વલસાડના ખેડૂતે વિકસાવેલી કેરીની લોકપ્રિય વેરાયટી ગ્લોબલ વોર્મિંગ સામે હાંફી ગઇ

PC: khabarchhe.com

 

58 વર્ષના ખેડૂત મોહનભાઈ પટેલ વલસાડના પાલણ ગામમાં રહીને તેમણે 1992માં કેરીની વનલક્ષ્મી નામની અનોથી જાત શોધી હતી. ત્યારથી લઈને આજ સુધી તેમણે 1 લાખ જેટલી આંબાની સ્ટીક લોકોને આપી છે. જેનો રંગ વનરાજ જેવો આકર્ષક છે. લાલ રંગ છે. સ્વાદમાં મીઠી છે. તેની ટકાઉ શક્તિ ઘણી સારી છે તેથી વિદેશમાં નિકાસ સારી થાય છે. તેમણે પોતાના ખેતરમાં આ જાતની કલમો બનાવીને 50 આંબા તૈયાર કર્યા હતા. મોહનભાઈ પટેલે આફૂસનો વિકલ્પ પૂરો પાડે તેવી વનલક્ષ્મી કેરીની નવી જાત વિકસાવી છે.

તેઓએ ઓસ્ટ્રેલિયાનું એક સામાયિક વાંચેલું જેમાં લખેલું કે વિજ્ઞાનીઓ એક એવી કેરીની જાત વિકસાવવા માંગે છે કે જેને આંબા પરથી ઉતાર્યા બાદ લાંબો સમય સુધી ટકી રહે. તેનો સારો રંગ હોય. જેથી તેની નિકાસ થઈ શકે. ત્યાર પછી મોહનભાઈએ વલસાડ અને આસપાસ તેઓ નવી જાતની કેરી કે આંબા પર સતત નજર રાખતાં હતા.

વાપીથી જાત મળી

તેમાં તેમને એક દિવસ વલસાડની એક નર્સરીમાં આવો આંબાનો રોપો જોયો. તે રોપને લાવીને 1992માં પોતાના ખેતરમાં રોપ્યો હતો. તેના પર સતત 4-5 વર્ષ સુધી દેખરેખ રાખીને તેનો ઉછેર કર્યો હતો. તે આફૂસ જેવી દેખાવમાં હતી. પછી તેનું નામ વનલક્ષ્મી રાખ્યું હતું. કોઈ ક્રોસ કરેલી કે હાઈબ્રિડ વેરાયટી નથી. તે મૂળ દેશી જાતની કેરી છે. જે તેમને વલસાડ નજીકના વાપીની પટેલ નર્સરીમાંથી મળી હતી.

કૃષિ વિજ્ઞાનીઓનું ધ્યાન પડ્યું

1994માં 50 કલમો બનાવી ને વાવી. સારો બાગ બનાવ્યો હતો. આ વાતનો ખ્યાલ નવસારી કૃષિ વિશ્વ વિદ્યાલયના વિજ્ઞાનીઓને આવ્યો હતો. વિજ્ઞાનીઓ તેમના ખેતર પર આવ્યા અને તેઓએ સતત 3 વર્ષ સુધી આ નવી જાતની કેરીનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારે વિજ્ઞાનીઓને લાગ્યું કે આ નવી જાત છે અને તે બીજા બધા કરતાં ચઢીયાતી છે. ટકાઉ છે. આમ નવી જાત હોવાનું લાગતાં નવસારી કૃષિ વિશ્વ વિદ્યાલયના વિજ્ઞાનીઓએ બધી વિગતો લખનૌની દેશની સૌથી મોટી હોર્ટીકલ્ચર સંસ્થાનને મોકલી હતી. ત્યાર પછી મોહનભાઈની તૈયાર કરેલી જાત જાણીતી બની હતી.

એવોર્ડ

જેના કારણે મોહનભાઈને આજ સુધી 4 એવોર્ડ આ જાતના સંવર્ધન માટે મળેલા છે. મોહનભાઈની વનલક્ષ્મી વેરાઈટી લખનૌમાં વિજ્ઞાનીઓની પેનલ દ્વારા પસંદ કરવામાં આવી હતી.  ખજુરી (પાલણ) ના મોહનભાઈ પટેલને લખનૌ ખાતે કેરીના ઉત્પાદનમાં વધારા અંગે લખનૌ ખાતે યોજાયેલા પરિસંવાદમાં કેન્દ્ર સરકારના બાગાયત ચીફ સેક્રેટરી એચ.પી.સિંગે એવોર્ડ આપ્યો હતો. સેમિનાર સોસાયટી ઓફ હોર્ટિકલ્ચર અને સેન્ટ્રલ ઈન્સ્ટીટ્યુટ ફોર હોર્ટિકલ્ચર લખનૌ દ્વારા 21 જૂન 2011માં યોજાયો હતો. સેમિનારમાં યુએસએ, જર્મની, આર્યલેન્ડ, નેપાળ, આસ્ટ્રેલિયા, સ્પેન, આફ્રિકાના 25  વિજ્ઞાની  જોડાયા હતા. ભારતના 40 વૈજ્ઞાનિકો અને ખેડૂતોઓ હતા. જેમાં મોહનભાઈ પટેલને વનલક્ષ્મી કેરીના ઉત્પાદનમાં વધારા અંગે બહુમાન અપાયું હતું.

નવી દિલ્હીના અમિત સીંઘ મેમોરિયલ ફાઉન્ડેશન અને જલગાંવમાં જૈન ઈરીગેશન ખાતે યોજાયેલી  ગ્લોબલ કોન્ફરંસમાં 30 મે 2013માં ઉદયાનરત્ન એવોર્ડ આપવામાં આવ્યો હતો.  ત્યાર પછી ગુજરાત સરકારે રહી રહીને કૃષિ સરદાર પટેલ એવોર્ડ આપેલો હતો.

વનલક્ષ્મીની વિદેશમાં માંગ

વનલક્ષ્મી કેરીની નિકાસ અમેરિકા અને યુકેમાં થવા લાગી છે. તેમાં તેઓથી પહોંચી શકાતું નથી. સાવરકુંડલાના મૂળ અને અમેરિકામાં રહેતા વેપારીઓ લઈ જાય છે.

વલસાડ તાલુકાના 57 ગામોમાં આફૂસનું ઉત્પાદન થાય છે. સરેરાશ દરેક ગામમાં 500 ટનનું ઉત્પાદન થાય છે. વલસાડ તાલુકામાં 28500 ટન આફૂસ પાકે છે. તેમાંથી 40 ટકા જેટલી કેરી એટલે કે 11400 ટન આફૂસની નિકાસ પણ થાય છે. તેની બરોબરી વનલક્ષ્મી જાત કરી શકી નથી. તે એક ખેડૂત પૂરતી જ સીમિત રહી છે. જો તેનું વાવેતર વધારી દેવાય તો વિદેશમાં સારી માંગ ઊભી કરી શકાય તેમ છે.

ગ્લોબલ વોર્મિંગની માઠી અસર

2017-18માં 3500 મણ કેરીનું ઉત્પાદન કરવાનું મોહનભાઈએ નક્કી કર્યું હતું. પણ ગ્લોબલ વોર્મિંગના કારણે 1000 મણ માંડ ઉત્પાદન થયું હતું. આજથી 7 વર્ષ પહેલાં જે ઉત્પાદન મળતું હતું તે ઘટીને 33 ટકા થઈ ગયું છે. હવે દર વર્ષે વર્ષે ઉત્પાદન ઘટી રહ્યું છે. ગ્લોબલ વોર્મીંગના કારણે હવે ઉત્પાદન 33 ટકા થવા લાગ્યું છે. તેથી ખેડૂતોને કેરીના વૃક્ષો હવે ઉગાડવા પોસાય તેમ નથી. એવું મોહનભાઈ કહી રહ્યાં છે.

2006 અને 2020માં આંબા  

2006માં રાજ્યમાં 72300 હેક્ટરમાં આંબાનું વાવેતર હતું, જે 2020માં 85400 હેક્ટર થઈ ગયું છે. 13 વર્ષમાં 13100 હેક્ટર વાવેતર વધી ગયું છે. દર વર્ષે સરેરાશ 1 હજાર હેક્ટરના આંબા વધી રહ્યાં છે. જુનાગઢ અને ગીરસોમનાથમાં 22600 હેક્ટર, નવસારીમાં 21000 હેક્ટર આંબા છે.

વલસાડમાં 2006માં 26000 હેક્ટર આંબાનું વાવેતર હતું જે 2020માં ઘટીને 24600 હેક્ટર વાવેતર થઈ ગયું છે. તેમાં દર વર્ષે ઘટાડો થઈ રહ્યો છે. જે વપીના ખતરનાર પ્રદુષણના કારણે થઈ રહ્યું છે.

કેસર કેરીનું હેક્ટર દીઠ ઉત્પાદન ઘટી રહ્યું છે. ગુજરાતમાં વર્ષે રૂ,2 હજાર કરોડની કેરીનો વેપાર છે. જેમાં 40 ટકા હિસ્સો સૌરાષ્ટ્રનો છે. આમ જ્યાં રૂ.800 કરોડની કેસર કેરી પાકી રહી છે ત્યાં હવે આફત દેખાઈ રહી છે.

સૌરાષ્ટ્રમાં વારંવાર ફૂગનું આક્રમણ થતું હોવાથી 4 ટકા ઉત્પાદકતા 10 વર્ષમાં ઘટી છે. તેની સામે દક્ષિણ ગુજરાતના આંબાની ઉત્પાદકતામાં લગભગ 20 ટકાનો વધારો થયો છે.

અનેક સ્થળે વનલક્ષ્મી પહોંચી

મોહનભાઈ પાસે વનલક્ષ્મીના હાલ 45 આંબા છે. પણ એક લાખ લોકોને તેઓ , ગ્રાફટીંગ સ્ટીકો આપી ચૂક્યા છે. વડોદરામાં ક્રિકેટર  ઈરફાન પઠાણે તેના બાગમાં આ કેરીના વૃક્ષો વાવેલા છે. વાપીમાં હિંદુસ્તાન ઈંકે વનલક્ષ્મી જાતના આંબા રોપેલા છે. જામનગરમાં રિલાયંસમાં પણ થોડા આંબા છે. તેમના ખેતર પર કોઈ ખેડૂત આવે તો તેમને ખાલી હાથ ન જવાદે, તેમને એક સ્ટીક તો આપે છે. તેઓ જ્યાં જાય ત્યાં ગ્રાફટીંગ સ્ટીક આપે છે. આણંદ, વડોદરા ઘણાં ખેડૂતોને ત્યાં વન લક્ષ્મી આંબા છે.  

વેરાઈટી લોકપ્રિય બનતાં 40-50 વર્ષ લાગે

કલમ રોપવી એટલે એક બાળકનો ઉછેર કરવા બરાબર છે એમ મોહનભાઈ માને છે. 300 વિજ્ઞાનીઓ સમક્ષ પ્રેઝન્ટેશન કરેલું ત્યારે તેમણે કહેલું કે વિજ્ઞાનીઓએ નવી વેરાયટી શોધવામાં વર્ષો લાગે અને ખેડૂતો અને ગ્રાહકો વચ્ચે જાણીતી બનતાં 40-50 વર્ષ લાગી જતાં હોય છે. જેમાં ખેડૂતની એક પેઢી પસાર થઈ જાય છે. પણ મારી વનલક્ષ્મી તો ખાવા માટે તૈયાર છે.

ઉત્પાદન પર માઠી અસર

એક આંબા પર 100 કિલો કેરી મળતી હતી હવે તે ગ્લોબલ વોર્મીંગના કારણે માંડ 20થી 25 કિલો ઉત્પાદન મળે છે. તેથી ખેડૂતો નાશીપાસ થઈ રહ્યાં છે. વાતાવરણ પરિવર્તન થવાથી તેને ભારે નુકસાન થઈ રહ્યું છે. તમામ જાતના આંબામાં આવું નુકસાન થઈ રહ્યું છે તેથી ખેડૂતો તેનું વાવેતર કરતાં સાત વખત વિચારે. નિકાસ થાય એવી કેરીનું વાવેતર ખેડૂતોએ કરવું જોઈએ.  

ભાવ

વનલક્ષ્મી કેરીનો ભાવ રૂ.1400-1800 મળે છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp