દરેક પશુપાલકને દૂધની ગુણવત્તા મુજબ ભાવ મળે એ તેમનો અધિકાર છેઃ મંત્રી મુકેશ પટેલ

PC: khabarchhe.com

સરકારે જણાવ્યું કે, શ્વેતક્રાંતિને પ્રોત્સાહન આપવાના હેતુ સાથે કૃષિ, ઉર્જા અને પેટ્રો કેમિકલ્સ રાજ્યમંત્રી મુકેશ પટેલના હસ્તે ઓલપાડ તાલુકાના કોબા ગામે કોબા દૂધ ઉત્પાદક સહકારી મંડળી અને સુમુલ ડેરીના સંયુક્ત પ્રયાસોથી રૂ.11.74 લાખના ખર્ચે નવનિર્મિત 5000 લીટર સંગ્રહ ક્ષમતા ધરાવતા BCU (બલ્ક ચિલીંગ યુનિટ) પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં મંત્રી મુકેશ પટેલે જણાવ્યું હતું કે, ’મહિલાઓને પશુપાલનના પરિશ્રમી વ્યવસાયમાં મદદરૂપ થવા તેમજ દૂધને શહેરીજનો સુધી સુરક્ષિત અને ઝડપભેર પહોંચાડવાના હેતુ સાથે સહકારી મંડળી અને સુમુલે બી.સી.યુ. પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે. ગ્રામ્ય સ્તરે સહકારી દૂધ મંડળીઓ મહિલાઓ અને ગ્રામીણો માટે જીવાદોરી સમાન છે.’ રાજ્યના દરેક પશુપાલકને દૂધની ગુણવત્તા મુજબ ભાવ મળે એ તેમનો અધિકાર છે. રાજ્ય સરકાર વર્ષ 2025 સુધી પેટ્રોલિયમના 20% ઈથેનોલનો ઉપયોગ કરશે. જે મકાઈ અને શેરડીમાંથી બનશે. આ ઉપરાંત તેમણે ખેડૂતોને ખેતીમાં આધુનિકીકરણ અપાવીને કૃષિ ઉત્પાદનમાં વૃદ્ધિ કરવા મંત્રીએ આહવાન કર્યું હતું.

આ વેળાએ સુમુલ ડેરીના ચેરમેન માનસિંહ પટેલે જણાવ્યું હતું કે, સુરત શહેરમાં ગત 70 વર્ષથી કાર્યરત સુમુલ ડેરી દૈનિક 12 લાખ લીટર દૂધ, 2 લાખ લીટર છાશ, 5 ટન પનીર અને દુધમાંથી બનતી મીઠાઈઓ નાગરિકો સુધી પહોંચાડે છે. ખેડૂતોએ રાજ્ય સરકારની અને સુમુલની વિવિધ યોજનાઓ તેમજ સગવડોનો સદુપયોગ કરી વિકાસ સાધવો જોઈએ. પશુઓને નિયમિતપણે યોગ્ય આહાર આપીને પશુપાલનમાં પ્રગતિ સાધવા સાથે દૂધના ઉત્પાદનમાં વૃદ્ધિ કરી શકાશે. ડેરી અને ગ્રામજનો પશુપાલન ક્ષેત્રે ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી.

ઉલ્લેખનીય છે કે, વર્ષ 1986 માં કોબા દૂધ મંડળી રજિસ્ટર્ડ થતા કોબા, પારડી કોબા, થોથબ, કસાદ, સરસાણા એમ કુલ પાંચ ગામોનું દૈનિક 500 લીટર દૂધ કોબા સહકારી મંડળીના વાહન દ્વારા સુમુલ ડેરીમાં મોકલવામાં આવતું હતું. જેમાં સતત વધારો થતા 5000 લીટરના બી.સી.યુ. પ્લાન્ટનું લોકાર્પણ કરાયું. જેના થકી 5000 લીટર દૂધને એકત્ર કરવાંમાં આવે છે. પ્લાન્ટની સુવિધા ઊભી થવાથી દૂધ ઠંડુ રાખવા, દૂધ ફાટવાના, બગડવાના તેમજ દૂધ વાહતુક જેવા સમસ્યાનું નિરાકરણ થશે.

 આ કાર્યક્રમમાં સુમુલ ડેરીના ડાયરેક્ટર જયેશ પટેલ, ઓલપાડ તાલુકા આઝાદ દિન સ્મારક કેળવણી મંડળના પ્રમુખ ધનસુખ પટેલ, ટકારમા વિભાગ દૂધ મંડળીના પ્રમુખ નિમેશ પટેલ સહિત કોબા ગ્રામ પંચાયતના સભ્યો, ગ્રામજનો, મંડળીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp