રાજકોટમાં મિત્રનો જન્મદિવસ ઉજવવા 3 વિદ્યાર્થીઓએ 100 કિલો ભંગારની કરી ચોરી

PC: Youtube.com

રાજકોટમાં જાણે વિદ્યાર્થીઓ હવે ગુનાહિત પ્રવૃત્તિ તરફ વળી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે, થોડા દિવસ પહેલા જ રાજકોટ શહેરની યુનિવર્સિટી પોલીસે નકલી નોટ સાથે આત્મીય કોલેજ અને ગારડી કોલેજના બે વિદ્યાર્થીઓને પકડ્યા હતા. ત્યારે હવે યુનિવર્સિટી પોલીસે ભંગાર ચોરીના ગુનામાં અંગ્રેજી માધ્યમની શાળામાં અભ્યાસ કરતાં 3 સગીર વિદ્યાર્થીઓને પકડી લીધા છે. ત્યારે પોલીસે આ ત્રણેય સગીરોને ભંગારની ચોરી કરવાનું કારણ પૂછયું ત્યારે પોલીસ પણ ચોંકી ગઈ હતી કારણ કે, તેમને જણાવ્યું હતું કે એક મિત્રનો જન્મદિવસ આવતો હોવાના કારણે તેમને બર્થ ડે પાર્ટીનું આયોજન કાલાવડ રોડ પર આવેલી એક ક્લબમાં કરવું હતું. આ બર્થડે પાર્ટીના આયોજન માટે તેમની પાસે પૈસા ન હોવાના કારણે તેઓ આ ભંગારની ચોરી કરવા તરફ વળ્યા હતા. ત્રણેય સગીર વિદ્યાર્થીઓની પૂછપરછ કરતાં પોલીસને એવું પણ જાણવા મળ્યું હતું કે, આ ત્રણેય વિદ્યાર્થીઓ પહેલી વાર ચોરી કરવામાં સફળ થયા હતા અને ત્યારબાદ વારંવાર ચોરી કરવા લાગ્યા હતા અને અંતે તેઓ પોલીસના હાથે ઝડપાયા. જેથી પોલીસે ત્રણેય સગીર સામે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. 

રિપોર્ટ અનુસાર રાજકોટના રૈયા રોડ પર તુલસી સુપર માર્કેટની સામે એક બાંધકામ સાઇટ આવેલી છે અને આ બાંધકામ સાઇટ પરથી કેટલાક સામાનની ચોરી થઇ હોવાની ઘટના સામે આવી હતી. આ ઘટનાના CCTV ફૂટેજ પણ તપાસ દરમિયાન પોલીસના હાથમાં આવ્યા હતા. પોલીસે CCTV કેમેરાના ફુટેજના આધારે ચોરી કરનારા આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરી હતી. તે દરમિયાન પોલીસે રાજકોટ શહેરમાં આવેલી અંગ્રેજી માધ્યમની શાળામાં અભ્યાસ કરતા ત્રણ વિદ્યાર્થીઓને ચોરીના ગુનામાં પકડ્યા હતા. 

પોલીસના હાથે પકડાઈ ગયા બાદ આ ત્રણ વિદ્યાર્થીઓએ કબૂલાત કરી હતી કે, મિત્રનો જન્મ દિવસ મોંઘી ક્લબમાં ઉજવવાનો હોવાના કારણે તેઓ ભંગાર ચોરી તરફ વળ્યા હતા અને ત્રણેય વિદ્યાર્થીઓએ સાથે મળીને 150 કિલો ભંગારની ચોરી કરી હતી. ત્રણ સગીર વિદ્યાર્થીઓ ભંગારની ચોરી તરફ વળ્યા હોવાનો આ કિસ્સો દરેક વાલીઓ માટે ચિંતાજનક અને લાલબત્તી સમાન છે. 

પોલીસે વિદ્યાર્થીઓની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, કૃષ્ણપાલના પિતા જમીન મકાન લે-વેચનું કામ કરે છે. તો અરમાનના પિતા મેડિકલ સ્ટોર ધરાવે છે. આ ઉપરાંત હર્ષના પિતા મેડિકલ રીપ્રેઝન્ટેટિવ છે. એટલે કે, ત્રણેય વિદ્યાર્થીઓ સુખી સંપન્ન પરિવારમાંથી આવે છે ત્રણેય વિદ્યાર્થીઓ પાસે મોંઘા મોંઘા મોબાઈલ હતા. અગાઉ પણ તેમને મોજ મસ્તી માટે 100 કિલો લોખંડના ભંગારની ચોરી કરી હતી અને આજે પૈસા આવ્યા તે પૈસાથી તેમને મોજશોખ કર્યો હતો અને હવે રિસોર્ટમાં જવા પૈસાની જરૂરિયાત હોવાના કારણે કૃષ્ણપાલે ફરીથી ચોરી કરવાનું શરૂ કર્યું અને આ વખતે ત્રણેય ઝડપાઈ ગયા. 

વિદ્યાર્થી કૃષ્ણપાલના પિતા દ્વારા કહેવામાં આવ્યું હતું કે, મેં મારા દીકરાને ખૂબ જ ઓછી કિંમતનો મોબાઇલ અપાવ્યો હતો પરંતુ તે મોબાઈલમાં પબજી ગેમ રમતો હતો.મારો દીકરો 8 વાગ્યા પછી ઘર બહાર નીકળતોને હું ફોન કરું ત્યારે હું કહેતો કે મિત્રો સાથે બેઠો છું. એટલે સ્કૂલમાં પણ નાઈટ સાઉથનું કલ્ચર હતું. 20થી 25 મિત્ર હોવાથી દર મહિને કોઈનો જન્મદિવસ આવતો હતો અને તમામ મિત્રો મોડી રાત સુધી સાથે રહેતા હતા. અમને એવું હતું કે દીકરાના તમામ સુખ પુરા પાડશુ તો તે અમારી લાગણી સમજશે પરંતુ તેણે જે કર્યું છે તે કરતૂતથી પરિવારના તમામ સભ્યો ભાંગી પડ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp