રાજકોટમાં 14માં માળે આપઘાત કરવા ચડેલા યુવકનો જીવ પોલીસકર્મીઓએ બચાવ્યો

PC: youtube.com

રાજકોટમાં એક યુવકે એક બિલ્ડિંગના 14માં માળેથી આપઘાત કરવાનો પ્રયાસ કરતો હતો પરંતુ, પેટ્રોલિંગમાં રહેલી પોલીસને આ બાબતે જાણ થતા પોલીસ દ્વારા આ યુવકને સમજાવવામાં આવ્યો હતો અને પોલીસની સમજાવટના કારણે યુવક બિલ્ડિંગ પરથી નીચે આવી ગયો હતો. પોલીસે સૂઝબૂઝથી યુવકનો જીવ બચાવ્યો હતો. આ ઘટના રાજકોટના બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારની છે.

રાજકોટના બી ડિવિઝન પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ મહેશ અને રશ્મિન પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તે સમયે એક હાઈરાઈઝ નીચે મોટી સંખ્યામાં લોકો એકઠા થયેલા આ બંને પોલીસ કોન્સ્ટેબલને જોવા મળ્યા હતા. તેથી બંને પોલીસ કોન્સ્ટેબલ તાત્કાલિક ત્યાં પહોંચ્યા હતા અને લોકોને પૂછ્યું હતું કે, શું થયું છે. ત્યારે ઘટના સ્થળ પર એકઠા થયેલા લોકોએ જણાવ્યું હતું કે, બિલ્ડિંગના 14માં માળ પર એક યુવક બંને પગ લટકાવીને બેઠો છે અને તે આત્મહત્યા કરવા માટે ઉપર ગયો છે.

આ બાબતની જાણ થતાં બંને કોન્સ્ટેબલો તાત્કાલિક બિલ્ડીંગની અગાસી પર ગયા હતા અને તેમને અન્ય લોકોની પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે આ યુવકનું નામ રાજ યાદવ છે અને તે બિલ્ડીંગની સૌથી ઉપર આવેલા માળની બે ફૂટ પહોળી દિવાલ પર આંટા મારતો હતો અને કહેતો હતો કે, હવે મારે મરી જવું છે મારે આત્મહત્યા કરવી છે. બિલ્ડિંગના 14માં માળ પર પણ લોકો એકઠા થઇ ગયા હતા અને તેઓ પણ આ યુવકને આપઘાત ન કરવા માટે કહેતા હતા.

પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે, રાજ જે બિલ્ડિંગ પરથી કૂદવાનો હતો તે બિલ્ડીંગનું નામ બોમ્બે સુપર હાઈટ્સ હતું અને ત્યારબાદ કોન્સ્ટેબલોએ યુવકના અન્ય મિત્રો સાથે મળી રાજને સમજાવ્યો હતો. કોન્સ્ટેબલે યુવકને વાતચીતમાં ભેળવી પોતે સમયસૂચકતા વાપરી દીવાલ ઉપર ચઢીની યુવકને પકડી લઈ નીચે ઉતારી દીધો હતો અને ત્યારબાદ તેને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો.

પોલીસકર્મીઓએ રાજની પૂછપરછ કરી ત્યારે તેમને જણાવ્યું હતું કે, સાહેબ જીવનથી કંટાળી ગયો છું અને હવે મારે આપઘાત કરવો છે. તેણે પોલીસને એવું પણ કહ્યું હતું કે, તે આપઘાત કરવા માટે દીવાલ પર ચડ્યો હતો તે પહેલા તેણે એક વીડિયો બનાવ્યો હતો અને તેમાં તેણે કહ્યું હતું કે, હું જિંદગીથી કંટાળીને આપઘાત કરી રહ્યો છું. આ બાબતે કોઇ જવાબદાર નથી. પોલીસે રાજના પરિવારના સભ્યોને બોલાવી હેમરાજ અને તેના પરિવારને સોંપ્યો હતો. પરિવારના સભ્યો અને રાજના મિત્રોએ પોલીસનો આભાર માન્યો હતો. આમ રાજકોટ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ રશ્મિન અને કોન્સ્ટેબલ મહેશની સારી કામગીરીના કારણે આ યુવકનો જીવ બચ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp