આ ગામમાં યુવકના વરઘોડા માટે પરિવારે માગ્યું રક્ષણ, ગામ ફેરવાયું પોલીસ છાવણીમાં

PC: youtube.com

ગુજરાત ટેકનોલોજીના યુગમાં હજુ પણ પાછળ હોય તેવું લાગે છે. આ કહેવાનું કારણ એ છે કે, રાજ્યમાં અવાર નવાર નાત-જાતના ભેદભાવના કિસ્સાઓ સામે આવ્યા છે. રાજ્યમાં અનુસુચિત જાતીના યુવકના લગ્નના વરઘોડામાં પથ્થરમારો કે, ગામમાં લોકોનો વિરોધ થયો હોવાનું સામે આવ્યું છે. ત્યારે આવું જ કઈ ફરી એક વખત ઉત્તર ગુજરાતમાં સામે આવ્યું છે. લગ્નના વરઘોડા માટે ગામના લોકોનાં ડરથી યુવકના પરિવારના સભ્યોએ લગ્નના વરઘોડા માટે પોલીસનું પ્રોટેક્શન માગ્યું છે.

ઉત્તર ગુજરાતના સાબરકાંઠાના વડાલીના ભજપુરા ગામમાં એક યુવકના લગ્નમાં કાઢવામાં આવતા વરઘોડામાં પોલીસનું પ્રોટેક્શન માગવામાં આવ્યું છે. પોલીસ પ્રોટેક્શનની માગણી એટલા માટે કરવામાં આવી છે કે, જે યુવકના લગ્ન છે તે અનુસુચિત જાતીનો યુવક છે. એટલે યુવકના પરિવારની અને વરઘોડામાં આવનારા લોકોની સુરક્ષાને લઇને આખું ગામ પોલીસની છાવણીમાં ફેરવાયું છે. ભજપુરા ગામમાં DySP, PI, અને PSI સહિતના અધિકારીઓનો કાફલો ગામમાં ખડકી દેવામાં આવ્યો છે.

આ બાબતે DySP ડી.એમ ચૌહાણનું કહેવું છે કે, એક યુવકના લગ્ન છે. લગ્નમાં પરિવારના સભ્યો તરફથી ગામમાં વરઘોડો કાઢવાની એક પરવાનગી માગવામાં આવી છે. આ પરવાનગી અનુસંધાને ગામમાં વિરોધ દર્શાવવામાં આવ્યો છે. આ વિરોધના અનુસંધાને ગામમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે અને કાયદો અને વ્યવસ્થાને લઇને કોઈ સવાલ ન ઉભા થાય તે માટે તે ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ વરઘોડાને લઇને અમે બન્ને સમાજના લોકોને રૂબરૂ બોલાવીને એક બેઠક કરેલી છે. જે પ્રશ્ન ગામમાં વરઘોડો નહીં કાઢવાનો હતો, તેમાં સમાધાન થયું હોવાની વાત પણ અમારી પાસે આવી છે. એ લોકોએ સ્પષ્ટ કહ્યું છે કે, અમારા તરફથી કોઈ પણ પ્રકારનો વિરોધ દર્શાવવામાં આવશે નહીં.

યુવકના પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે, 6 માર્ચના રોજ દીકરાનો લગ્નનો પ્રસંગ છે. શાંતિ પૂર્ણ માહોલમાં આ પ્રસંગ યોજાય તે માટે મેં સરકારની સમક્ષ રક્ષણની માગણી કરી છે. આ માગણીના અનુસંધાને મને પૂરતું રક્ષણ આપવામાં આવ્યું છે. હું એવું ઈચ્છું છે કે, અમારો પ્રસંગ શાંતિપૂર્ણ માહોલમાં યોજાય અને શાંતિથી પૂર્ણ થાય. વડાલીના ભજપુરા ગામમાં 1 DySP, 2 PI, 5 PSI, 75 પોલીસ કોન્સ્ટેબલ અને જવાનોને બંદોબસ્ત માટે તૈનાત કરવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp