12 વર્ષના પાકિસ્તાની બાળક માટે ભારત-પાકે તોડ્યા પ્રોટોકોલ, પિતા બોલ્યા-ભારત મહાન

PC: dainikbhaskar.com

જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટ્યા બાદ કદાચ જ કોઈક દિવસ એવો વિત્યો હશે, જ્યારે ભારત-પાકિસ્તાનની વચ્ચે ગોળીબારીના સમાચાર ના આવ્યા હોય. પરંતુ ગત અઠવાડિયે અટારી બોર્ડર પર ભારત-પાકિસ્તાન બંને દેશોની સરકારે એક 12 વર્ષના બાળક માટે બધા જ પ્રોટોકોલ તોડી નાંખ્યા. બધી જ દુશ્મની ભુલાવી દીધી.

વાત જાણે એમ છે કે, પાકિસ્તાનનો 12 વર્ષનો સાબીહ શિરાજ હાર્ટની સર્જરી માટે ગત મહિને નોયડા સ્થિત જેપી હોસ્પિટલમાં આવ્યો. સાબીહ કરાચીમાં રહે છે, 18 ફેબ્રુઆરીએ તે પોતાના માતા-પિતાની સાથે નોયડા પહોંચ્યો. 25 ફેબ્રુઆરીએ તેની સર્જરી થઈ. 16 માર્ચ સુધી ઓબ્ઝર્વેશન માટે સાબીહને હોસ્પિટલમાં જ રાખવામાં આવ્યો. 18 માર્ચે જેપી હોસ્પિટલમાંથી સાબીહને રજા મળી ગઈ. ત્યારબાદ ત્રણેય હોસ્પિટલથી અટારી બોર્ડર પહોંચ્યા. પરંતુ, અટારીથી પાકિસ્તાન પહોંચવામાં સાબીહ અને તેના પરિવારે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો.

સાબીહના પિતા શિરાજ અરશદે સીમા પર (પાકિસ્તાન) જવા માટે ભારતીય ઈમિગ્રેશન અધિકારીઓને ખૂબ જ સમજાવ્યા, પરંતુ સફળતા ના મળી. અરશદે જણાવ્યું હતું કે, બોર્ડર ક્રોસ કરવા માટે મેં અધિકારીઓની મદદ માગી. મેં પોતાના દીકરાની હાર્ટ સર્જરી વિશે પણ જણાવ્યું, પરંતુ તેમણે મારી વાત ના માની. કારણ કે, પાકિસ્તાની અધિકારીઓએ 40 કાશ્મીરી છોકરીઓને ભારત મોકલવાની ના પાડી દીધી હતી.

અટારી બોર્ડર પર રહેલા ભારતીય સુરક્ષા અધિકારીએ શિરાજને પાકિસ્તાનના ઈમિગ્રેશન અધિકારીઓ સાથે વાત કરવાની સલાહ આપી, પરંતુ ત્યાં પણ વાત ના બની. દરમિયાન શિરાજે કોઈક રીતે પાકિસ્તાનના એક પત્રકારનો સંપર્ક કર્યો અને તેને પોતાની આપવીતી સંભળાવી. ત્યારબાદ પાકિસ્તાની પત્રકારે અમૃતસરના એક પત્રકાર રવિંદર સિંહ રોબિન સાથે વાત કરી સાબીહ અને તેના પરિવાર માટે મદદનો અનુરોધ કર્યો. ત્યારબાદ રવિંદર અટારી બોર્ડર પણ પહોંચ્યો, પરંતુ ત્યાં સુધીમાં ઈમિગ્રેશન અધિકારી ત્યાંથી ચાલ્યા ગયા હતા. પછી રવિંદર સાબીહ અને તેના પરિવારને અમૃતસર પોતાના ઘરે લઈ ગયો અને ત્યાં પોતાના ઘરે જ તેમના રોકાવાની વ્યવસ્થા કરી.

બીજા દિવસે રવિંદરે અટારી બોર્ડર પર ફસાયેલા સાબીહના પરિવારની મદદ માટે ભારતીય અધિકારીઓ સાથે વાત કરી. બીજી તરફ પાકિસ્તાની પત્રકારે પણ પાકિસ્તાનના વિદેશ સચિવ સાથે વાત કરી સાબીહ વિશે જણાવ્યું. ત્યાબાદ પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે દિલ્હી સ્થિત પાકિસ્તાન ઉચ્ચાયોગને નિર્દેશ આપ્યો કે તે પાકિસ્તાની પરિવારને પાછા લાવવા માટે તરત જ ભારતીય અધિકારીઓનો સંપર્ક કરે. પાકિસ્તાની ઉચ્ચાયોગના અનુરોધ પર ભારતીય અધિકારીઓએ સીમા પાર કરવા માટે સાબીહ અને તેના પરિવાર માટે સ્પેશિયલ પાસ આપ્યો.

સાબીહના પિતા શિરાજે જણાવ્યું હતું કે, ગુરુવારે રાત્રે (19 માર્ચ)ના રોજ અમે જ્યારે રવિંદરના ઘરે પહોંચ્યા તો અમને ભારત સ્થિત પાકિસ્તાની ઉચ્ચાયોગનો ફોન આવ્યો અને કહ્યું કે, કાલે બપોરે તમારે અટારી બોર્ડર પહોંચવાનું છે. બીજા દિવસે અમે અટારી બોર્ડર પહોંચ્યા, તો ભારતીય અધિકારીઓએ અમને પ્રોટોકોલ સાથે સીમા પાર મોકલ્યા.

શિરાજે મુશ્કેલ સમયમાં મદદ કરવા બદલ રવિંદર અને ભારતીય અધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું, અમે ખૂબ જ ચિંતિત હતા. પરંતુ ભારતીય અને પાકિસ્તાની અધિકારીઓના એકબીજા સાથેના સહયોગની મદદથી અમે ઘરે પાછા જઈ શક્યા. અમે સૌના આભારી છીએ. ડૉક્ટરો, પેરામેડિકલ સ્ટાફ અને હોસ્પિટલ પ્રબંધને અમારી સાથે ખૂબ જ સારો વ્યવહાર કર્યો. અમે 20 દિવસ ભારતમાં રહ્યા અને અહીં તમામે અમને પ્રેમ અને સહયોગ આપ્યો. ભારત એક મહાન રાષ્ટ્ર છે. તેમણે અમારું દિલ જીતી લીધું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp