શ્રેષ્ઠ નવલકથાકાર અશ્વીની ભટ્ટ અમારા માટે રાત્ર બે વાગે ચ્હાની ટ્રે લઈ ઉભા રહેતા

PC: facebook.com

મારા ઘણા મિત્રો કરતા હું જુદો છું અને મારા ઘણા મિત્રો મારી કરતા જુદા છે. આમ છતાં અમારી મિત્રતામાં કયાંય ઓટ આવતી નથી. દરેક માણસ કાયમ બીજા કરતા જુદો જ રહેવાનો છે. ગુજરાત સમાચારની અમદાવાદ આવૃત્તિના ચીફ રીપોર્ટર મુકુંદ પંડયા જે મારા કરતા ઉમંરમાં પણ દસ વર્ષ  મોટા છે. અમે એકદમ અલગ છેડાના માણસ છીએ. મારા સ્વભાવને કારણે કોઈ મને કયારેય પુછતું નથી પણ મુકુંદ પંડયાને અનેક લોકોએ અનેક વખત આ સવાલ પુછયો છે કે પ્રશાંત તમારો મિત્ર કેવી રીતે હોઈ શકે ? પણ મુકુંદ પંડયાએ પ્રશ્નનો જવાબ બહુ સારી રીતે આપે છે. મુકુંદ પંડયા માને છે કે કોઈ સાથે  તમારી મિત્રતા થાય ત્યારે તે જેવો છે તેવો જ તેને સ્વીકારી લેવો પડે છે. તમે કોઈના  પચાસ-સાંઈઠ ટકા મિત્ર હોઈ શકો નહીં. તમે કોઈના મિત્ર છો અથવા નથી તમે મિત્રતાને મધ્યમાં ઉભા રહી માણી શકો નહીં.

આવું જ મારૂ અને પત્રકાર  ઉર્વીશ કોઠારીના સંબંધોમાં પણ છે, હું અને ઉર્વીશ કોઠારી પહેલી વખત 1995માં મળ્યા હતા. અમે સાથે અભિયાનમાં કામ કરતા હતા ત્યારથી અમારી મિત્રતા અકબંધ રહી છે. હું જયારે ઉર્વીશને પહેલી વખત મળ્યો ત્યારે મને લાગ્યુ કે કોઈ માણસ આટલો સરળ કેવી રીતે હોઈ શકે ?  કારણ હું કોઈ પણ  રીતે સરળ નથી. આટલા  વર્ષો પછી ઉર્વીશની સરળતામાં ખાસ કોઈ ફેર પડયો નથી. માણસ આજે દેખાય છે અથવા આજે જેવો જીવે છે તેની પાછળ તેના જીંદગીના સારા માઠા અનુભવો કારણભુત હોય છે. પણ ઉર્વીશ માટે હું કહી શકુ કે 25 વર્ષ પહેલા હતો તેવો જ છે, અમે બંન્ને ભિન્ન મત અને ભિન્ન દિશાના માણસો છીએ પણ અમારી વચ્ચે કંઈક એવું છે જે અમને આજે પણ જોડી રાખે છે.

અહિયા મેં મુકુંદ પંડયા અને ઉર્વીશ કોઠારીના ઉદાહરણ એટલા માટે આપ્યા કે અમે જુદા હોવા છતાં સાથે રહી શકીએ છીએ તેનું કારણ અમે એકબીજાને બદલવાનો પ્રયત્ન કર્યો નથી. મુકુંદ પંડયા અને ઉર્વીશે મને કયારેય કહ્યું નથી. હું જે કઈ કરી રહ્યો છું તે બરાબર નથી, મારે આવું નહીં આવુ કરવું જોઈએ અથવા તારો અને અમારો મત અલગ છે. તેના કારણે આપણે હવે મિત્રતાના રસ્તે આગળ ચાલી શકતા નથી. હુું જેવો હતો તેવો તેમણે મને સ્વીકારી લીધો. અહિયા વાત માત્ર મુકુંદ પંડયા અને ઉર્વીશ પુરતી સીમિત નથી. મારી પાસે વિવેક દેસાઈ, દિપક સોલીયા, ભરત યાજ્ઞિક. રાજીવ પાઠક અને સંજય કચોટ જેવા અનેક મિત્રો છે જેમણે મને નખશીખ સ્વીકાર્યો છે. મારા આ મિત્રોએ મને બદલાવાનો કયારેય પ્રયત્ન કર્યો નહીં, જેના કારણે હું ક્રમશ બદલાયો, તેની મને બરાબર ખબર છે.

મારા મિત્રોએ જો મને અથવા મેં તેમને બદલવાનો પ્રયત્ન કર્યો હોત કદાચ આજે અમે એકબીજાના ચહેરા જોવાનું પણ પસંદ ન કરતા. મારા અનુભવથી મને સમજાય છે, કોઈએ કયારેય કહીને માણસને બદવાનો પ્રયત્ન કરવો જોઈએ નહીં. માણસ તો સામેની વ્યકિતનો વ્યવહાર જોઈ બદલાય છે. અમે અભિયાનમાં નોકરી કરતા ત્યાર ગુજરાતના શ્રેષ્ઠ નવલકથાકાર અશ્વીની ભટ્ટ રાતના બે વાગે મારા અને મારા સિનિયર પત્રકાર અનીલ દેવપુરકર માટે ચ્હાની ટ્રે લઈ ઉભા રહેતા હતા. મને અશ્વીની ભટ્ટને જોઈ સમજાયુ કે માાણસ પોતાના કામ અને પદને કારણે ઉંચાઈએ પહોચે છે. પણ તે  ઉંચાઈ ટકાવી રાખવા તેને માણસ બની રહેવુ  પડે છે. અશ્વીની ભટ્ટને જોયા પછી મને સમજાયુ કે તેમની નવલકથા તેમને લોકો સુધી લઈ ગઈ, પણ તેમના વ્યવહારને કારણે તેઓ લોકોના હ્રદયમાં સ્થાન પામ્યા. મારે અને મારી પત્ની શીવાની વચ્ચે પણ આ મુદ્દે ઘણીવાર ચર્ચા અને તકરાર થાય છે ખાસ કરી આવુ દરેક દંપત્તીના જીવનમાં થાય છે. લગ્ન જીવનના પાંચ-દસ -પચ્ચીસ વર્ષ પછી પણ દંપત્તીઓ એકબીજાને બદલવાનો પ્રયત્ન કરતા હોય છે. પતિ માને છે કે તેની પત્ની તેની આટલી કલ્પનાઓ પ્રમાણે જીવવી જોઈએ, અને પત્ની માને છે કે લગ્નના આટલા વર્ષો પછી પણ તમે હતા તેવા રહ્યા જરા પણ બદલાયા નથી.

મને કાયમ એક સવાલ થાય છે કોઈએ સામેની વ્યકિતને બદલવાનો શું કામ પ્રયત્ન કરવો જઈએ. કોઈ પણ બદલાવ પોતાને માટે પણ મુશ્કેલ હોય છે ત્યારે આપણે જે માનીએ છીએ તેવો બદલાવ સામેની વ્યકિતના જીવનમાં આવે તેવી અપેક્ષાઓ મન વચ્ચે અંતર ઉભુ કરે છે. માણસને બદલવા માટે શબ્દો નહીં વ્યવહારની જરૂર છે. જે જેવો છે તેવો જ આપણો છે અને આપણે તેને તેની મર્યાદાઓ સાથે પ્રેમ કરતા શીખી જઈશુ તો તેને બદલવાની આપણને જરૂર પડશે નહીં.

(પ્રશાંત દયાળ)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp