PM મોદીએ ડેનમાર્ક ક્વીન અને PMને ગુજરાતમાં બનેલી આ ગિફ્ટ આપી

PC: PIB

ખત્રી સમુદાયના કસબીઓ સ્થાનિક પશુપાલકનાં વસ્ત્રો માટે રોગાનકામ કરતા પરંતુ સમય જતાં મશીનથી બનતાં વસ્ત્રો વધુ પરવડે તેવા વિકલ્પ રૂપે મળી જવાથી ખત્રી યુવાનોને આ કલામાંથી રસ સાવ ઊડી ગયો હતો, પરંતુ અબ્દુલભાઇના પરિવારે 1985માં પુન: રોગાનકલાને જીવંત કરી હતી. બાર દીવસના અથાગ પરિશ્રમના અંતે વસ્ત્ર પર વૃક્ષને ઉપસાવતી અબ્દુલ ગફુર ખત્રીની રોગાન કલાકૃતિથી પ્રભાવિત થઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ બેનમૂન કલાકૃતિ તત્કાલીન અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાને ભેટમાં આપી હતી. તો આ વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડેનમાર્કની રાણી માર્ગ્રેથને કચ્છી કસબીની આ કલાકૃતિ ભેટ સ્વરૂપે આપી હતી.

હાલમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિદેશ પ્રવાસની ઘણી ચર્ચાઓ થઈ છે. 65 કલાકમાં ત્રણ દેશના આઠ નેતાઓને મળી ભારત પરત ફરેલા ભારતના વડાપ્રધાને દરેક નેતાઓને ભેટમાં કંઇક વિશેષ આપ્યું હતું. તો આ આંતરાષ્ટ્રીય પ્રવાસની ભેટોમાં કચ્છી હસ્તકળાએ ડંકો વગાડ્યો હતો. ડેન્માર્કના મહારાણીને વડાપ્રધાને રોગાન હસ્તકળા વડે બનાવેલો આર્ટ પીસ આપ્યું તો ડેનમાર્કના વડાપ્રધાનને કચ્છી ભરતકામથી બનેલું વોલ હેંગિંગ ભેટ આપ્યું હતું. કચ્છ એ અનેક પ્રકારની હસ્તકળાનો ભંડાર ધરાવે છે અને અહીંની હસ્તકળાની વિવિધતાના કારણે અહીંની અનેક હસ્તકળાઓ આજે વિશ્વમાં પ્રખ્યાત બની છે.

હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા તે સમયથી જ તેમણે આ હસ્તકળાઓને પ્રોત્સાહન આપ્યું છે. તો વડાપ્રધાન બન્યા બાદ પણ વખતેને વખતે તેમણે પોતાની વિદેશ યાત્રા અથવા ભારત આવેલા મોંઘેરા મહેમાનોને કચ્છી હસ્તકળાના નમૂના ભેટમાં આપે છે. આ રોગાન આર્ટની સુવાસ કચ્છથી અમેરિકાના વ્હાઇટ હાઉસ સુધી પહોંચી છે. અગાઉ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બરાક ઓબામાને રોગાન આર્ટનો નમુનો ભેટ આપેલ હતો.

આ વર્ષે નરેન્દ્ર મોદીએ ડેનમાર્કની રાણી માર્ગરેટને કચ્છના રોગાન આર્ટની કૃતિ ભેટ સ્વરૂપે આપ્યું હતું. મહારાણી માર્ગ્રેટને ભેટમાં આપવામાં આવેલા રોગાન આર્ટની કૃતિ રોગાન આર્ટિસ્ટ નેશનલ એવોર્ડ વિજેતા સુમાર ખત્રી અને પદ્મશ્રી અબ્દુલ ગફુર ખત્રી દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું. નખત્રાણા તાલુકાના નિરોણા ગામ રાજાશાહી જમાનામાં માત્ર અમુક જ જ્ઞાતિની મહિલાઓના પહેરવેશ પર જ જોવા મળતો છાપકામ (રોગાન) કસબ પાછળથી એ જ્ઞાતિઓમાં રોગાનકૃત વસ્ત્રોનું ચલણ બંધ થતાં કસબ પડી ભાંગ્યો હતો. તેમ છતાં આ કસબના કારીગરોએ મહામહેનતે તેને કલામાં રૂપાંતરિત કરી તેમાં સમયની માંગ અનુરૂપ બદલાવની મહેનત આખરે રંગ લાવી અને આ કસબ ભારે ફૂલ્યો ફાલ્યો. જ્યારે એ જ કલા સાથે સંકળાયેલો એક પરિવાર આ કલાને મૂકી દીધા બાદ છેલ્લા એક દાયકાથી પુન: પોતાના વારસાગત હસ્તકલાને હસ્તગત કરી પોતાની જૂની પેઢીઓના રાહે હવે વસ્ત્રો પર પોતાની કળા કરતાં રોગાનકલામાં એક નવો અધ્યાયનો ઉમેરો થયો છે.

અબ્દુલભાઇએ વાતચીત કરતાં જણાવ્યું હતું કે, છેલ્લાં 40 વર્ષથી ખૂબ જ સંઘર્ષ કરી કલાને જીવંત રાખી છે. આ ચાર દાયકાની કલા ઉપાસનામાં અનેક કલા એવોર્ડ મેળવી કચ્છ, રાજ્ય અને દેશનું નામ કલાક્ષેત્રે રોશન કર્યું છે. ગૌરવપૂર્ણ પદ્મ સન્માનની જાણકારી મળ્યા બાદ ખૂબ જ આનંદિત આ કલાકારે જણાવ્યું હતું કે સંઘર્ષ, વડીલોની દુવા, દેશવાસીઓ અને દુનિયાના કલાપ્રેમીઓનો પ્રેમ, ગામના સહયોગ થકી જ મારી કલાની કદર થઇ છે તેને લઇ ખૂબ જ ગૌરવની લાગણી અનુભવું છું, કારણ કે હું એક કચ્છી છું, કારણ કે કચ્છ માટે આ ગૌરવપ્રદ બાબત છે. પર્સિયાની ચાર સદી જેટલી જૂની રોગાનકલાનો કમાલ કસબ આઠ પેઢીથી ટેરવે ટકાવી બેઠેલા નિરોણાના અબ્દુલગફુર ખત્રી રાષ્ટ્રીય એવોર્ડથી પણ સન્માનિત થઇ ચૂકયા છે. અબ્દુલભાઇ કચ્છમાં રોગાનકલાનો વારસો ધબકતો રાખનાર આઠ પેઢીના વારસ છે.

રોગાનકલાએ વસ્ત્ર કલાકારની કલ્પનાશક્તિની કમાલ પર જ આધારિત છે, તેવું પદ્મશ્રી અબ્દુલ ગફુર ખત્રી કહે છે. આ રોગાનકલાને સાચવી બેઠેલા કચ્છના એકમાત્ર કસબી કુટુંબના 10 કલાકાર સભ્યો 4 રાષ્ટ્રીય,3 MSC, 9 રાજ્યસ્તરના એવોર્ડથી સન્માનિત થઇ ચૂકયા છે. રોગાન આર્ટને સાચવી રાખવા માટે વર્ષ 2019માં પદ્મશ્રી એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp