કાઠિયાવાડી ઘોડાઓની સંખ્યા ઘટી રહી છે, જાણો વધારવા સરકાર શું કરે છે

PC: facebook.com

ગુજરાતમાં અશ્વની કાઠીયાવાડી ઓલાદ માટે બ્રીડર એસોસિયેશનની સ્થાપના માટે સહાયની યોજના બીજા વર્ષ માટે થયેલી 5.28 લાખની જોગવાઇ પૈકી વણ વપરાયેલી 5.10 લાખની ગ્રાન્ટને રાજ્યના કૃષિ અને પશુપાલન વિભાગે મંજૂરી આપી છે.

ગુજરાતમાં અત્યાર સુધી કાઠીયાવાડી અને મારવાડી એમ બે અશ્વની નસલને માન્યતા મળી હતી પરંતુ કચ્છમાં જોવા મળતાં કચ્છી સિંધી સમાજ નસલને કેન્દ્ર સરકારે તાજેતરમાં માન્યતા આપી છે. ગુજરાતમાં સૌથી વધુ જોવા મળતા કાઠીયાવાડી અશ્વોની સંખ્યા વધે તેવા પ્રયાસના ભાગરૂપે બ્રીડર એસોસિયેશનની સ્થાપના કરવામાં આવી રહી છે.

ચોકાવનારી બાબત એવી સામે આવી છે કે ગુજરાતમાં અશ્વની સંખ્યા 2012માં 0.92 મિલિયન (6,20,000) હતી જે ઘટીને 2019ના સેન્સસ પ્રમાણે 0.34 મિલિયન (3,40,000) થઇ છે. એટલે કે રાજ્યમાં બ્રીડીંગના અભાવે અશ્વની સંખ્યામાં 45.58 ટકાનો ઘટાડો થયો છે. પશુપાલન વિભાગના અધિકારી કહે છે કે બ્રીડર એસોસિયેશન પછી ગુજરાતમાં અશ્વની બે મુખ્ય જાતોના સંવર્ધનના પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે.

ગુજરાતમાં કાઠીયાવાડી અશ્વની સંખ્યા ઓછી થતી જાય છે ત્યારે તેની વસતીમાં વધારો થાય તે માટે રાજ્યના કૃષિ વિભાગે અનેક યોજનાઓ શરૂ કરી છે. અશ્વપાલકોને પ્રોત્સાહન આપવાની સાથે સરકારે બ્રીડર એસોસિયેશનની સ્થાપના કરવાનું નક્કી કર્યું હતું પરંતુ બેદરકારીના કારણે આ એસોસિયેશનની સ્થાપના કરી શકાઇ ન હોવાથી ગ્રાન્ટ લેપ્સ જાય તેવી સ્થિતિ ઉદ્દભવી હતી પરંતુ કૃષિ વિભાગે વર્તમાન નાણાંકીય વર્ષના અંત સુધીમાં આ એસોસિયેશનની સ્થાપના કરવાનું નક્કી કર્યું છે.

રાજ્ય સરકારે ગયા વર્ષે બ્રીડર એસોસિયેશનની સ્થાપના કરવાનો નિર્ણય કરીને આ હેતુ માટે 5.28 લાખ રૂપિયા ખર્ચવાનું આયોજન કર્યું હતું પરંતુ એક વર્ષ સુધી આ દિશામાં કોઇ કામગીરી ન થતાં આ ગ્રાન્ટને વર્તમાન વર્ષ માટે લંબાવવામાં આવી છે.

પશુપાલન વિભાગના સૂત્રોએ કહ્યું હતું કે બ્રીડર એસોસિયેશન માટેની ગ્રાન્ટ ત્રણ વર્ષ માટે કરવાની થતી હતી પરંતુ એક વર્ષમાં કોઇ પ્રગતિ થઇ નથી તેથી ચાલુ નાણાકીય વર્ષમાં આ ગ્રાન્ટને વાપરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ એસોસિયેશનની સ્થાપના પશુપાલન નિયામકની કચેરી દ્વારા કરવામાં આવશે.

 
 
 
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp