PMએ ગુજરાતમાં કિસાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ કર્યો, જાણો ખેડૂતોને શું ફાયદો થશે

PC: PIB

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ખેડૂતોને 16 કલાક વીજળી પૂરવઠો આપવા માટે કિસાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ કર્યો છે. કિસાન સૂર્યોદય યોજના અંગે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, અગાઉ મોટાભાગના ખેડૂતોને સિંચાઇ માટે ફક્ત રાત્રિના સમયમાં જ વીજળી મળતી હતી અને તેમણે આખી રાત ઉજાગરા કરવા પડતા હતા. ગિરનાર અને જુનાગઢમાં ખેડૂતોને રાત્રે જંગલી પ્રાણીઓનો ભય પણ ખૂબ સતાવતો હતો. કિસાન સૂર્યોદય યોજના હેઠળ હવે ખેડૂતોને સવારે 5 થી રાત્રે 9 વાગ્યા દરમિયાન 3 તબક્કામાં વીજળી મળશે અને તેમના જીવનમાં એક નવી પરોઢનો અરૂણોદય થશે.

સંબોધન કરતા તેમણે જણાવ્યું હતું કે, સામાન્ય માણસના દૃઢ સંકલ્પ અને સમર્પણ ભાવના માટે ગુજરાત હંમેશા દૃષ્ટાંતરૂપ મોડેલ રહ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, સુજલામ-સુફલામ અને સૌની યોજના પછી, કિસાન સૂર્યોદય યોજના દ્વારા ગુજરાતે ખેડૂતોની જરૂરિયાતોને પૂરી કરવાના દિશામાં વધુ એક સીમાચિહ્ન સ્થાપિત કર્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, ગુજરાતમાં વીજક્ષેત્રે વર્ષોના સમયગાળામાં થયેલું કામ આ યોજનાઓ માટે આધારરૂપ બન્યું છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, વીજળીના ઉત્પાદનથી માંડીને તેના વીજ પરિવહન સુધીના બધા જ કાર્યો મિશન મોડ પર કરવામાં આવ્યા છે જેથી રાજ્યમાં વીજક્ષમતામાં વધારો કરી શકાય. તેમણે કહ્યું કે, 2010માં જ્યારે પાટણમાં સૌર ઉર્જા પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ત્યારે કોઇએ કલ્પના પણ નહોતી કરી કે, ભારત સમગ્ર દુનિયાને એક સૂર્ય, એક વિશ્વ, એક ગ્રીડનો માર્ગ ચિંધશે. પ્રધાનમંત્રીએ એ તથ્યની પ્રશંસા કરી હતી કે, છેલ્લા કેટલાક વર્ષોમાં સૌર ઉર્જામાં થયેલી પ્રગતિના કારણે ભારત સમગ્ર દુનિયામાં પાંચમા ક્રમે આવી ગયું છે અને હજુ સતત પ્રગતિ કરી રહ્યું છે.

વર્તમાન પ્રણાલીમાં કોઇપણ પ્રકારે ખલેલ પાડ્યા વગર સંપૂર્ણપણે નવી વીજ પરિવહન ક્ષમતા તૈયાર કરીને આ કામ પાર પાડવામાં ગુજરાત સરકારે કરેલા પ્રયાસોની પણ પ્રધાનમંત્રીએ પ્રશંસા કરી હતી. આ યોજના હેઠળ, અંદાજે 3500 સર્કિટ કિલોમીટર નવી વીજ પરિવહન લાઇનો આગામી 2-3 વર્ષમાં પાથરવામાં આવશે અને આગામી દિવસોમાં એક હજારથી વધુ ગામડાંઓમાં તેનો અમલ કરવામાં આવશે જેમાંથી મોટાભાગના ગામડાં આદિવાસી વસ્તી ધરાવતા વિસ્તારો છે. તેમણે કહ્યું હતું કે, જ્યારે સમગ્ર ગુજરાતને આ યોજના અંતર્ગત વીજ પૂરવઠો મળશે ત્યારે, આનાથી લાખો ખેડૂતોના જીવનમાં પરિવર્તન આવશે.

પ્રધાનમંત્રીએ ખેડૂતોના રોકાણમાં ઘટાડો કરીને અને તેમને મુશ્કેલીઓમાંથી બહાર લાવીને તેમની આવક બમણી કરવા માટે, બદલાતા સમય સાથે અવિરત કામ કરવા માટે અનુરોધ કર્યો હતો. તેમણે ખેડૂતોની આવક બમણી કરવા માટે સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી વિવિધ પહેલ જેમ કે, હજારો FPOની રચના, નીમ કોટિંગ યુરિયા, સોઇલ હેલ્થ કાર્ડ અને અન્ય શરૂ કરવામાં આવી સંખ્યાબંધ પહેલનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, કુસુમ યોજના, FPO, પંચાયતો અને તમામ આવા સંગઠનોને વેરાન જમીન પર નાના નાના સોલર પ્લાન્ટ્સ સ્થાપવા માટે સહાયતા કરવામાં આવે છે અને ખેડૂતોના સિંચાઇના પંપ પણ સૌર ઉર્જા સાથે જોડવામાં આવી રહ્યાં છે. તેમણે ઉમેર્યું હતું કે, આનાથી ઉત્પન્ન થયેલી વીજળીનો ઉપયોગ ખેડૂતો દ્વારા સિંચાઇની કામગીરી માટે કરવામાં આવે છે અને તેઓ બાકી વધેલી વીજળી વેચી પણ શકે છે.

પ્રધાનમંત્રીએ ખાસ નોંધ્યુ હતું કે, વીજળીની સાથે-સાથે ગુજરાતે સિંચાઇ અને પીવાલાયક પાણીના ક્ષેત્રમાં પણ પ્રશંસનીય કામગીરી કરી છે. તેમણે કહ્યું હતું કે, એક સમયે લોકોને પાણી મેળવવા માટે કેટલોય પરિશ્રમ કરવો પડતો હતો અને મુશ્કેલીઓ વેઠવી પડતી હતી પરંતુ આજે, એવા જિલ્લાઓ સુધી પણ પાણી પહોંચી ગયું છે જ્યાં અગાઉ કોઇએ પાણીની પહોંચવાની કલ્પના સુદ્ધા નહોતી કરી. તેમણે ગુજરાતમાં રણપ્રદેશો સુધી પણ પાણી પહોંચાડવામાં મદદરૂપ થનારી સરદાર સરોવર પરિયોજના અને વોટર ગ્રીડ જેવી પરિયોજનાઓ માટે ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે નોંધ્યું હતું કે, ગુજરાતમાં લગભગ 80 ટકા પરિવારોને પાઇપલાઇનના માધ્યમથી પીવાનું પાણી પહોંચી રહ્યું છે અને ટૂંક સમયમાં જ ગુજરાત એવું રાજ્ય બની જશે જ્યાં પ્રત્યેક પરિવાર સુધી પીવાનું પાણી પાઇપલાઇનના માધ્યમથી પહોંચતું હોય. તેમણે કિસાન સૂર્યોદય યોજનાનું ઉદ્ઘાટન થતા, ખેડૂતોને ટીપે ટીપે વધુ પાકના મંત્રનો પુનરુચ્ચાર કરવાની અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, દિવસના સમયે વીજળી પૂરી પાડવાથી ખેડૂતોને સુક્ષ્મ સિંચાઇ ઉભી કરવામાં મદદ મળશે અને કિસાન સૂર્યોદય યોજનાથી રાજ્યમાં સુક્ષ્મ સિંચાઇમાં વિસ્તરણ કરવામાં પણ મદદ મળી રહેશે.

ખેડૂતોને સિંચાઇ માટે દિવસના સમય દરમિયાન વીજળી પૂરી પાડવા માટે ગુજરાત સરકારે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં તાજેતરમાં 'કિસાન સૂર્યોદય યોજના'ની જાહેરાત કરી હતી. આ યોજના હેઠળ, ખેડૂતોને સવારે 5થી રાત્રે 9 વાગ્યા દરમિયાન વીજ પૂરવઠો પ્રાપ્ત થશે. રાજ્ય સરકારે આ યોજના હેઠળ વર્ષ 2023 સુધીમાં વીજ પરિવહન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવા માટે રૂપિયા 3500 કરોડનું બજેટ ફાળવ્યું છે. કુલ 3490 સર્કિટ કિલોમીટર (CKM) સાથે 234 '66- કિલોવોટ'ની વીજ પરિવહન લાઇનો આ પરિયોજના અંતર્ગત નાંખવામાં આવશે તેમજ 220 KV સબસ્ટેશનો ઉભા કરવામાં આવશે.

દાહોદ, પાટણ, મહિસાગર, પંચમહાલ, છોટા ઉદેપુર, ખેડા, તાપી, વલસાડ, આણંદ અને ગિર-સોમનાથને આ યોજના હેઠળ વર્ષ 2020-21 માટેની કામગીરીમાં સમાવી લેવામાં આવ્યા છે. બાકીના જિલ્લાઓને 2022-23 સુધીમાં તબક્કાવાર આવરી લેવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp