રાઘવ ક્યાંય નથી રાજકારણમાં...

PC: khabarchhe.com

મારી નારાજગી તો મારા કિસ્મત સાથે છે. સત્તા લેવા ગયો હતો અને ઘર ભેગો થઈ ગયો. એક વર્ષ પછી આત્મજ્ઞાન થયું છે. કોંગ્રેસ છોડ્યા બાદ પસ્તાવો થઈ રહ્યો છે. રાજકારણીઓ માત્ર સત્તા મેળવવા માટે જ કામ કરતાં હોય છે. પક્ષ પટલો કર્યા બાદ એક વર્ષ પછી તેમને પસ્તાવો થાય છે. સિવિલ હોસ્પિટલમાં ખબર પૂછવા માટે આવ્યા હતા. મિડિયાએ પ્રશ્ન પૂછ્યો હતો. પ્રજાએ કોંગ્રેસમાંથી ચૂંટી કાઢ્યા હતા અને તેઓ ભાજપમાં જોડાયા હતા. રાઘવજી પટેલ સાથે અનેક ધારાસભ્યો જોડાયા હતા. તેઓ ભાજપમાં જોડાયા પછી 2017મા ચૂંટણી હારી ગયા હતા. 2019ની ચૂંટણી આવી રહી છે ત્યારે તેમનું નિવેદન છે. નારાજગી સામે આવી છે. તેઓ હાલ પક્ષ પટલો કરે એવું લાગતું નથી.

ભાજપનો જૂથવાદ

2017મા વિધાનસભાની ચૂંટણી હારી ગયેલા રાઘવજી પટેલે 28 સપ્ટેમ્બર 2018મા ધ્રોલ માર્કેટિંગ યાર્ડનો પ્રતિષ્ઠાસમો ચૂંટણી જંગ ભાજપ માટે જીત્યા હતા. તમામ બેઠકો પર ભાજપ પ્રેરિત ઉમેદવારો વિજેતા બન્યા હતા. તેમ છતાં ભાજપ દ્વારા તેમની કોઈ કદર ન કરાતા તેઓ અંદરથી ભાજપ સામે નારાજ હતા. એટલું જ નહીં ભાજપના જ નેતાઓએ તેમનો વિરોધ કરવાનું શરૂ કર્યું હતું. ધ્રોલ તાલુકા ભાજપના પ્રમુખ રાજેન્દ્ર જાડેજાએ રાઘવજી પટેલ વિરુદ્ધ આરોપો મૂક્યા હતા. રાઘવતી એકચક્રીય શાસન ચલાવવાની માનસિકતા ધરાવે છે, એમની કામ કરવાની પદ્ધતિને હિટલરશાહી જેવી છે. ભાજપની અસંતુષ્ટ પેનલ અને કોંગ્રેસની પેનલ લડી રહી હતી. જેમાં પૂર્વ ધારાસભ્ય મેઘજી ચાવડા, ધ્રોલ તાલુકા ભાજપ પ્રમુખ રાજભા જાડેજા, શહેર ભાજપના પ્રમુખ મગનભાઇ ભોજાણીને રાઘવજીએ ભાજપના અસંતુષ્ટ જાહેર કર્યા હતા. ભાજપમાં રાઘવજીભાઇ હમણાં આવ્યા છે. અસંતુષ્ટ ભાજપથી નહીં પણ રાઘવજીભાઇ પટેલના એક ચક્રીય શાસન ચલાવવાની માનસીકતાથી છીએ. યાર્ડમાં ક્યાંય ભાજપ કે કોંગ્રેસ પક્ષ નથી આવતો. એટલે રાઘવજીએ આવા ગપગોળા બંધ કરવા જોઈએ. રાઘવજીભાઇ ભાજપમાં આવતા તેઓ પોતે નક્કી કરે એ ભાજપ. અમારી લડાઇ ભાજપ સામે નહીં પણ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કોંગ્રેસના અસંતુષ્ટ લોકો (રાઘવજી પટેલ) સામેની હતી. જેને ભાજપ કે સંગઠન શું છે તેની ખબર નથી એવા લોકો સામેની લડાઈ છે. જે લોકોને રાઘવજી ભાજપમાં લાવ્યા હતા, તેમાથી અડધા તો પાછા કોંગ્રેસમાં જતાં રહ્યાં છે. બાકીના ક્યારે જાય તેનું નકકી નથી. રાજભાની આ વાતથી નક્કી થયું હતું કે, ધ્રોલ ભાજપમાં અંદરો અંદર લડાઈ થઈ રહી હતી તેનાથી રાઘવજી પરેશાન હતા. તેથી તેમણે આવું નિવેદન આપ્યું હોવાની શક્યતા છે.

રાઘવજી પછી ભાજપની જીત

સપ્ટેમ્બર 2017મા ધારાસભ્ય રાઘવજી પટેલ કોંગ્રેસ છોડી ભાજપમાં ગયા પછી જામનગર જિલ્લામાં કોંગ્રેસે સ્થિતિ સુધારવા માટે કોઈ જ પ્રયાસ કર્યો નથી. ભાજપના લોકો હવે રાઘવજીને 20 નવેમ્બર 2018મા પક્ષમાંથી ગડગડીયું પકડાવવા માંગે છે. તે દિવસોમાં જામનગરના રાજકારણમાં ભૂકંપ થયો હતો. જામનગર શહેરમાં પૂર્વ ધારાસભ્ય હકુભા જાડેજાએ કોંગ્રેસના કાંગરા ખેરવ્યા બાદ આજે જામનગર જિલ્લામાં રાઘવજીભાઈ પટેલનું વાવાઝોડુ ત્રાટક્યું હતું. આ રાજકીય ભૂકંપમાં કોંગ્રેસની ધ્રોલ, જોડીયા અને જામનગર તાલુકા પંચાયતો ધરાશયી થઈ ગઈ હતી. ત્રણેય તાલુકા પંચાયતોમાં ભાજપનો ભગવો લહેરાયો હતો. આ ઉપરાંત જામનગર માર્કેટિંગ યાર્ડ અને ધ્રોલ માર્કેટિંગ યાર્ડમાં કોંગ્રેસનો સાવ સફાયો થયો છે અને ભાજપનું શાસન સ્થપાયું છે.

ભ્રષ્ટાચારની વાત જાહેરમાં કરી તે નડી

9 જાન્યુઆરી 2018મા જામનગર લેઉઆ પટેલ સમાજ દ્વારા રાજ્યના બે મંત્રીઓના યોજાયેલા સન્માન સમારંભમાં માજી ધારાસભ્ય રાઘવજી પટેલે ખુલ્લો આક્ષેપ કર્યો હતો કે, જમીનોની ફાઇલો મંજૂર કરાવવામાં ભાગબટાઇ ચાલે છે. બિનખેતીની જમીન કરાવવા માટે જિલ્લા પંચાયત કારોબારી સમિતિમાં ‌રૂપિયા લેવામાં આવે છે. જિલ્લા પંચાયતના પ્રમુખ કોંગ્રેસના મુળજીભાઇએ જણાવ્યું હતું કે, કારોબારી ચેરમેન તરીકે રસિક કોડીનારીયા છે અને જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ તરીકે રાઘવજીભાઇના પનોતા પુત્ર એવા જયેન્દ્ર પટેલ છે, જેઓએ હાલ રાઘવજી પટેલ સાથે જ કોંગ્રેસ છોડી દીધેલી છે, તો આ બિન ખેતી ફાઇલો મંજૂર કરાવવા માટેનો કારોબાર તો રાઘવજીભાઇના પુત્ર અને ટેકેદારના હાથમાં હોય છે. કદાચ રાઘવજીભાઇ એટલે જ બિનખેતી કરવામાં રૂપિયા ઉઘરાવવાનો કારોબાર ચાલે છે તેવું જાણતા હશે, એવું તેમણે જાહેર કહ્યું હતું.

જામનગરમાં ભાજપ કોંગ્રેસમય બન્યો

જામનગર જિલ્લામાં ભાજપના સંગઠન મંત્રી ભીખુ દલસાણીયા વર્ષો સુધી પક્ષના હોદ્દા પર રહ્યાં હોવા છતાં ભાજપ મજબૂત બની શક્યો ન હતો. રાઘવજી પટેલ કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયા ત્યારે કોંગ્રેસના અનેક આગેવાનો અને જિલ્લા તેમજ તાલુકા કોંગ્રેસના હોદ્દેદારો પણ ભાજપમાં જોડાયા હતા. જેમાં જામનગર જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ જયેન્દ્ર પટેલ, જામનગર તાલુકા પંચાયતના પ્રમુખ રસિક કડીનારિયા, જામનગર તાલુકા પંચાયતના નવ સભ્યો, ધ્રોલ તાલુકા પંચાયતના છ સભ્યો, જોડિયા તાલુકા પંચાયતના ચાર સભ્યો, જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના 3 સભ્યો, તેમજ ધ્રોલ માર્કેટ યાર્ડના 11 ડિરેક્ટરો, 160 જેટલા સરપંચો, ઉપસરપંચો એ પણ સામુહિક રીતે કોંગ્રેસને છોડીને ભાજપમાં જોડાયા હતા.

ભાજપમાં જનારાઓમાં જામનગર જિલ્લા કોંગ્રેસના પ્રવક્તા બકુલસિંહ જાડેજા, પ્રદેશ કોંગ્રેસના પૂર્વ મંત્રી, પ્રદેશ નિરીક્ષક તથા આહીર અગ્રણી મારખીભાઈ લાખાભાઈ વસરા, જામનગર મહિલા સમિતિના પ્રમુખ હંસાબેન, બુજડ, જામનગર જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ જયેન્દ્રભાઈ મુંગરા, જામનગર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન રસીકભાઈ કોડીનારીયા, જિલ્લા પંચાયતના મહિલા – બાળ વિકાસ સમિતિના ચેરમેન માલતીબેન ભાલોડીયા હતા.

ધ્રોલ તાલુકા પંચાયતના પ્રમુખ પ્રવિણાબેન ચભાડીયા, જિલ્લા કોંગ્રેસ કાર્યાલય મંત્રી અને તાલુકા માર્કેટિંગ યાર્ડના ડિરેકટર કાનાભાઈ આંબલીયા, ધ્રોલ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને ધ્રોલ માર્કેટિંગ યાર્ડના ઉપપ્રમુખ દિલીપસિંહ શાંતુભા જાડેજા, ધ્રોલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન રસીકભાઈ ભંડેરી, જોડીયા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ પ્રકાશભાઈ બપોલીયા, ધ્રોલ તાલુકા પંચાયત ન્યાય સમિતિના ચેરમેન ભીમજીભાઈ મકવાણા તથા જામનગર જિલ્લા યુવક કોંગ્રેસના પ્રમુખ ચિરાગ વાંક પણ કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાયા હતા. આ ઉપરાંત જોડીયા તાલુકા પંચાયતના 4 સભ્યો, જામનગર તાલુકા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ મનુભા હરીસિંહ કંચવા, મહામંત્રી વિજયભાઈ મકવાણા, મંત્રી હાર્દિક ભીમાભાઈ કાછડીયા, મંત્રી રમેશભાઈ મેંદપરા, મંત્રી વિઠ્ઠલભાઈ વસોયા, જામનગર ગ્રામ્ય વિધાનસભાના પ્રમુખ રાજદીપસિંહ ઝાલા, યુવક કોંગ્રેસના મહામંત્રી નકુમ, જગદીશભાઈ તથા આખી કારોબારી સમિતિ ભાજપમાં જોડાઈ હતી.

જિલ્લા કોંગ્રેસ સમિતિના મંત્રી કાનજીભાઈ પરમાર, મંત્રી અરજણભાઈ વકાતર, કાર્યાલય મંત્રી કાનાભાઈ આંબલીયા તથા પાંચ કારોબારી સભ્યો પણ ભાજપમાં જોડાયા છે. જામનગર તાલુકા પંચાયતના 9 સભ્યો, ધ્રોલ તાલુકા પંચાયતના 9 સભ્યો, ધ્રોલ માર્કેટિંગ યાર્ડના 11 સભ્યો, જોડીયા માર્કેટિંગ યાર્ડના 2 સભ્યો, સીક્કા શહેર કોંગ્રેસ સમિતિના મહામંત્રી જેન્તી, સીક્કા શહેર મહિલા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મનીષા કુંડલીયા, રશ્મિબેન, પ્રવીણ બુજડે પણ કોંગ્રેસને રામ રામ કર્યા છે. જામનગર તાલુકા કોંગ્રેસના માલધારી સેલના પ્રમુખ ખોડા બાંભવા, જાંબુડાના બાબુ વરૂ, ઉપપ્રમુખ માલધારી સેલના ૩૩ સભ્યોએ પણ સામુહિક રીતે કોંગ્રેસને છોડી ભાજપનો ભગવો ધારણ કર્યો હતો. જામનગર તાલુકાના સરપંચોમા પણ હીરાભાઈ સબાડ, ગોરધનભાઈ મકવાણા, બળદેવસિંહ જાડેજા, વિજરખીના જયાબેન ચૌહાણ સહિત 106 સરપંચ, ઉપસરપંચ તથા વરીષ્ઠ કોંગ્રેસી કાર્યકરોએ પણ રાઘવજીભાઈ પટેલ સાથે ભાજપમાં ગયા હતા અને ભાજપને કોંગ્રેસમાં ફેરવી હતી. આ ઉપરાંત ધ્રોલ તાલુકાના લતીપુર સરપંચ લાલજીભાઈ સંખાવરા, બીજલકાના ગીતાબેન ચીખલીયા, હજામ ચોરાના ગાયત્રીબા જાડેજા, મોટા ઈંટાળાના કાંતીભાઈ મુંગરા સહિત 8 સરપંચો તથા 9 ઉપસરપંચોએ પણ કોંગ્રેસને રામ રામ કર્યા છે.

ભાજપમાં જોડાયા

જામનગર ગ્રામ્ય સીટના કોંગ્રેસના MLA રાઘવજી પટેલ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીથી નારાજ હતા. કોંગ્રેસના ધારાસભ્ય રાઘવજી પટેલ પક્ષાંતર કરીને ભાજપમાં જોડવા માટે ભાજપે પ્રયાસો હાથ ધર્યા હતા. તેમને મનાવવા માટે કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડીયાએ ભરપુર પ્રયાસ કર્યા હતા. જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવેલું હતું કે, ‘સુબહ કા ભુલા શામ કો ઘર વાપસ આતા હે ઈસકો ભુલા હુવા નહીં કહેતે. આજે રાઘવજીભાઈ સ્વઘરે પાછા આવ્યા છે, તેને આનંદ સાથે આવકારુ છું. હવે શંકરસિંહ વાઘેલા પણ ભાજપમાં પરત ફરવાના છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ એવું કહ્યું હતું કે, કોંગ્રેસમાંથી કચરો ગયો. પણ એ બધો કચરો નથી કંચન છે.’ તેમ કહેતાં રૂપાણી સામે ભારે વિરોધ થયો હતો. ત્યારે રાઘવજીએ એવું કહ્યું હતું કે, મંથન કર્યા પછી મેં કોંગ્રેસ છોડી છે, ભાજપમાંથી કોંગ્રેસમાં ગયેલા લગભગ લોકો ભાજપમાં પાછા આવ્યા છે.

રાજ્યસભાની ચૂંટણી કારણ બની

ગુજરાતમાં 8 ઓગસ્ટ 2017મા રાજ્યસભાની ત્રણ બેઠકો માટે ચૂંટણી થવાની હતી. તે પહેલા ભાજપે પોતાના ત્રણેય ઉમેદવારને જીતાડવા માટે કોંગ્રેસના ધારાસભ્યોને કરોડો રૂપિયાથી ખરીદી કરવાનું ચાલું કરીને ગુજરાતના રાજરાણમાં ઉથલપાથલ મચાવી દીધી હતી. કોંગ્રેસના છ ધારાસભ્યોએ કોંગ્રેસમાંથી રાજીનામું આપતા કોંગ્રેસ માટે રાજ્યસભાની ચૂંટણી પ્રતિષ્ઠાનો સવાલ બની હતી. જામનગર ગ્રામ્યના કોંગ્રેસના ધારાસભ્ય રાધવજી પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાવા 29 જૂલાઈ 2017મા જાહેરાત કરી હતી. તેમણે વિવિધ પ્રશ્નો મુદ્દે કોંગ્રેસ હાઈકમાનને અનેક રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ તમામ રજૂઆતની અવગણના કરવામાં આવતા કોંગ્રેસ છોડવાનો નિર્ણય લીધો છે.

ખરીદી અટકાવવા ગુજરાત બહાર લઈ જવાયા

ભાજપે અહેમદ પટેલને હરાવવા માટે મતોની કરોડો રૂપિયાની ખરીદી શરૂ કરી હતી. તેથી બચવા માટે કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને સાણંદ અને રાજકોટ છૂપા સ્થળે રાખી બેંગલુરુ રિસોર્ટમાં લઈ ગયા હતા. ‘ઍરલિફ્ટ’ થયેલા ગુજરાત કોંગ્રેસના 3 ધારાસભ્યો પરત આવવા માંગતા હતા. કોંગ્રેસ ધારાસભ્યોના રાજીનામા મામલો, કોંગ્રેસે ચૂંટણી પંચમાં રજૂઆત કરી હતી. 8 ધારાસભ્યો બેંગલુરુ ગયા ન હતા. રાઘવજી પટેલે પછીથી કોંગ્રેસ છોડી હતી. જામનગરના ધારાસભ્યો રાઘવજીભાઇ પટેલ તથા હકુભા જાડેજા, પ્રદેશ નેતાઓના વલણ, વહેવાર અને વર્તનથી અને અવગણનાથી છેલ્લા છ માસથી નારાજ હતા. કોંગ્રેસના નેતાઓને મળીને તેમણે પક્ષની અંદરની વિગતો આપી હતી. રાજ્ય સભાની ચૂંટણીના આગલા દિવસે સાત ઓગસ્ટે ધારાસભ્યોને ગુજરાત પાછા તો લવાયા પણ આણંદના નિજાનંદ રિસોર્ટમાં લખાયા હતા.

રાઘવજી સાથે પક્ષાંતર કરનારા હાર્યા

ભાજપે 2014મા કોંગ્રેસના વિઠ્ઠલ રાદડિયા અને લીલાધર વાઘેલા સહિત કોંગ્રેસના સાત જાણીતા નેતાઓને ટિકિટ આપી સંસદસભ્ય બનાવ્યા હતા. નરહરી અમીનને ટિકિટ આપી ન હતી. લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની તમામ 26 બેઠકો મેળવી હતી. કોંગ્રેસ કરતાં 12 ટકા વધુ મત મેળવીને 59.1 ટકા મત વધુ મેળવ્યા હતા. ભાજપ 2017ની વિધાનસભાની ચૂંટણી ફરી જીતવા માટે કોંગ્રેસના 14 ધારાસભ્યનું પક્ષાંતર કરીને લાવ્યો હતો. જેમાં 11ને ટિકિટ આપી હતી. જેમાં માત્ર બે ઉમેદવારો જીત્યા હતા પણ પ્રધાન બનાવ્યા ન હતા. સત્તા મેળવવા તેમને લેવાયા પણ તેમને સત્તાથી દૂર રખાયા હતા. હારી જનારામાં રાઘવજી પટેલ પણ એક હતા. 2017મા વિધાનસભાની ચૂંટણીમાં પક્ષપલટાની ઉથલપાથલને કારણે 1.8 ટકા વોટ NOTAમા ગયા હતા. જ્યારે અપક્ષના વોટમાં દોઢ ટકા ઘટાડો થયો હતો. કોંગ્રેસને અઢી ટકાનો મત વધુ મળ્યા હતા. ભાજપ 99 ધારાસભ્યોને માંડ જીતાડી શક્યો હતો. હવે ફરી કોંગ્રેસના નેતાઓને ભાજપમાં લેવામાં આવી રહ્યાં છે ત્યારે આવેલાને ભાજપમાં પરેશાન કરાય છે અને નવાને લાલચ આપી લેવાય છે.

શંકરસિંહનો બળવો

ગુજરાતના કોંગ્રેસ ધારાસભ્યોમાં પ્રસરેલા અસંતોષ વચ્ચે 27 જુલાઈ 2017મા કોંગ્રેસના ત્રણ ધારાસભ્ય અને વિધાનસભાના દંડક બળવંતસિંહ રાજપૂત (સિદ્ધપુર), તેજશ્રીબેન પટેલ (વિરમગામ) અને પી.આઈ. પટેલ (વિજાપુર)એ પક્ષમાંથી રાજીનામા આપ્યા હતા. બીજા દિવસે છનાભાઈ ચૌધરી (વાસંદા) અને માનસિંહ ચૌહાણ (બાલસિનોર) એ રાજીનામા આપ્યા હતા. રાજ્યસભાનું પરિણામ જાહેર થતા જ ગુજરાત પ્રદેશ કોંગ્રેસે પક્ષમાંથી પક્ષના વ્હીપનો અનાદર કરીને ભાજપના ઉમેદવારને મત આપતા શંકરસિંહ વાઘેલા સહિત 14 ધારાસભ્યોને કોંગ્રેસે હાંકી કાઢ્યા છે. 6 ધારાસભ્યોએ રાજીનામા આપ્યા હતા, પણ કોંગ્રેસનો વ્હીપ 14ને મળ્યો હોવાથી તમામને સસ્પેન્ડ કરાયા હતા. જેમાં શંકરસિંહ વાઘેલા, તેમના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા, માણસાના અમિત ચૌધરી, સાણંદના કરમશી પટેલ, જસદણના ભોળા ગોહેલ, જામનગર ગ્રામ્યના રાઘવજી પટેલ, જામનગર ઉત્તરના ધમેન્દ્રસિંહ જાડેજા, ગોધરાના સી.કે.રાઉલ, સિધ્ધપુરના બલવંતસિંહ રાજપુત, વિજાપુરના પ્રહ્લલાદ પટેલ, વિરમગામના ડૉ. તેજશ્રી પટેલ, ઠાસરાના રામસિંહ પરમાર, બાલાસિનોરના માનસિંહ ચૌહાણ, વાંસદાના છના ચૌધરીના નામો હતા. શકુનિ તરીકે જાણીતા શંકરસિંહે બળવો કર્યો હતો. શંકરસિંહને મળીને રાઘવજી પટેલે કોંગ્રેસ છોડવાનો નિર્ણય લીધો હતો.

રાઘવજીના કારણે અહેમદ પટેલની જીત

જામનગરના ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ અને જસદણના ધારાસભ્ય ભોળાભાઈ પટેલ દ્વારા ભાજપના નેતા સમક્ષ મત બતાવતાં ચૂંટણીપંચે આ બંને ધારાસભ્યોના મત રદ કરતા અહેમદ પટેલનો વિજય થયો હતો. જસદણના ભોળાભાઈ ગોહિલ અને જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજી પટેલના મતદાન વખતે શક્તિસિંહે વિરોધ કર્યો અને પંચ સમક્ષ ફરિયાદ કરી હતી. તેની વીડિયો ક્લીપ ટીવીને આપી દેવામાં આવી અને ભાજપે મોટો ફટકો પડ્યો હતો. એ ક્લિપમાં પણ ભોળાભાઈ ભાજપના લોકોને મતપત્રક બતાવે છે, એવું જાહેર થયું હતું. છોટુભાઈ વસાવાએ અહેમદ પટેલને મત આપ્યો હતો. ભાજપે અહમદ પટેલ સામે બળવંતસિંહ રાજપૂતને ઊભા કરી દીધા હતા. અહેમદ પટેલને અંદાજ નહોતો કે ભાજપ બળવંતસિંહને અહેમદ પટેલને હરાવવા માટે ઊંટ તરીકે ઉપયોગ કરશે. કરમશી પટેલના પુત્ર બેંગલુરુ આવ્યા હતા અને કરોડો રૂપિયાની વાત થઈ હતી.

રાઘવજી પટેલ પર હુમલો થયો હતો

ધારાસભ્ય રાઘવજી પટેલ પર જામનગરના ફલ્લા નજીક હુમલો થયો હતો. જામનગર મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા દ્વારા ભાજપ સરકારના શાસનમાં ગુંડારાજ ચાલી રહ્યું હોવાનો આરોપ મૂકીને નિંદા કરી હતી.

રાઘવજી સામે ભ્રષ્ટાચારનો આરોપ

જામનગર જિલ્લાપંચાયતની સત્તા કોંગ્રેસ પાસે હતી. જેમાં રાઘવજીના ભાજપમાં જોડાણથી જિલ્લા પંચાયતના 3 સભ્યો પક્ષાંતર કરીને ભાજપમાં જવાનું પસંદ કર્યું હતું. રાઘવજીનું નામ કોલસા કૌભાંડ, શૌચાલય કૌભાંડમાં સતત આવતું રહ્યું છે.

23 સપ્ટેમ્બર 2013મા જામનગરના બેડી બંદર ખાતેથી વિદેશી કોલસા ચોરી કૌભાંડમાં ભાગતા ફરતા ધારાસભ્ય રાઘવજી પટેલના પુત્ર સહિત ચાર ભાગીદારોની ધરપકડ કરી હતી. એક નંબરના બે ટ્રકો એવા 16 ટ્રકો કબજે કર્યા હતા અને તેમના ડ્રાઈવર-ક્લીનરોની ધરપકડ કરી રૂ. 2.26 કરોડનો 147 ટન કોલસો કબજે કર્યો હતો. એક ટ્રક બેડી બંદર ખાતેથી વિદેશી કોલસો ભરી એસ્સાર જવા નીકળતો હતો તે જ સમયે તે જ નંબર ધરાવતો બીજો ટ્રક એનારી કોકમાંથી હલકી ગુણવતાવાળો કોલસો ભરીને નીકળતો. બંને ટ્રકો બાયપાસ પાસે ભેગા થતા બંનેની બિલ્ટીઓ બદલાઈ જતી એસ્સાર જવાનો વિદેશી કોલસો મોરબી ખાતે પહોંચી જતો અને ખંભાળીયાનો હલકી ગુણવતાવાળો કોલસો વિદેશી કોલસાની જગ્યાએ એસ્સાર કંપનીમાં પહોંચી જતો હતો.

ધારાસભ્યના પુત્ર સહિત 35 લોકો સામે ફરિયાદ નોંધી હતી, જેમાં માત્ર રૂ. 76 લાખની ઠગાઈ બતાડવામાં આવી હતી. કોલસા ચોરીનું આ કૌભાંડ જે ટ્રાન્સપોર્ટ કંપનીમાં ચાલતું હતું તે શિવકૃપા એન્ટરપ્રાઈઝના ચાર ભાગીદારો પૈકી જયેન્દ્ર ઉર્ફે બાબુ રાઘવજી મુંગરા કે જે ધારાસભ્ય રાઘવજી પટેલનો પુત્ર છે તેમજ પ્રદયુમનસિંહ માલુભા જાડેજા, કૃષ્ણસિંહ રતુભા જાડેજા અને ઈન્દ્રવિજયસિંહ બલવીરસિંહ ચુડાસમા તેમના નામ ખુલતા ફરાર થઈ ગયા હતા.

ભાજપના સંસદની આકરી ટીકા

28 નવેમ્બર 2015મા રાઘવજી પટેલે ભાજપના પોરબંદરના સાસંદ વિઠ્ઠલ રાદડીયાની આકરી ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે, કપાસના ભાવ રૂ. 1000થી વધુ આપવાનું વિઠ્ઠલ રાદડીયાનું લોલીપોપ વચન ખેડૂતોની મશ્‍કરી સમાન છે. તે માત્ર ચૂંટણીલક્ષી સ્‍ટંટ અને એક પ્રકારની લોલીપોપ જ છે. કોંગ્રેસના રાજમાં 1200થી 1500 ભાવ કપાસના રહ્યાં હતા.

રાઘવજી શંકરસિંહના હનુમાન

કોંગ્રેસને શંકરસિંહ વાઘેલાને હટાવી દીધા ત્યારે 13મી નવેમ્બર 1997મા મુખ્ય પ્રધાન દિલીપ પરીખે વિધાનસભામાં વિશ્વાસનો મત જીત્યો હતો. ભાજપ નબળો પુરવાર થયો હતો. રાષ્ટ્રીય જનતા પાર્ટીની આ સફળતા મેળવવામાં વાઘેલા અને પરીખના જે બે ચાર-પાંચ મુખ્ય સાથીઓ આધારે સ્તંભ બની ગયા હતા, તેમાંના એક રાઘવજી હંસરાજ પટેલ હતા. જૂથોને સાથે રાખવામાં, તેમની વચ્ચેના મતભેદો દૂર કરવામાં અને રાષ્ટ્રીય જનતા પાર્ટીમાં પરસ્પર વિશ્વાસનું વાતાવરણ જન્માવવામાં રાઘવજી પટેલે ઘણો મોટો ફાળો હતો. દિલીપ પરીખ પહેલાં શંકરસિંહ વાઘેલાની સરકારમાં વહિવટી પકડ જમાવવામાં તેમણે જહેમત ઉઠાવી હતી. પક્ષમાં જ તેમની સામે ટીકાઓ થઈ હતી. કટોકટીના ટાણે શંકરસિંહ દિલીપ પરીખના હનુમાન કરીકેની ભૂમિકા ભજવી હતી. ભાજપના અને રાજપાના નેતા નારસિંહ પઢિયાર અને ચીમનભાઈ શુક્લની નીતિ રીતિથી વ્યાકુળ રહેતા રાઘવજી પોતાનો વિરોધનો સૂર મોટાભાગે કેબિનેટ મીટિંગોમાં વ્યક્ત કરતા રહ્યા છે. પટેલ અને ક્ષત્રિયવાદની ચાલી આવતી જૂથબંધી ત્યારે પણ હતી અને આજે 20 નવેમ્બર 2018મા પણ તેઓ સામનો ભાજપમાં કરી રહ્યાં છે. જાતિવાદને બાજુ પર મૂકીને બધાને સાથે રાખીને રાજપાને તૂટતો બચાવવાના શંકરસિંહની ભરપુર મદદ કરી હતી.

કોણ છે રાઘવજી?

રાઘવજી હંસરાજભાઈ પટેલ જામનગરના ધ્રોળ તાલુકાના મોટા ઈંટાળા ગામે, તારીખ 1-6-1958ના દિને જન્મેલા. તેઓ બી.એ. એલએલબી ની પદવી ધરાવે છે. પોતે જિલ્લા પંચાયતના સક્રિય સભ્ય, નાણાં સમીક્ષા સમિતિના અધ્યક્ષ, તાલુકા યુવા કોંગ્રેસ પ્રમુખ, જિલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખ અને ધારાસભ્ય પછી શંકરસિંહની સરકારમાં પાણી પુરવઠા અને રમતગમત તથા યુવક સેવા વિભાગના પ્રધાન બન્યા હતા. તે મોટાઈ બતાવતાં નથી. સીધા, સાદા અને સરળ રાજકારણી છે. તેઓ અગાઉ જામનગર જિલ્લાની સહકારી તેમજ શૈક્ષણિક સંસ્થાઓમાં રહેતાં આવ્યા છે. ઈંટાળા દૂધ ઉત્પાદક સહકારી મંડળી, મોટા ઈંટાળા કેળવણી મંડળ મોટા ઈંટાળા તેલિબિયા ઉત્પાદક સહકારી મંડળી, નવભારત એજ્યુકેશન ટ્રસ્ટ, જેવી અનેક સંસ્થાઓના પ્રમુખ રહ્યાં છે.

મૂળ કોંગ્રેસના સભ્ય

તેઓ મૂળ કોંગ્રેસના છે પછી ભાજપમાં જોડાયા હતા. શંકરસિંહ સાથે બળવો કરીને તે ભાજપ છોડીને રાજપા - રાષ્ટ્રીય જનતા પાર્ટીમાં ગયા હતા. ફરી કોંગ્રેસમાં ગયા અને હવે તેઓ 2017થી ભાજપમાં છે. કોંગ્રેસમાં વર્ષો સુધી તેમણે ઉચ્ચ હોદ્દાઓ ભોગવ્યા હતા. ત્યારબાદ ભાજપમાં જોડાઈને ધારાસભ્ય બન્યા હતા. શંકરસિંહ વાઘેલાએ ભાજપમાં બળવો કરીને ખજૂરાહો કાંડ રચ્યું તે વખતે શંકરસિંહને ખુલીને સમર્થન આપ્યું હતું. ભાજપને તોડી પાડ્યો હતો. પહેલાં બળવા વખતે ભાજપે શંકરસિંહ સાથે સમાધાન કર્યું ત્યારે સમાધાનના ભાગરૂપે સુરેશ મહેતા મુખ્ય પ્રધાન બન્યા હતા અને તેમના પ્રધાન મંડળમાં રાઘવજીને રાજ્યકક્ષાના પ્રધાન શંકરસિંહે બનાવ્યા હતા. સુરેશ મહેતાની સરકારમાં તેઓ સાત મહિના પ્રધાન રહ્યાં હતા. ત્યારે લોકો શંકરસિંહને અને રઘવજીને નફરતથી જોતા હતા. ત્યારબાદ ફરી ભાજપ છોડી દીધું અને રાજપાની સરકારમાં પ્રધાન બન્યા હતા. રાઘવજી પ્રધાન બનવા માંગતા હતા. ભલે પછી ગમે તે પક્ષ હોય તેની સાથે તેને કોઈ લેવાદેવા ન હતી.

કેશુભાઈના અન્યાયનો બદલો લીધો

મુખ્ય પ્રધાન તરીકે કેશુભાઈ પટેલ આવ્યા ત્યારે સમગ્ર સૌરાષ્ટ્રમાં રાઘવજી પટેલ સૌથી વધુ મતે ચૂંટાવાનો વિક્રમ તે સમયે સ્થાપિત કર્યો હતો. જામનગર જિલ્લામાં સૌથી વરિષ્ઠ ધારાસભ્ય હોવા છતાં રાઘવજીને કેશુભાઈ પટેલે પ્રધાન બનાવ્યા ન હતા. તેથી કેશુભાઈને પછાડવા માટે તેમણે શંકરસિંહને ટેકો આપી ભાજપમાં બળવો કર્યો હતો. તેઓ રાજપા રચવામાં ભાગ ભજવ્યો અને શંકરસિંહ રાજપાને રાષ્ટ્રીય સ્તર પર લઈ જવા માંગતા હતા. કોંગ્રેસનો ટેકો મેળવીને સરકાર બનાવી ત્યારે કોંગ્રેસ અને રાજપાની નીતિઓ સાથે સુસંગત એવા કાર્યક્રમો નક્કી કરાયા હતા. ત્યારે અમરસિંહ ચૌધરીની કચેરી મુખ્ય પ્રધાનની બાજુની કચેરી પાસે શરૂ કરી હતી. રાજપા અને કોંગ્રેસ મળીને કુલ ધારાસભ્યોના 50 ટકા કરતાં એક ધારાસભ્ય ઓછા હતા. એપક્ષોનો ટેકો મળ્યો હતો.

ભાજપ ફરી સત્તા પર નહીં આવે

કોંગ્રેસે શંકરસિંહ વાઘેલાની સરકાર સામે ભ્રષ્ટાચારના ગંભીર આરોપો મૂકતી ફરિયાદ રાજ્યપાલને કરી હતી. 1 ડિસેમ્બર 1997મા રાઘવજી માનતાં હતા કે, ભાજપના જે લોકોએ સત્તા ભોગવી છે તેઓ હવે સત્તા વગર રહી શકતા નથી. ભાજપ ફરી સત્તા ઉપર નહીં આવે એવું તેઓ સ્પષ્ટ રીતે માનતાં હતા. તેમની વાત ખોટી પડી છે અને 2017મા સત્તા મેળવવા માટે તેઓ ફરી ભાજપમાં જાડાયા હતા અને 2018મા તેમણે જાહેર કર્યું કે હું સત્તા માટે ભાજપમાં ગયો હતો પણ કંઈ ન મળ્યું. 1997મા તેમણે એવું કહ્યું હતું કે, કોંગ્રેસ સાથે ચૂંટણી સમજૂતી થાય તો ભલે નહીંતર રાજપા એકલા હાથે ચૂંટણી લડશે અને ત્રીજા પક્ષ તરીકે આગળ આવશે. તેમની રાજકીય આગાહીઓ ક્યારેય સાચી પડી નથી. 2017મા તેમણે ફરી ભાજપમાં ગયા પણ ચૂંટણી હારી ગયા હતા.

(દિલીપ પટેલ)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp