PM મોદીએ જે ગુફામાં ધ્યાન કર્યું તેનું પહેલું બુકિંગ મહારાષ્ટ્રના જય શાહનું હતું

PC: youtube.com

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેદારનાથની જે ગુફામાં એક રાત સુધી ધ્યાન કર્યું તે ગુફા આ વર્ષે જ તૈયાર કરાઇ છે. શ્રદ્ધાળુઓ તેનું બુકિંગ કરાવી શકે છે. ગુફા તૈયાર થયા પછી સૌથી પહેલું બુકિંગ મહારાષ્ટ્રના જય શાહે કરાવ્યું હતું. તે ત્યાં 9થી 11 મે સુધી રહ્યા હતા. આ ગુફાનું નામ રૂદ્ર ગુફા રાખવામાં આવ્યું છે. રૂદ્ર એટલે ભગવાન શિવનો એક અવતાર જ છે. તેમના રોદ્ર સ્વરૂપ પરથી રૂદ્ર નામ આપવામાં આવ્યું છે.

વડાપ્રધાનના ગુફામાં ધ્યાન કરતા ફોટો વાયરલ થયા હતા. આ ગુફા ઉત્તરાખંડના ગઢવાલ મંડળ વિકાસ નિગમ દ્વારા આ વર્ષે જ તૈયાર કરાઇ છે. કેદારનાથ મંદિરથી પાછળની બાજુએ 2 કિલોમીટર દૂર આ ગુફા આવેલી છે. હાલ એક જ ગુફા તૈયાર કરાઇ છે. વધુ તૈયાર કરવાની યોજના છે. આ ગુફામાં રહેવા માટે વધુમાં વધુ 3 દિવસનું બુકિંગ કરાવી શકાય છે. જય શાહ 9થી 11 મે દરમિયાનનું બુકિંગ કરાવ્યું હતું. લગભગ 12250 ફિટની ઊંચાઇએ આવેલી આ ગુફામાં પથારી, ટોયલેટ, વીજળી, પાણી, ફોન સહિતની સુવિધાઓ છે. ભોજનની વ્યવસ્થા પણ છે.

એક દિવસનું ભાડું રૂ. 990 છે. મંદાકિની નદીના સામે કાંઠે આવેલી ગુફાનું ઓનલાઇન બુકિંગ જવાના 2 દિવસ પહેલા કરાવવું પડે છે. ગઢવાલ મંડળ વિકાસ નિગમની વેબસાઇટ પર બુકિંગ કરાવી શકાય છે. પરંતુ ત્યાં જતા પહેલા ગુપ્તકાશીમાં મેડિકલ ચેકઅપ કરાવવું પડે અને ત્યારબાદ કેદારનાથ ખાતે પણ ફરી મેડિકલ ચેકઅપ જરૂરી છે. આ ગુફામાં ફ્કત એક જ વ્યક્તિ રહી શકે છે.

ગુફાનો વિકાસ નહેરૂ ઇન્ટિટ્યૂટ ઓફ માઉન્ટેનિયરીંગના સહયોગથી કરવામાં આવ્યો છે. ગુફા પાંચ મીટર લાંબી અને ત્રણ મીટર પહોળી છે. આ એપ્રિલ મહિનામાં જ તે તૈયાર કરાઇ છે. જેની ઉપર 8.5 લાખ રૂપિયાનો ખર્ચ થયો છે. પ્રાકૃતિક ગુફાની પાસે પત્થરોથી દિવાલ બનાવાઇ છે. લાકડાના બારણા છે. એક બારી છે જેમાંથી કેદારનાથ મંદિર દૃશ્યમાન થાય છે અને ધ્યાન કરી શકાય છે. બમ બમ ભોલે.

 

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp