અમદાવાદ હાટ ખાતે ક્રાફ્ટ બજાર હસ્તકલા મેળો 8 એપ્રિલ સુધી ખુલ્લો રહેશે

PC: PIB

ભારત સરકારે પોતાની પ્રેસ રીલિઝમાં જણાવ્યું કે, ભારતના ઇતિહાસમાં હસ્તકળા અને હાથશાળ તેના અભિન્ન અંગ ગણાય છે. ગ્રામ્ય વિસ્તારોમાં વસવાટ કરતાં લોકો રોજીરોટી માટે ઘરે બેઠા હસ્તકલા અને હાથશાળની વસ્તુઓનુ સર્જન કરીને રોજગારી સાથે આપણી લોક સંસ્કૃતિ અને પરંપરાને પણ જીવંત રાખી રહ્યા છે. જે આપણા દેશનો સમૃદ્ધ વારસો છે. ભારતની કલા આજે પણ દેશ – વિદેશમાં પ્રખ્યાત છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલ સંદેશ 'વોકલ ફોર લોકલ' ને આત્મસાત કરીને લોકો સ્વદેશી વસ્તુઓ તરફ વળે તે હેતુથી ભારતનાં લોકો દ્રારા જ નિર્મિત, ભારતના લોકો માટે જ બનેલી ચીજવસ્તુઓ લોકો પોતાના ઘરે અને વ્યવસાયના સ્થળે વસાવે એ આ મેળાનો મુખ્ય ઉદ્દેશ છે. તેમ જણાવતા સાંસદ ડૉ.કિરીટ સોલંકીએ ક્રાફ્ટ બજારને ખુલ્લું મુક્યું હતું.

અમદાવાદના વસ્ત્રાપુર હાટ ખાતે ભારત સરકારના વસ્ત્ર મંત્રાલય અને ગુજરાત સ્ટેટ હેન્ડલૂમ વિવર્સ કો.ઓ.ફેડરેશન લી.ના સંયુકત આયોજનથી ક્રાફ્ટ બજારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતના અને અન્ય રાજ્યોના કુલ 100 કરતા વધારે સ્ટોલમાં રાજ્સ્થાનના જયપુર. ઉદયપુર, મુંબઈ, રાંચી- ઝારખંડ, પશ્ર્ચિમ બંગાળ, બિહાર, ઉજ્જૈન. ઈન્દોર-મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, તમિલનાડુના કારીગરો અને દિલ્હીના હસ્તકલાના સર્જકો તેમની કલા કારીગરીની ઉતમ વસ્તુઓ લઇને અહી આવ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદ અને કલોલ ખાતે ભારત સરકારના વસ્ત્ર મંત્રાલયના AHVY પ્રોજેક્ટ અંતર્ગત હસ્તકલા અને હેન્ડલૂમની 100 થી વધુ મંડળી તથા 1000 થી વધુ હસ્તકલા તથા હેન્ડલૂમ કારીગરોના ઉત્થાન માટે સંસ્થા કાર્યરત છે.એમ ચેરમેન પ્રહલાદ પરમારે જણાવ્યું હતું. ક્રાફ્ટ બજારનું પ્રદર્શન અને વેચાણ કોવિડના તમામ નિયમોનું પાલન કરીને યોજવામાં આવ્યો છે. જેનો મુખ્ય ઉદ્દેશ હાથશાળ, હસ્તકલા અને ગ્રામઉદ્યોગના સ્થાનિક કારીગરોને રોજગારી આપીને તેમને આત્મનિર્ભર બનાવવાનો છે.

આ મેળામાં હાથશાળની બનાવટ, હસ્તકલાની વસ્તુઓ, માટીકામની વસ્તુ , ચર્મ કામ, મોતીકામ, ભરતકામ તથા ગૃહસુશોભનની અનેકવિધ ચીજવસ્તુઓનું પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવી રહ્યું છે. તા 8 એપ્રિલ 2021 સુધી ચાલનાર મેળો સવારે 11 થી રાત્રિના 8 વાગ્યા સુધી વિનામૂલ્યે નિહાળી શકાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp