ટમાં ઉપસ્થિત રહ્યાં હતા. તેમજ તેમની સામે ચાર્જફ્રેમ કરવામાં આવ્યો હતો. પાટીદાર આગેવાનોએ કોર્ટમાં પોતાની સામે લાગેલા આરોપો કબૂલવાનો ઈન્કાર કર્યો હતો. જેથી હવે આ કેસમાં કાનૂની કાર્યવાહી શરૂ થશે.

પાટીદાર અનામત આંદોલન દરમિયાન રાજયની શાંતિ ડહોળવાની અને ભડકાઉ ભાષણના આરોપ સબબ અમદાવાદ ક્રાઈમબ્રાન્ચે હાર્દિક પટેલ સહિતના પાટીદાર આગેવાનો સામે રાજદ્રોહનો કેસ દાખલ કર્યો હતો. તેમજ તેમની ધરપકડ કરી હતી. ત્રણેય પાટીદાર નેતાઓ આ કેસમાં જામીન ઉપર મુક્ત છે. દરમિયાન કેસની સુનાવણીની નિયમીત હાજર નહીં રહેતા દિનેશ બાંભણીયા સામે કોર્ટે બીનજામીનપાત્ર વોરન્ટ ઈસ્યુ કર્યું હતું. જેથી ક્રાઈમબ્રાન્ચે તેમની ધરપકડ કરી હતી. આજે મંગળવારે હાર્દિક પટેલ, ચિરાગ પટેલ અને દિનેશ બાંભણીયા ઉપસ્થિત રહ્યાં હતા. તેમની સામે આરોપનામું ઘડવામાં આવ્યું હતું. જોકે ત્રણેય પાટીદાર આગેવાનોએ પોતાની સામેના આરોપો કબુલવાનો ઈન્કાર કર્યો હતો. હવે તેમની સામે કોર્ટમાં કાનૂની કાર્યવાહી શરૂ થશે. બીજી તરફ દિનેશ બાંભણિયાએ બીનજામીનપત્ર વોરન્ટ રદ કરવાની અરજી કરી હતી. જે અદાલતે ગ્રાહ્ય રાખી છે.

હાર્દિક પટેલ, ચિરાગ પટેલ અને દિનેશ બાંભણિયા સામે 18 પાનાનું આરોપનામુ ઘડવામાં આવ્યું છે. જેમાં ગુજરાતમાં શાંતિ ડહોળવાનો અને ભડકાઉ ભાષણનો આરોપ લગાવવામાં આવ્યો છે. વર્ષ 2015માં અનામત આંદોલન વખતે રાજયભરમાં તોફાન ફાટી નીકળ્યા હતા. આ ઉપરાંત ટાળાઓ દ્વારા પોલીસ ચોકીઓને નિશાન બનાવવામાં આવી હતી. રાજયમાં કેટલાક દિવસો સુધી અશાંતિ ફેલાઈ હતી. જેમાં હાર્દિક પટેલ સહિતના પાટીદાર નેતાઓને કસુરવાર માનવામાં આવે છે. હાર્દિક પટેલનો સાથીદાર કેતન પટેલ આ કેસમાં તાજનો સાક્ષી બની ગયો હોવાનું જાણવા મળે છે. પાટીદાર નેતાઓ સામે છેલ્લા 3 વર્ષથી રાજદ્રોહનો કેસ ચાલી રહ્યો છે. દરમિયાન હાર્દિક પટેલના સાથી અલ્પેશ કથીરિયાનો આજે હાઈકોર્ટમાંથી રાજદ્રોહના ગુનામાં શરતી જામીન ઉપર છુટકારો થયો છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp