નદીમાં શંકાસ્પદ કોરોના દર્દીની લાશ વહાવી દેવી કેટલી જોખમી? શું કહે છે એક્સપર્ટ

PC: aajtak.in

ઉત્તર પ્રદેશના ગાજીપુર અને બિહારના બકસરમાં ગંગા નદીમાંથી મળી રહેલી તરતી લાશોને કારણે હડકંપ મચી ગયો છે. યૂપીથી લઇને બિહાર સરકાર અને તંત્ર હવે આખા મામલાના જડ સુધી પહોંચવામાં લાગી ગયા છે અને મૃતદેહો પોતાના વિસ્તારના નથી એવા દાવા કરવા લાગ્યા છે. પરંતુ આ ઘટના પર જાણકારો નું મંતવ્ય  શું છે? એ જાણીએ

કોરોના સંક્રમણને કારણે મોતને ભેટેલા લોકોના શબ નદીમાં વહેતા જોવા મળવાને કારણે સામાન્ય લોકો પર મોટું જોખમ હોવાની આશંકા વિશે વરિષ્ઠ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે જયાં સુધી વાયરસની શરીરમાં હાજરી નહીં મળે ત્યાં સુધી એના સંક્રમણ વિશે આશંકા કરવી યોગ્ય નથી.

આઇસીએમઆરના ચેરમેન ડોકટર બલરામ ભાર્ગવને જયારે આ બાબતે પુછવામાં આવતા તેમણે કહ્યું હતું કે, વાયરસના વિકાસ માટે જીવીત માનવ શરીર હોવું જરૂરી છે. જો માનવ શરીર મૃત હોય તો પછી વાયરસને આગળ વિકાસ કરવામાં અને બ્રીડ કરવાની શકયતા  એકદમ ઓછી થઇ જાય છે. એવામાં વધારે ગભરાટ કરવાની જરૂર નથી, પરંતુ સતર્ક રહેવું જરૂરી છે.

આઇસીએમઆરના ચેરમેન બલરામ ભાર્ગવે કહ્યું કે પવિત્ર ગંગાની વાત કરીએ તો ગંગામાં આમ તો એન્ટીબેકટીરિયલ ગુણધર્મ જબરદસ્ત સ્વરૂપમાં જોવા મળે છે. અત્યારની જે સ્થિતિ છે તેમાં ગંગાનું  પાણી મોટા ભાગના વિસ્તારમાં પૂજન યોગ્ય પણ નથી, સ્નાન અને પીવાની વાત તો દુર રહી.

બનારસ હિંદુ યૂનિવર્સિટીના પ્રોફેસર જ્ઞાનેશ્વર ચૌબેનું કહેવું છે કે અત્યાર સુધીમાં કોરાના વાયરસને લઇને જે અભ્યાસ કરવામાં આવ્યા છે તે એ વાતને નકારે છે કે આ રોગ પાણીજન્ય છે. મતલબ કે પાણીથી ફેલાતો રોગ નથી.  એટલે પાણીમાં વાયરસ જાય તો તેની કોઇ પણ વ્યકિત પર કોઇ અસર પડશે નહીં, આમ જોવા જઇએ તો  ઘણી ગટરોના પણી ગંગામાં ભળે છે.

તેમણે કહ્યું કે જે રીતે વિદેશમાં ગટર સર્વેલન્સ કરવામાં આવે છે તે રીતે અમે દર અઠવાડિયે  પાણીનું એનાલીસીસ કરીએ છીએ. એના પરથી એમ કહી શકાય કે ગંગાની આજુબાજુ રહેનારા અને ગંગાના પાણીનો ઉપયોગ કરનારા લોકોને  વાયરસની કોઇ વિશેષ અસર ન પડવી જોઇએ.

 તો બીજી તરફ બનારસ હિંદુ યૂનિવર્સિટીના મહામના માલવીય ગંગા રિસર્ચ સેન્ટરના ચેરમેન પ્રો. બી.ડી. ત્રિપાઠીનું કહેવું છે કે તાજેતરમાં એવા સમાચાર મળ્યા હતા કે ગંગા નદીમાં મોટી સંખ્યામાં લાશો તરતી મળી રહી છે. લોકોનું એવું કહેવું છે કે આ લાશો કોરોનાથી સંક્રમિત લોકોની છે અને લોકો પાસે અંતિમ વિધીની સુવિધા ન હોવાને કારણે ગંગામાં પધરાવી દેવામાં આવે છે. ત્રિપાઠીએ કહ્યું કે કોરોના સંક્રમિત લોકોની લાશો ગંગામાં પધરાવી દેવી એ દુર્ભાગ્યપૂર્ણ વાત છે. તેમણે કહ્યું કે સામાન્ય લાશોને પણ લોકો મોક્ષ મળશે એવી ધારણાએ ગંગામાં પધરાવી દેતા હોય છે, ઉપરાંત પશુઓના મૃતદેહોને પણ ગંગામાં પધરાવી દેવામાં આવે છે. આને કારણે ગંગા પ્રદુષિત થાય છે.

 ત્રિપાઠીએ કહ્યું કે આ રીતે લાશો ગંગામાં નાંખશો તો ગંગા તો પ્રદુષિત થશે પણ સાથે કોરોનાનું સંક્રમણ પણ વધશે. કોરોનાની બીજી લહેર વધારે ખતરનાક છે અને તેમાં આબાલ વૃધ્ધ બધા સંક્રમિત થઇ રહ્યા છે. એવામાં મારી લોકોને વિનંતી છે કે કોઇ પણ મૃતદેહોને  મહેરબાની કરીને ગંગામાં નાંખશો નહી. તેમણે  લોકોને અપીલ કરતા એમ પણ કહ્યું કે જે વિસ્તારોમાંથી મૃતદેહો મળી રહ્યા છે એ વિસ્તારના લોકો ગંગામાં સ્નાન કરવાનું અને પીવાના પાણીનો ઉપયોગ બંધ કરી દે, કારણ કે તેને કારણે સંક્રમણ વધવાની શકયતા છે.

બનારસ હિંદુ યૂનિવર્સિટીના ડોકટર ઓપી ઉપાધ્યાયએ કહ્યું કે કોરોના સંક્રમિત મૃતહેદોને ગંગામાં પધરાવવાએ જઘન્ય અપરાધ છે. આવા મૃતદેહોને કારણે પર્યાવરણ અને નદી તો દુષિત થશે જે, પરંતુ સાથે કોરોના વાયરસ પણ ફેલાઇ શકે છે. અનેક પ્રકારના કીટાણું ફેલાશે અને નદીમાં દુર્ગંધ પણ  ફેલાશે.

 આ પાણી જાનવરો પણ પીતા હોય છે અને ખેતીમાં પણ ઉપયોગ થતો હોય છે.

ભારત સરકારના વૈજ્ઞાનિક સલાહકાર ડો. વિજય રાઘવને કહ્યું હતું કે વહેતા પાણીમાં લાશથી કોઇ જોખમ નથી. હા, કોઇ તળાવ કે કુંડ હોય અને તેમાં કોરોના સંકમિત લાશ હોય તો જોખમ રહે છે. પરંતું વહેતા પાણીમાં કોઇ જોખમ નથી. કારણ કે પ્રકાશ અને  જમીન સાથેના તેના સંબધને કારણે પ્રાકૃતિક રીતે  તેનો નાશ કરી દે છે.

આ વચ્ચે આખી ઘટના વિશે કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે ટવિટ કરીને કહ્યું છે કે ગંગા નદીમાં મૃતદેહોને ડંપ કરવાના મુદ્દાને અમે ગંભીરતાથી લીધો છે અને તેને રોકવાના ઉપાય કર્યા છે. એનએમસીજી અને જિલ્લા અધિકારીઓના માધ્યમથી એ વાત સુનિશ્ચિત કરવામાં આવશે કે અજાણી લાશોના કોરોના પ્રોટોકોલ પ્રમાણ અંતિમ સંસ્કાર કરી દેવામાં આવે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp