આ MLAનો રેપિડ ટેસ્ટ મેયર બીજલ પટેલે માન્ય ન રાખી સભામાંથી બહાર કાઢ્યા

PC: Khabarchhe.com

કોરોનાની મહામારી વચ્ચે અમદાવાદમાં 6 મહિના પછી અમદાવાદ મહાનગરપાલિકાની સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. કોરોનાથી થતાં મોત અને હોસ્પિટલમાં દર્દીઓની સારવારને લઈને શાસક પક્ષને સામાન્ય સભામાં વિપક્ષે ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઉપરાંત સામાન્ય સભામાં રસ્તા પાણી ગટર સહિતના મુદ્દાઓ બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી. તો બીજી તરફ સામાન્ય સભામાં મીડિયા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. AMCના તમામ કોર્પોરેટરનો પહેલા કોરોનાનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો અને જે કોર્પોરેટરનો નેગેટિવ રિપોર્ટ આવ્યો હતો તેમને જ સામાન્ય સભામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.

તો બીજી તરફ સ્થાનિક લોકોની રજૂઆત કરવા પહોંચેલા કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાને અમદાવાદ મહાનગરપાલિકાની સામાન્ય સભામાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. અમદાવાદના મેયર બિજલ પટેલે ઈમરાન ખેડાવાલાએ વિધાનસભામાં કરાવેલા કોરાનાના ટેસ્ટને અમાન્ય ગણાવીને ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાને સામાન્ય સભામાંથી બહાર જવા કહ્યું હતું. જેને લઇને ઈમરાન ખેડાવાલાએ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા અને મેયરને સરકાર દ્વારા કરવામાં આવતા રેપીડ પર ભરોસો નથી તેવું નિવેદન આપ્યું હતું.

ઈમરાન ખેડાવાલાએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, અમદાવાદ મહાનગરપાલિકાની અંદર જે પ્રમાણેનું શાસન ચાલી રહ્યું છે. આ શાસન અમદાવાદથી ચાલી રહ્યું છે, ગાંધીનગરથી ચાલી રહ્યું છે કે, દિલ્હીથી ચાલી રહ્યું છે તે ખબર નથી પડતી. કારણ કે, આ લોકો કોઈ નિર્ણય કરી શકતા નથી. જેના કારણે અમદાવાદ શહેરના લોકો ખૂબ હેરાન પરેશાન છે. આનો મતલબ એ થયો કે, રાજ્ય સરકાર રાજ્યમાં જે ટેસ્ટ કરાવે છે તે ટેસ્ટ પર અમદાવાદ મહાનગરપાલિકાના મેયરને જ ભરોસો નથી. એટલે હવે મને એ જ સમજાતું નથી કે, રાજ્ય સરકારના ટેસ્ટ માન્ય રાખવા કે, પછી અમદાવાદ મહાનગરપાલિકાના ટેસ્ટ માન્ય રાખવા.

અત્યારે એ જ ખબર નથી પડી રહી કે, WHOની ગાઈડલાઈન માન્ય રાખવી, ભારત સરકારની ગાઈડલાઈન માન્ય રાખવી કે, પછી ગુજરાત સરકારની ગાઈડલાઈન માન્ય રાખવી. આ પરિસ્થિતિ આખા અમદાવાદ શહેરની અંદર છે અને આજે અમદાવાદ શહેરના મેયરે જે પ્રમાણે મને સભાગૃહમાંથી બહાર કાઢ્યો છે તેનું મને ખૂબ જ દુઃખ છે. હું તેમને બહેન માનું છું પરંતુ આજે અમદાવાદની જે પ્રમાણેની પરિસ્થિતિ છે તે પરિસ્થિતિથી વાકેફ કરાવવા માટે હુ આ સભાગૃહમાં આવ્યો હતો. છતાં પણ મને રોકવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp