સુરતમાં VNSGUમાં લાગેલા ખાનગી યુનિવર્સિટીના બેનરો ફાડી વિદ્યાર્થીઓએ કર્યો વિરોધ

PC: Youtube.com

સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખ છાત્ર યુવા સંઘર્ષ સમિતિનો વિરોધ સામે આવ્યો છે. સરકારી કોલેજમાં ખાનગી યુનિવર્સિટીની જાહેરાત કરતા બેનર લગાવવામાં આવ્યા હોવાનો મામલો છાત્ર યુવા સંઘર્ષ સમિતિના ધ્યાન પર આવતા આ મામલે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. મહત્વની વાત છે કે, છાત્ર યુવા સંઘર્ષ સમિતિ દ્વારા આ બાબતે પાંચ દિવસ પહેલા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનું ધ્યાન દોરવામાં આવ્યું હતું પરંતુ બેનર હટાવવા બાબતે યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા કોઈપણ પ્રકારના પગલા લેવામાં આવ્યા ન હતા. તેથી આ મામલે છાત્ર યુવા સંઘર્ષ સમિતિ દ્વારા યુનિવર્સિટીમાં જે ખાનગી યુનિવર્સિટીના બેનર લગાવવામાં આવ્યા હતા તે બેનરોને ફાડીને વિરોધ દર્શાવવામાં આવ્યો હતો અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાંથી ખાનગી યુનિવર્સિટીની જાહેરાત કરતા તમામ બેનરો હટાવી દેવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીના ગેટ પર જે બેનરો લાગ્યા હતા તે પણ ફાડી નાખ્યા હતા. 

છાત્ર યુવા સંઘર્ષ સમિતિ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, આ મામલે અમે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશો અને રજૂઆત કરી હતી પરંતુ તેમના પેટનું પાણી પણ હલતું નથી અને કયા કારણોસર બેનરો લગાડવામાં આવ્યા છે તે પણ ચોખવટ કરવામાં આવી નથી. એટલે એવું લાગી રહ્યું છે કે, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ખાનગી યુનિવર્સિટીના બેનર લગાવવાની છૂટ આપવામાં આવી હોય સરકારી કોલેજના વિદ્યાર્થીઓને ખાનગી કોલેજમાં પ્રવેશ લેવા માટે ફરજ પાડવાનો ઈરાદો હોય તેઓ આ સ્થિતિ પરથી દેખાઈ રહ્યું છે. 

છાત્ર યુવા સંઘર્ષ સમિતિના મંત્રી વિવેક પાટડિયાએ કહ્યું કે, સરકાર તમામ ક્ષેત્રે ખાનગીકરણ કરી રહી છે. તેવામાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી જૂની શૈક્ષણિક સંસ્થાઓને અલગ કરીને ખાનગીકરણ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. હવે હદ તો ત્યારે થાય છે કે, સરકારી કોલેજોમાં અન્ય યુનિવર્સિટીના બેનર લગાવીને તેની જાહેરાતો કરવામાં આવી રહી છે. એટલે કે ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે આ મોટું સંકટ ઊભું કરવાનો પ્રયાસ છે. 

છાત્ર યુવા સંગઠન સમિતિ દ્વારા એવું પણ કહેવામાં આવ્યું હતું કે, સરકારી કોલેજમાં જે કોર્સ 15થી 20 હજાર રૂપિયાની ફીમાં થાય છે. તે કોર્સ ખાનગી કોલેજમાં કરવા માટે 75 હજાર કે તેથી વધારે ફી ભરવી પડે છે. અમે વિદ્યાર્થીઓના હિત માટે લડતા રહીશું અને હવે સરકારી કોલેજમાં કોઈ પણ ખાનગી કોલેજના બોર્ડ નહીં લાગવા જોઈએ. જો આ બોર્ડ લાગશે તો તે બોર્ડને અમે ઉખાડીને ફેંકી દઈશું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp