અમદાવાદમાં પોલીસને ધમકી, 'અહી આવવું નહીં, હું અહીનો દાદા છું'

PC: Youtube.com

રાજ્યમાં કોરોનાની મહામારી વચ્ચે ક્રાઇમની ઘટનાઓમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે અમદાવાદમાં બે યુવકોએ પોલીસ સાથે મારામારી કરી પોલીસને ધમકી આપી હતી કે, અહીંયા આવવું નહીં, હું અહીંનો દાદા છું. અહીં આવશો તો જાનથી મારી નાખીશ. જેથી આ સમગ્ર મામલે પોલીસે બે યુવકો સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

રિપોર્ટ અનુસાર અમદાવાદના ચાંદલોડીયા વિસ્તારમાં સોલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ અને સાથી પોલીસ કર્મચારીઓ પેટ્રોલીંગ કરી રહ્યા હતા, તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલને ચાંદલોડીયા વિસ્તારમાં આવેલી રાધિકા પાર્ક સોસાયટીમાં એક કારમાં વિદેશી દારૂની બોટલ રાખવામાં આવી હોવાની બાતમી મળી હતી. તેથી પોલીસે રાધિકા પાર્ક સોસાયટીમાં જઇ સ્થળ પર ચેકિંગ કર્યું હતું.

પોલીસને બાતમી વાળી કાર દેખાતા કાર નજીક જઈને જોતા સંજય દુબે નામનો એક યુવક કારનો દરવાજો ખોલી કારની અંદર બેઠો હતો. જ્યારે પોલીસ કારની નજીક ગઈ ત્યારે સંજય દુબે ઉશ્કેરાઈ ગયો અને પોલીસને કહેવા લાગ્યો કે, આ કાર મારી છે, મારી કારની સામે શા માટે જુઓ છો, ત્યારે પોલીસે સંજય દુબેને તેની ઓળખ આપવા માટે પોલીસે કહેતા તે વધુ ઉશ્કેરાઈ ગયો અને પોલીસને ગાળો આપી કહેવા લાગ્યો કે, અહીં તમારે આવવું નહીં, હું અહીંનો દાદા છું, જો અહીં આવશો તો જાનથી મારી નાખીશ. આટલું કહ્યા બાદ સંજય દૂબે નામના ઈસમે પોલીસ સાથે ઝપાઝપી શરૂ કરી હતી.

ઘટનાની જાણ થતા અન્ય એક યુવક પણ ઘટના સ્થળે આવ્યો હતો અને તેને પોલીસ સાથે ઝપાઝપી કરી મારામારી કરી હતી. પોલીસે આ ઘટનાની જાણ પોલીસ કંટ્રોલરૂમમાં કરતા અન્ય પોલીસકર્મીઓ પણ ઘટના સ્થળે આવ્યા હતા. તેથી સંજય દુબે અને તેની સાથે રહેલો એક વ્યક્તિ પોલીસને જોતાં ઘટના સ્થળેથી ફરાર થઇ ગયા હતા.

યુવકોએ ભાગતા-ભાગતા પોલીસને ધમકી આપી હતી કે, આજે તો તમે બચી ગયા છે પરંતુ હવે આવીશ તો છોડીશું નહીં. બંને યુવકો ઘટના સ્થળેથી ભાગી ગયા બાદ પોલીસે I-20 કારની તપાસ કરતા કારમાંથી બે બોટલ વિદેશી દારૂ મળી આવી હતી. તેથી પોલીસે બંને આરોપીઓ સામે ગુનો દાખલ કરી તેની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

ઉલ્લેખનીય છે કે, ભુતકાળમાં એવા પણ કિસ્સા સામે આવ્યા છે કે, જેમાં રેડ કરવા ગયેલી પોલીસ પર બુટલેગરોએ હુમલો કર્યો હોય અને પોલીસકર્મીઓને ઇજા થવા પામી હોય. ત્યારે ક્રાઈમની ઘટનાઓ વધતા એવું લાગી રહ્યું છે કે, ગુનેગારોના મનમાં કાયદો, વ્યવસ્થા કે, પોલીસનો ડર રહ્યો નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp