હવે અમદાવાદમાં રોડ રસ્તાની કામગીરી નહીં થાય, અનેક વિસ્તારમાં કામો અધૂરા રહી ગયા

PC: Youtube.com

અમદાવાદ શહેરમાં પણ રવિવારે મોડી સાંજે ભારે પવન સાથે વરસાદનું આગમન થયું હતું. વરસાદનું આગમન થયા બાદ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જે જે વિસ્તારમાં રોડ રસ્તા બનાવવાની કામગીરી ચાલુ હતી તે કામગીરી બંધ કરી દેવામાં આવી છે. તો બીજી તરફ હવેથી અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં કોઈ પણ જગ્યા પર રોડ બનાવવાની રસ્તો ખોદવાની કામગીરી કરવામાં આવશે નહીં. વરસાદ થતાં રસ્તોનું કામ બંધ કરવાનો નિર્ણય અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા એટલા માટે લેવામાં આવ્યો છે કે, જો ભારે વરસાદ થાય અને કામગીરી શરૂ કરવામાં આવે તો ઘણી વખત રસ્તો બેસી જાય અને લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે તો બીજી તરફ એવી પણ માહિતી મળી રહી છે કે, અમદાવાદ શહેરમાં 200 કરતાં વધુ રોડ બનાવવાના અથવા તો રિસરફેસ કરાવવાના બાકી છે અને હવે આ કામગીરી વરસાદ આવતા અટકી પડી છે. 

આ બાબતે અમદાવાદ મહાનગરપાલિકાના રોડ અને બિલ્ડીંગ કમિટીના ચેરમેન મહાદેવ દેસાઈ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, ચોમાસાની સિઝન શરૂ થઇ ગઇ છે ત્યારે રોડ બનાવવાની કામગીરી આજથી બંધ કરવામાં આવી છે અને હવે એ શહેરમાં જે રોડ રસ્તાનું કામ થશે તે નવરાત્રી પછી જ શરૂ કરવામાં આવશે. તો બીજી તરફ શહેરમાં કેટલા રસ્તાઓ બનાવવાના બાકી છે તે બાબતે સવાલ કરતા ચેરમેન અટકી ગયા હતા અને કહી દીધો હતો કે મારે જાણકારી મેળવવી પડશે. 

મહત્વની વાત છે કે, જૂન મહિનામાં ચોમાસાની સિઝન શરૂ થાય છે એટલે શહેરમાં રસ્તો બનાવવાની કે, ખોદકામ કરવાની કામગીરી જૂન મહિનાથી જ બંધ કરવામાં આવે છે પરંતુ અમદાવાદમાં આ વર્ષે વરસાદ ખેંચાયો હોવાના કારણે આજ સુધી કામગીરી શરૂ રાખવામાં આવી હતી પરંતુ રવિવારે સાંજે વરસાદ શહેરમાં પડ્યો હોવાથી કામગીરી બંધ કરવાનો નિર્ણય મનપા દ્વારા કરવામાં આવ્યો છે. એટલે હવે નવરાત્રી સુધી અમદાવાદ શહેરમાં એક પણ રસ્તાની કામગીરી કરવામાં આવશે નહીં. રસ્તો બનાવવાની કે, રીસરફેસ કરવાની કામગીરી હવે નવરાત્રી બાદ જ મનપા દ્વારા કરવામાં આવશે. એવી પણ માહિતી સામે આવી છે કે, શહેરમાં અનેક જગ્યા પર ડ્રેનેજ કે પછી પાણીની પાઇપલાઇનની કામગીરી પણ અધૂરી મૂકી દેવામાં આવી છે. આ કામગીરી અધુરી હોવાના કારણે અનેક વિસ્તારમાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp