પાકિસ્તાનનો દિગ્ગજ પણ બન્યો હાર્દિક પંડ્યાનો ફેન, પોતાની જ ટીમને કહી દીધી નબળી

PC: cricketaddictor.com

સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાના ચાહકો આમ તો સમગ્ર દુનિયામાં છે, ત્યારે હવે આ લિસ્ટમાં પાકિસ્તાનનો દિગ્ગજ અને પૂર્વ કેપ્ટન પણ સામેલ થઈ ગયો છે. પાકિસ્તાન માટે 500થી વધુ મેચ રમી ચુકેલા શાહિદ આફ્રિદીએ કહ્યું છે કે, તેમની હાલની ટીમમાં હાર્દિક પંડ્યા જેવા ફિનિશરનો અભાવ છે. હાર્દિક છેલ્લા કેટલાક સમયથી સારું પ્રદર્શન કરી રહ્યો છે.

પાકિસ્તાન ક્રિકેટ ટીમે એશિયા કપ 2022મા ફાઈનલ સુધીની સફર કરી છે, પરંતુ ફાઈનલ મેચમાં ટોસ જીતવા છતાં પણ શ્રીલંકા સામેની મેચ હારી ગઈ હતી. પાકિસ્તાનની ટીમ હાલમાં તેની યજમાનીમાં ઈંગ્લેન્ડની સામે સાત મેચોની T20 સીરિઝ રમી રહી છે. ચાર મેચ બાદ સીરિઝ હાલમાં 2-2થી બરાબરી પર છે. શાહિદ આફ્રિદીએ સાથે જ એમ પણ કહ્યું કે, પાકિસ્તાનના મિડલ ઓર્ડરમાં બેટ્સમેનોના પ્રદર્શનમાં સાતત્યનો અભાવ છે.

શાહિદ આફ્રિદીએ એક મીડિયા રિપોર્ટમાં જણાવ્યું હતું કે, આ પ્રકારનો ફિનિશર (હાર્દિક પંડ્યા) અમારી પાસે નથી. અમે વિચાર્યું હતું કે, આસિફ અલી અને ખુશદિલ આ કામને કરી શકશે, પણ એવું નહીં થયું. નવાઝ પણ એટલો સક્ષમ નથી અને શાદાબ ખાન પણ એટલો સક્ષમ નથી. આ ચાર ખેલાડીઓમાં ઓછામાં ઓછા બે ખેલાડીઓના પ્રદર્શનમાં સાતત્ય હોવું જોઈએ. શાદાબ જે દિવસે સારી બોલિંગ કરે છે, ત્યારે ટીમ પણ જીતી જાય છે.

હાર્દિક પંડ્યાએ ઓસ્ટ્રેલિયાની સામે હાલમાં T20 સીરિઝમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે મોહાલીમાં રમાયેલી સીરિઝની પહેલી T20 મેચમાં 71 રન બનાવ્યા હતા. બીજી T20માં તેની બેટથી માત્ર 9 રન બન્યા હતા, પરંતુ ત્રીજી T20 મેચમાં તેણે 25 રનની ઇનિંગ રમીને ટીમ ઈન્ડિયાને જીત અપાવી હતી. હૈદરાબાદમાં રમાયેલી આ મેચમાં જીતની સાથે ભારતે ઓસ્ટ્રેલિયાને T20 શ્રેણીમાં પણ 2-1થી હરાવી દીધું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે પણ ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાના વખાણ કર્યા હતા. રાવલપિંડી એક્સપ્રેસ તરીકે જાણીતા આ ભૂતપૂર્વ બોલર ઇંગ્લેન્ડમાં રમાયેલી મેચમાં હાર્દિકના પ્રદર્શનથી ઘણો પ્રભાવિત થયો હતો, અને તેણે પોતાની યુટ્યુબ ચેનલ પર પંડ્યાના વખાણ કરતાં કહ્યું હતું કે, તે ટીમ ઈન્ડિયાના બેલેન્સને પૂરું કરે છે. તે ફિટનેસના કારણે બે વર્ષ સુધી ટીમની બહાર રહ્યો. મને ખુશી છે કે હવે તે પોતાની ફિટનેસને લઈને ગંભીર છે. પહેલા તે ખૂબ જ બેદરકાર રહેતો હતો, પરંતુ હવે તેનો ફોકસ ઘણો વધી ગયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp