બધા નેતાઓ આવું કરશે તો પોલીસ કઈ રીતે પ્રામાણિક રહી કામ કરશે?

PC: intoday.in

પોલીસ અધિકારીઓ અને નેતાઓના ઘર્ષણનું પ્રમાણ વધી રહ્યું છે. પ્રજાના પ્રતિનિધિ તરીકે ચૂંટાયેલા નેતાઓનું સ્વમાન જળવાય તે જરૂરી છે પરંતુ પોતાના અંગત સ્વાર્થ અથવા મિથ્યા અહમને કારણે પોલીસ અધિકારીઓને કનડવામાં આવી રહ્યા હોવાની ઘટનાઓ વધી રહી છે. અગાઉ મહેસાણા તાલુકાના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર જયદીપ બારોટે કોર્ટમાંથી નીકળેલા વોરન્ટનો અમલ કરતા ભાજપના નેતાઓને ખરાબ લાગ્યું, જેના કારણે તેમની બદલી IBમા કરી દેવામાં આવી હતી. ત્યાર બાદ રાજકોટના પોલીસ ઇન્સ્પેક્ટર સોનારાએ દબાણ હટાવ ઝૂંબેશ દરમિયાન કોર્પોરેશનના અધિકારીઓ સાથે બાખડી રહેલા ભાજપના નેતાને પાઠ ભણાવ્યો તો તેમની બદલી પણ IBમા થઈ. હવે ત્રીજી ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં ઉમરેઠના સબઇન્સપેક્ટર જે. બી. વનારે કોઈ પણ કારણ વગર કોંગ્રેસ નેતાની અટકાયત કરવાની ના પાડતા તેમને પણ IBમા મૂકી દેવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે જુલાઈ મહિનામાં ઉમરેઠ તાલુકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી હતી. ભાજપના જ પ્રમુખ અને ઉપપ્રમુખ ચૂંટાય તેવી શક્યતા હતી, પરંતુ પાતળી બહુમતી હોવાને કારણે ભાજપને ડર હતો કદાચ સત્તા કોંગ્રેસ તરફ સરકી જશે, જેના કારણે ઉમરેઠના ભાજપ શહેર પ્રમુખ સુજલ શાહે ઉમરેઠના PSI જે. બી. વનારેને બોલાવી સૂચના આપી કે કોંગ્રેસના અરવિંદ ઠાકોરને કોઈ પણ કારણસર અટકાયતી પગલાં હેઠળ પકડી લો. પોલીસ કોંગ્રેસના એક સભ્યની અટકાયત કરે તો, ભાજપને સત્તા જવાનો ડર હતો તે જતો રહે કારણ પોલીસ અટકાયત હેઠળ રહેલા અરવિંદ ઠાકોર મત આપવા જઈ શકે નહીં.

PSI વનારે અરવિંદ ઠાકોરની કારણ વગર અટકાયત થઈ ન શકે તેવું ભાજપના પ્રમુખ સુજલ શાહને કહેતા તેઓ નારાજ થઈ ગયા હતા. જો કે ત્યાર બાદ ચૂંટણી થઈ અને ભાજપને જ સત્તા મળી પરંતુ પોલીસ અધિકારીઓ અમને ગાંઠતા નથી તેવી ફરિયાદ સચિવાલય સુધી પહોંચી હતી અને પછી તરત PSI વનારને ખોટું નહીં કરવાના ઇનામ પેટે IBમા મૂકી દેવામાં આવ્યા હતા.

(પ્રશાંત દયાળ)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp