રણમાં ભરાયેલું છે આટલા ફૂટ પાણી આ વર્ષે રણોત્સવ મોકૂફ

PC: counterview.net

કચ્છના રણોત્સવને મોકુફ રાખવામાં આવ્યો છે કારણ કે રણમાં પાણી ભરાઇ ગયું છે. આ વર્ષે પ્રવાસીઓને રણોત્સવ શરૂ થવાની રાહ જોવી પડશે. આ રણોત્સવ દર વર્ષે ઓક્ટોબરમાં શરૂ થતો હોય છે. આ વર્ષે 28મી ઓક્ટોબરે રણોત્સવ શરૂ થવાનો હતો અને 23મી ફેબ્રુઆરી 2020સુધી ચાલવાનો હતો પરંતુ કચ્છમાં આ વર્ષે થયેલા ભારે વરસાદના કારણે રણમાં પણ પાણી ભરાઇ ગયા છે તેથી પ્રશાસને રણોત્સવને મોકુફ રાખ્યો છે.

 કચ્છ જિલ્લા કલેકટર એમ નાગરાજને જણાવ્યું છે કે રણોત્સવનું બુકિંગ કર્યું હોય તો તેને પાછળ લઇ જવામાં આવે, કારણ કે જિલ્લા વહીવટી તંત્ર રણમાં પાણી હોવાથી પ્રવાસીઓને સુવિધા આપી શકે તેમ નથી. રણમાં દલદલ થયું છે અને પાણી ભરાયેલું છે તેવા સમયમાં પ્રવાસીઓને આ સ્થળે લઇ જવા સાનુકૂળ નથી.

 રાજ્યના ઉદ્યોગ વિભાગના અધિકારીએ કહ્યું હતું કે અમે રણોત્સવની તારીખ પાછી ઠેલીએ છીએ. જ્યાં સુધી કચ્છનું વહીવટી તંત્ર કહે નહીં ત્યાં સુધી નવી તારીખ જાહેર કરાશે નહીં. આ વર્ષે જે પ્રવાસીઓએ રણોત્સવ માટે બુકીંગ કરાવ્યું છે તેમને ટેન્ટ સિટીના સંચાલકો સાથે ઘર્ષણ થાય તેમ છે તેથી સરકારે ટેન્ટ સિટીના સંચાલકોને રણોત્સવની તારીખ ફેરવવાની સૂચના આપવામાં આવી છે.

 સૂત્રો કહે છે કે ડિસેમ્બરના ત્રીજા સપ્તાહ સુધી રણમાંથી પાણી દૂર થાય તેમ નથી તેથી આ વખતે રણોત્સવ માટે પ્રવાસીઓને ખૂબ ઓછો સમય મળશે. આ રણોત્સવને માર્ચ મહિના સુધી લંબાવવામાં પણ આવી શકે છે. જો કે ટેન્ટ સિટીના સંચાલકોએ કહ્યું છે કે અમે પ્રવાસીઓને નવેમ્બર મહિનામાં લાવવા સક્ષમ છીએ.

રણથી પરિચીત એક કર્મચારીએ કહ્યું છે કે રણમાં અત્યારે બે ફુટ સુધીનું પાણી છે. પાણી જ્યારે થોડું સુકાશે ત્યારે રણમાં દલદલ થયું હશે જેમાં પ્રવાસીઓ જઇ શકશે નહીં. રણોત્સવનું મુખ્ય બિન્દુ જ્યાં છે ત્યાં પણ બે ફુટ જેટલું પાણી જોવા મળે છે. એક કે દોઢ મહિનામાં આ પાણી સુકાય તેમ નથી.

ગયા વર્ષે કચ્છના રણોત્સવની મુલાકાત લેનારા લોકોની સંખ્યા એક લાખથી વધુ હતી. 32000 જેટલા પર્યટકો ટેન્ટ સિટીમાં રહ્યાં હતા અને રણોત્સવની મજા માણી હતી પરંતુ આ વર્ષે પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો થાય તેવી સંભાવના છે. ટેન્ટ સિટીના સંચાલકો કહે છે કે અમારી પાસે 15000 પ્રવાસીઓનું બુકીંગ થયું છે.

કચ્છમાં કોમર્શિયલ રીતે ટેન્ટ સિટી બનાવવામાં આવ્યા છે. જ્યારે પહેલો રણોત્સવ થયો હતો ત્યારે તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આ રણોત્સવ કરવાનું મુખ્ય કારણ સ્થાનિક લોકોનો રોજગારી આપવાનું છે. પ્રવાસીઓ કચ્છના ગામોમાં આવેલા ભૂંગામાં રહે અને ગામડાની મજા માણે. આ ભૂંગાના ગ્રામીણોને રોજગારી અને આર્થિક ઉપાર્જન મળી રહેશે. પરંતુ સમય જતાં રણોત્સવને સરકારે કોમર્શિયલ બનાવી દીધો છે અને સ્થાનિકોની રોજગારી છિનવાઇ છે. આજે મોંઘાદાટ ટેન્ટ સિટીમાં લોકોને પડાવ આપવામાં આવે છે.

 
 
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp