કોંગ્રેસમાં આ જ બાકી હતું-ગુજરાત ઇન્ટુકનો પ્રમુખ હવે સુરત પોલીસ નક્કી કરશે!!!

PC: khabarchhe.com

સુરતમાં કોંગ્રેસના બે નેતાઓ સામસામે આવી ગયા છે. એક નેતાઓ બીજા નેતા સામે વકીલ મારફતે પોલીસને ફરિયાદ કરી તેણે ફ્રોડ કર્યો હોવાથી પગલા લેવાની રજૂઆત કરી છે.

સુરત કોંગ્રેસમાં ફરી એકવાર ઘમાસાણ થઈ રહ્યું છે. આ વખતે મુખ્ય બોડીમાં નહીં પણ કોંગ્રેસની કહેવાતી પાંખ ઈન્ટુક (ઈન્ડિયન નેશનલ ટ્રેડ યુનિયન કોંગ્રેસ)ના ગુજરાત પ્રમુખની નિયુક્તિ મામલે સુરત કોંગ્રેસના બે ફાંટાઓએ તલવાર મ્યાન બહાર કરી છે. દક્ષિણ ગુજરાતના પ્રવક્તા તરીકે પોતાના પ્રસ્થાપિત કરનાર સંજય પટવાએ ઈન્ટુકના નેશનલ પ્રમુખ સ્વામીનાથન જયસ્વાલના નામનો પત્ર જારી કરી પોતાના ગુજરાત ઈન્ટુકના પ્રમુખ નિમ્યા હોવાની ઘોષણા કરી હતી. તો બીજા દિવસે બીજા નેતા નૈષધ દેસાઇએ આ પત્ર ખોટો હોવાનું અને નેશનલ પ્રમુખ તરીકે હજી સંજીવા રેડ્ડી હોવાનું અને તેઓ આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન, ભારત સરકાર, અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ એમ ત્રણેયની વેબસાઈટ પર તેઓ તેમજ વાસ્તવિક રીતે પ્રમુખ યથાવત હોવાનું જાહેર કર્યું હતું.

જોકે, સંજય પટવા પોતે પ્રમુખ હોવાનું કહી આખા ગુજરાતમાં નિમમૂંકો પણ આપી રહ્યા હતા અને હોદ્દાની રૂએ ઉદ્યોગો અને સરકારમાં રજૂઆતો પણ કરી રહ્યા હતા. જેની સામે નૈષધ દેસાઇ સતત સોશિયલ મીડિયા પર પોતે પ્રમુખ હોવાના પુરાવા આપતા રહ્યા હતા. આ બન્નેની લડાઇ હાઇકમાન્ડ તરફથી રોકવામાં આવી નહીં. ભલે પાર્ટીની આબરૂના ધજાગરા થાય.

અંતે નૈષધ દેસાઇએ થાકીને પોલીસમાં ફરિયાદ કરી છે. એડવોકેટ ઝમીર શેખ બાબતે તેમણે સુરત પોલીસને રજૂઆત કરી છે કે સંજય પટવા ખોટા ડોક્ટુમેન્ટને આધારે ઇન્ટુકના પ્રમુખ બની ગયા છે. તેની તપાસ કરવામાં આવે અને પગલા લેવામાં આવે.

કોંગ્રેસની હાલત ગુજરાતમાં હાલ એવી છે કે કોઇ ધણીધોરી દેખાતું નથી. ગુજરાતના નેતાઓએ પણ નક્કી કરી શકતા નથી કે કોનું પદ શું છે. કદાચ આગામી દિવસોમાં એવો પણ સમય આવે કે ગુજરાત કોંગ્રેસના બે પ્રમુખો હોય અને તે નક્કી કરવા માટે પણ ગુજરાત પોલીસે તપાસ શરૂ કરવી પડે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp