મોદી સરકારમાં સત્તાના દલાલોની ટોળકીનો સફાયો કરી દેવાયો છે: નિર્મલા સીતારમણ

PC: outlookindia.com

નાણાપ્રધાન નિર્મલા સીતારમણે શુક્રવારે એક ન્યૂઝ ચેનલ ઈન્ટરવ્યુમાં ડ્રાફ્ટ બજેટ પર નિખાલસતાથી પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. નાણામંત્રીએ કહ્યું કે પહેલા દલાલો સત્તાના ગલિયારામાં ફરતા હતા. આ દલાલોને સંપૂર્ણ રીતે હટાવવાનું કામ મોદી સરકારે કર્યું છે. તેમણે કહ્યું કે મોદી સરકાર પહેલા ડ્રાફ્ટ બજેટ પર દલાલોનું દબાણ રહેતું હતું, પરંતુ હવે બજેટ દેશના લોકોના હિતને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવે છે. હવે બજેટ તૈયાર કરતી વખતે દલાલોના વ્યકિતગત સ્વાર્થ પર ફોકસ રાખવામાં આવતું નથી. દેશનું અંદાજ પત્ર દરેક વર્ગને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવે છે. કોઇ પણ વર્ગ નિરાશ ન થાય તેનું બજેટમાં ધ્યાન રાખવામાં આવે છે. નાણાં મંત્રીએ કહ્યું કે, PM મોદીએ નીતિ નિર્માણ માટે એક પારદર્શક સિસ્ટમ તૈયાર કરી છે, એ સિસ્ટમને કારણે સત્તાના દલાલો ગાયબ થઇ ગયા છે.

જ્યારે સીતારમણને પૂછવામાં આવ્યું કે બંગાળના CM મમતા બેનર્જિએ બજેટને નકામું અને દિશાહીન ગણાવ્યું છે, તો તમે આના પર શું કહેશો? આ સવાલના જવાબમાં સીતારમણે કહ્યું કે, બજેટ કોઈ ખાસ માટે ઉત્સાહ પેદા કરવા માટે નથી પરંતુ લોકોની જરૂરિયાતોને પહોંચી વળવા અને તેમના પ્રશ્નોના ઉકેલ માટે તૈયાર કરવામાં આવે છે. આ એક ગંભીર દસ્તાવેજ છે.  તેમણે કહ્યું કે,વિપક્ષી નેતાઓએ સામાન્ય માણસ પાસેથી શીખવું જોઈએ અને યોગ્ય હોમવર્ક કર્યા પછી વિચારો વ્યક્ત કરવા જોઈએ.

નિર્મલા સીતારમણને સવાલ પુછવામાં આવ્યો કે કોંગ્રેસ નેતા પી. ચિદમ્બરમે બજેટ પર ટીપ્પણી કરી હતી કે બજેટમાં ગરીબોની કોઇ ચર્ચા કરવામાં આવી નથી. તો નાણાં મંત્રીએ કહ્યુ કે, જો કોંગ્રેસ નેતાએ 100 વખત તેનો ઉલ્લેખ કર્યો હોત તો શું થાત? શું તેઓ ગરીબી દૂર કરી શક્યા હોત? કોંગ્રેસની આ આદત છે કે તે અધિકારની વાત કરે છે પણ કશું આપતી નથી. બીજી તરફ PM મોદીનું નેતૃત્વ અંતિમ  માઈલ સુધી લોકોને સુવિધા આપવામાં વિશ્વાસ રાખે છે.

જ્યારે નાણા મંત્રીને પુછવામાં આવ્યું કે વિદેશી રોકાણકારોએ અદાણીને કારણે ભારતના બજારમાંથી 2 બિલિયન ડોલર ખેંચી લીધા છે, તો શું આને કારણે દેશને નુકશાન નથી?  આના જવાબમાં નિર્મલા સીતારમણે કહ્યું કે, આ આંકડાઓ વિશેનો અભ્યાસ કર્યા પછી જ હું કહી શકીશ. તેમણે કહ્યું કે LIC અને SBIએ અદાણી વિવાદમાં પોતાનો પક્ષ રજૂ કરી જ દીધો છે. સીતારમણને પુછવામાં આવ્યું કે વિપક્ષ  અદાણી વિવાદમાં JPC તપાસની માંગ કરી રહ્યું છે. તો નાણાં મંત્રીએ કહ્યું કે, આ વિશે હું કોઇ ટીપ્પણી કરવા માંગતી નથી. અદાણીનો કેસ જોવા માટે રેગ્યુલેટર્સ છે.

નિર્મલા સીતારમણે  લઘુમતી મંત્રાલય અને મનરેગાના બજેટ ઘટાડા વિશે બોલતા કહ્યું હતું કે પહેલા બજેટમાં ફંડ વિખરાયેલું રહેતું હતું, પરંતુ હવે તેને એક જગ્યાએ એકઠું કરવામાં આવ્યું છે. જેને કારણે વધારે લોકોને ફાયદો થશે. સાથે દરેકને ઘર અને ઘર જળ યોજનામાં પણ મનરેગા હેઠળ કામ કરવાની તક મળશે, જેનાથી તેમની આવક વધશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp