મોરબીમાં ઉદ્યોગપતિની આંખમાં મરચું નાંખી ધોળે દિવસે કરાઈ 18 લાખ રૂપિયાની લૂંટ

PC: news18.com

રાજ્યમાં લૂંટારૂઓ બેફામ બન્યા છે. છેલ્લા કેટલાક સમયથી લૂંટની ઘટનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. મોરબીમાં બેંકમાં લૂંટની ઘટના થયાના ગણતરીના દિવસોમાં બે ઇસમોએ એક ઉદ્યોગપતિ પાસેથી લાખો રૂપિયાની લૂંટ ચલાવી હતી.

રિપોર્ટ અનુસાર, મોરબીના રવાપર રોડ પર આવેલા આલાપ પાર્કમાં રહેતા ઉદ્યોગપતિ હિતેશ સરડવા 18 લાખ રૂપિયાની રોકડ લઇને પોતાની ઈનોવા કારમાં સવારે સોમૈયા સોસાયટીમાં આવેલી તેમની જુની ઓફિસ પર આવ્યા હતા. ઓફિસ પર આવીને રસ્તાની સાઈડમાં કાર પાર્ક કરીને તેઓ પૈસા લઇને નીચે ઉતરી રહ્યા હતા તેવા બાઈક પર આવેલા બે અજાણ્યા ઇસમોએ હિતેશ સરડવાની આંખમાં મરચાની ભૂકી નાંખીને તેમની પાસે રહેલો પૈસાનો થેલો લઈને ફરાર થઇ ગયા હતા.

ધોળા દિવસે 18 લાખ રૂપિયાની લૂંટની ઘટનાની જાણ થતા પોલીસ ઉચ્ચ અધિકારી સહિતનો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. પોલીસે ઘટના સ્થળની આસપાસ લાગેલા CCTV કેમરાના ફૂટેજ ચેક કરતા તેમાં બે લૂંટારૂઓ પૈસાની બેગને લઇને જતા ઝડપાઈ ગયા હતા.

પોલીસે સમગ્ર ઘટનાને પગલે હિતેશ સરડવાની ફરિયાદ નોંધીને જુદી-જુદી ચાર ટીમો બનાવી લૂંટારૂઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે લૂંટારૂઓને પકડવા માટે અલગ-અલગ જિલ્લામાં નાકાબંધી પણ કરી છે.

ઉલ્લેખનીય છે કે, મોરબીમાં પાંચ દિવસ પહેલા 20 ફેબ્રુઆરીના રોજ બેંક ઓફ બરોડામાં લૂંટની ઘટના બનવા પામી હતી ત્યારે પાંચ દિવસના સમયમાં બીજી લાખો રૂપિયાની લૂંટની ઘટના પ્રકાશમાં આવતા ક્યાંક ને ક્યાંક મોરબી પોલીસની કામગીરી પર પણ સવાલો ઉઠી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp