ગુજરાતના ખેડૂતોને હવે દિવસે વીજળી મળવાથી રાતના ઉજાગરા બંધ થશેઃ સી.આર.પાટીલ

PC: facebook.com

ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે આજરોજ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વરદ હસ્તે તેમજ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવેલ 'કિસાન સૂર્યોદય યોજના', યુ.એન.મહેતા હોસ્પિટલને સંલગ્ન દેશની સૌથી મોટી હૃદયરોગ હોસ્પિટલ, અને વિશ્વના સૌથી મોટા ગિરનાર ટેમ્પલ રોપવેના ઇ-લોકાર્પણને આવકારતા જણાવ્યું હતું કે, આજે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ઈ-લોકાર્પિત થયેલા ત્રણેય પ્રકલ્પો ઐતિહાસિક છે, ખેડૂતોનું સન્માન અને ગુજરાતવાસીઓની પ્રતિષ્ઠા વધારતા પ્રકલ્પો છે.

સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે કેન્દ્રની કોંગ્રેસ સરકારે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજના, ગિરનાર પ્રોજેક્ટ સહિતની મહત્વકાંક્ષી યોજનાઓ આડે રોડા નાખી ગુજરાતના વિકાસને અટકાવવાનું પાપ કર્યું હતું. પરંતુ નરેન્દ્ર મોદી જ્યારથી દેશના પ્રધાનમંત્રી બન્યા છે ત્યારથી ગુજરાતના વિકાસ માટે એક પછી એક વિવિધ યોજનાઓને મંજૂરી આપી રહ્યા છે ત્યારે, હું ગુજરાતની જનતા વતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરી તેમને અભિનંદન પાઠવું છું.

સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, ભાજપાની સરકાર એ ખેડૂતોની સરકાર છે, 'કિસાન સૂર્યોદય યોજના' ખેડૂતો માટે આશીર્વાદરૂપ સિદ્ધ થશે તેમાં કોઈ શંકા ને સ્થાન નથી. જગતના તાત એવા રાજ્યના ખેડૂતોને હવે દિવસે વીજળી મળવાથી રાતના ઉજાગરા બંધ થશે, કડકડતી ઠંડી અને વરસાદમાં રાતે પડતી મુશ્કેલીઓનો અંત આવશે, ખેડૂત હવે દિવસે કામ અને રાત્રે આરામ કરશે. સૌર ઉર્જાથી દિવસે ઉતપન્ન થતી વીજળીનો દિવસે જ વપરાશ થશે. આજરોજથી જ ગીર સોમનાથ, જૂનાગઢ અને દાહોદ જિલ્લાના 1 હજારથી વધુ ગામડાઓના ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે અને આગામી 3 વર્ષમાં સમગ્ર રાજ્યના ગામડાઓને આ યોજનામાં આવરી લેવામાં આવનાર છે ત્યારે હું રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને ખેડુતહિતનો વધુ એક ઐતિહાસિક નિર્ણય કરવા બદલ અભિનંદન પાઠવું છું.

સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, દેશની સૌથી મોટી હૃદયરોગની હોસ્પિટલ અને વિશ્વનું સૌથી મોટું ગિરનાર ટેમ્પલ રોપવે હવે ગુજરાતમાં છે, આ દરેક ગુજરાતી માટે ગૌરવ લેવાની બાબત છે. આગામી સમયમાં ચોક્કસપણે હૃદયરોગની આ સૌથી મોટી હોસ્પિટલમાં રાજ્યની જનતાને અદ્યતન સારવાર મળી રહેશે, આ હોસ્પિટલ રાજ્યની આરોગ્ય સેવામાં મોટું બળ પૂરું પાડશે તેમજ ગિરનારમાં હવે રોપવે કાર્યરત થવાથી ગુજરાતમાં પ્રવાસન ક્ષેત્રને વધુ વેગ મળશે, સહેલાણીઓની સંખ્યા વધશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp