પુલવામા આતંકી હુમલાના વિરોધમાં સૌરાષ્ટ્રના ટ્રાવેલ એજન્ટોની સર્જિકલ સ્ટ્રાઈક

PC: hohoholidays.in

કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલા પછી દેશના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો અલગ અલગ રીતે આ હુમલાનો વિરોધ કરી રહ્યા છે, કેટલાક લોકો રેલીઓ કરે છે, તો કેટલાક લોકો ધરણા પ્રદર્શન કરીને પોતાનો આક્રોશ વ્યક્ત કરે છે ત્યારે સૌરાષ્ટ્રના ટ્રાવેલ એજન્ટોએ આજથી પાંચ વર્ષ સુધી કાશ્મીરની ટૂર નહીં કરવાનો નિર્ણય લઈ પોતાનો વિરોધ દર્શાવ્યો છે.

આ સમગ્ર મામલે મળતી માહિતી અનુસાર, સૌરાષ્ટ્રના 200 જેટલા ટ્રાવેલ એજન્ટોએ આજથી કાશ્મીરની એક પણ ટૂર ન કરવાનો નિર્ણય લીધો છે અને તેમને પોતાના ટૂર પેકેજના બેનરમાંથી કાશ્મીર શબ્દ પણ દૂર કરી નાંખ્યો છે. આ સમગ્ર વાતની જાણ જમ્મુ-કાશ્મીરના ટૂર એજન્ટોને થઈ ત્યારે તેમણે સૌરાષ્ટ્રના એજન્ટોનો ફોન પર સંપર્ક સાધ્યો હતો અને કહ્યું હતું કે, સૌરાષ્ટ્રના દરેક પ્રવાસીઓની સુરક્ષાની ખાત્રી અમે આપીએ છીએ અને તેમને કશું જ નહીં થાય. ત્યારે સૌરાષ્ટ્રના એજન્ટોએ તેમની સાથે ફોન પર વાત કરવાની પણ મનાઈ કરી હતી અને કહ્યું હતુ કે, અમારે તમારી સાથે બિઝનેસ કરવો જ નથી.

આ બાબતે સૌરાષ્ટ્ર ટ્રાવેલ એજન્ટ એસોસિએશનના સેક્રેટરી અભિનવ પટેલે જણાવ્યું હતુ કે, આપણા દેશના એક-એક જવાનની જીંદગી અમુલ્ય છે. તેમના થકી જ દેશ ઉજળો છે. અમે ધંધામાં ખોટ ખાઈશું અને દેશના સૈનિકોની પડખે ઊભા રહીશું. તેમણે વધુમાં જણાવ્યું હતુ કે, જ્યાં સુધી આતંકી હુમલાઓ બંધ નહીં થાય ત્યાં સુધી અમે કાશ્મીરની એક પણ ટૂર કરીશું નહીં અને આ પ્રકારનો નિર્ણય પણ એક પ્રકારની દેશ ભક્તિ કહી શકાય.

ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્ર અને ગુજરાતભરમાંથી મોટાભાગના લોકો ઉનાળું વેકેશનમાં ફરવા માટે ઠંડા પ્રદેશ જેવા કે, શિમલા, કુલુ મનાલી, કેરળ અને કાશ્મીર જેવા સ્થળો જ પસંદ કરતા હોય છે અને આ સમયમાં 300 કરોડ જેટલો બિઝનેસ કાશ્મીરને માત્ર સૌરાષ્ટ્રના ટુરિસ્ટો તરફથી મળે છે.

14 ફેબ્રુઆરીના રોજ જમ્મુ-કાશ્મીરમાં થયેલા આતંકી હુમલાના વિરોધ માટે સૌરાષ્ટ્રના ટ્રાવેલ એજન્ટોએ પોતાના તમામ સભ્યોની એક બેઠક બોલાવી હતી અને આ બેઠકમાં પાંચ વર્ષ સુધી કોઈપણ ટૂર એજન્ટને કાશ્મીરના એક પણ પેકેજ બુક નહીં કરવા જણાવ્યું હતુ. આ નિર્ણયને 170 ટ્રાવેલ્સ એજન્ટોએ અને 70 રેલ્વે એજન્ટના સભ્યોએ સમર્થન આપ્યું હતુ અને આતંકી હુમલા સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp